उडतઉડતી ખુરશીઓનું ચિંતન !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુ વા નેતા જીગ્નેશ મેવાણી કહે છે કે 17મીએ જ્યારે વડાપ્રધાનશ્રી ગુજરાતમાં આવશે ત્યારે એમની સભામાં ખુરશીઓ ઉડશે !

અલ્યા ભઈ, ખુરશીઓ ઉડે ખરી ? ગહન ચિંતનનો વિષય છે... વાંચો એક રૂપાળો ચિંતનાત્મક નિબંધ !

* * *

આજે બાળપણની એક નિર્દોષ રમત યાદ આવી ગઈ. અમે નાના હતા ત્યારે નદીની રેતમાં ઢગલીઓ કરીને થાકતા ત્યારે એક રમત રમતા. એક બાળક પૂછે “ચકલી ઉડે ? બાકીના કહેતા “ઉડે..” “કાગડો ઉડે ?” “ઉડે !” “કાબર ઉડે ?” “ઉડે !”

એમ કરતાં કરતાં અચાનક પેલું બાળક પૂછી નાંખે “બકરી ઉડે ?” આમાં જે ‘ઉડે..’ બોલી જાય તે આઉટ. જોકે તે વખતે મોર ઉડે કે નહિ તે બાબતે દલીલો થતી પરંતુ મારા આખા બાળપણમાં કોઈ દિવસ ‘ખુરશી ઉડે ?’ એવો સવાલ મેં સાંભળ્યો નહોતો.

પરંતુ તે દિવસે સુરતમાં નજરે જોયું ખુરશી ઉડે....

હા, ખુરશી માણસને ઉડાડી પણ શકે છે અને ઉડતો પણ કરી શકે છે. ખુરશીના ઉડ્ડયન પર સવાર થઈને માનવી તાલુકાથી જિલ્લામથકે અને જિલ્લાથી ગાંધીનગર જઈ પહોંચે છે. ગાંધીનગરની ખુરશી લઈને ઉડેલો માણસ દિલ્હીની ખુરશીએ પહોંચી જાય છે અને પછી આખી દુનિયામાં ઉડતો ફરે છે.

ખુરશીમાં બેસીને માણસ દોરી-સંચાર કરતો થઈ જાય છે પણ પોતાની સભામાં ખુરશીઓ ના ઉડે તે માટે તેને દોરી વડે બાંધતાં પણ શીખી જાય છે.

ખુરશીઓ જાતજાતની હોય છે. અમલદારની ખુરશી વજન માગે છે. જજ સાહેબની ખુરશી મુદત માગે છે. કેશકર્તનાલયની ખુરશી વાળ માગે છે અને બિચારા રાતના ચોકીદારની ખુરશી ઊંઘ માગે છે. પરંતુ ઉડતી ખુરશીઓ શું માગે છે?

* * *

ઉડતી ખુરશીઓ, ખાસ કરીને પ્લાસ્ટીકની ઉડતી ખુરશીઓ ‘એટેન્શન’ માગે છે. સાહેબો, અમારી તરફ જુઓ નહિતર આવતીકાલે તમારી તરફ કોઈ નહિ જુએ.

દેશના રીવાજ મુજબ દર પાંચ વરસે ખુરશીઓ એની મેળે ઉડવા માંડે છે. ઉડતી ખુરશીઓ કોને ઉડાડે અને કોને ઉપાડે તે ખુરશી પર બેસનારા નક્કી કરી શકતા નથી.

મહાકવિ અબ્રાહમ લિંકને ક્યાંક લખ્યું છે કે “તમે થોડી ખુરશીઓને ઘણા સમય માટે બાંધી શકો છો. તમે ઘણી ખુરશીઓને થોડા સમય માટે બાંધી શકો છો. પરંતુ તમે બધી ખુરશીઓને બધા સમય માટે બાંધી શકો નહિ...”

વાત રાહુલ ગાંધી બરોબર સમજી ગયા છે. તેથી તેઓ સભામાં ખુરશીને બદલે ખાટલા રાખે છે ! ઉડે તો નહીં...

{મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...