• Gujarati News
  • ઉત્કલ નગર નજીક રાત્રે ગાંજાના ખેપિયાઓનો ટ્રેન પર પથ્થરમારો

ઉત્કલ નગર નજીક રાત્રે ગાંજાના ખેપિયાઓનો ટ્રેન પર પથ્થરમારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાખાપટ્ટનમથીગાંધીધામ જતી એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે મોડીરાત્રે સુરતથી વડોદરા તરફ આગળ વધી ત્યારે માત્ર બે કિલોમીટરના અંતરે અજાણ્યાઓએ ચેઇન પુલીંગ કરીને ટ્રેનને અટકાવી ગાંજો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 4 સપ્લાયરોને ઝડપી લઈ 6.50 લાખનો 108.250 કિલો ગાંજો અને રોકડા તથા 4 સેલ ફોન મળીને કુલ 657660 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

શુક્રવારે મોડીરાત્રે જીઆરપીના જવાનો ઉત્કલનગર રેલવે ટ્રેક પાસે પેટ્રોલિંગમાં હતા. સુરતથી આગળ વધતી વિશાખાપટ્ટનમ-ગાંઘીધામ એક્સપ્રેસ સમયે સુરત સ્ટેશનથી આગળ ઉત્કલનગર પાસે પહોંચી ત્યારે તેની ચેઇન પુલિંગ થયું હતું. ટ્રેન ઉભી રહેતાની સાથે રીઝર્વેશન કોચ નંબર એસ-5માંથી ચારેક જણા બેગો લઇને ઉતરી રહ્યા હતા. પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ તેમને જોઇ લેતા પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઝુપડપટ્ટીમાં સંતાઇ રહેલા ટોળાએ પોલીસ અને ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. ધમાચકડીનો લાભ ઉઠાવી ટ્રેનમાંથી ઉતરનારાઓ ફરી ટ્રેનમાં ચઢી ગયા હતા.

પોલીસ સ્ટાફ તેમનો પીછો કરતાં ટ્રેનમાં પહોંચી ગયો હતો. બીજીતરફ પથ્થરમારો થતા ટ્રેનના બારીના કાચ ફુટી ગયા હતા ટ્રેનમાં પીછો કરતી પોલીસે પાંચેક બેગ સાથે ચારેય ગાંજાના ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલાઓના નામ કાલુચરણ અરખીત સ્વાઇ (રહે.રામચંદ્રપુર ગામ, જિલ્લો ગંજામ, ઓરીસ્સા), બસંત નીલાંચલ શેટ્ટી(રહે. રીશીપુર ગામ,જિલ્લો ગંજામ,ઓરીસા),મિટ્ટુ મન્નુ રાઉત(રહે.સચીના ગામ,જિલ્લો ગંજામ,ઓરીસા) અને સુશાંત જુરિયા રેડ્ડી(રહે. કોમાશાસન ગામ,જિલ્લો ગંજામ,ઓરીસા) છે. તેમની પાસેથે મળેલી બેગોમાંથી 108 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની કીમત 6.50 લાખ રૂપિયા થાય છે. ઉપરાંત બેગો, રોકડ રકમ અને 4 સેલ ફોન મળીને કુલ 657660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે ઝડપી પાડેલા 4 આરોપીઓ.