હોળીના દિવસે ઠંડા પવનોથી સુરતીઓ ઠુંઠવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંછેલ્લા બે દિવસથી રાતના તાપમાનમાં એકાએક ઘટાડો થતા ફરી ઠંડા પવનોથી લોકો ઠુંઠવાયા હતા. જ્યાં લોકો ઠંડીની હવે વિદાઈ થઈ ગઈ હોવાનું વિચારી રહ્યા હતા ત્યાં હોળીના દિવસે રાત્રે ઠંડીનો જબરજસ્ત ચમકારો અનુભવાયો હતો. પરંતુ બદલાવ પવનોની દિશા પરિવર્તન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થયો હતો. ઘણા દિવસથી શહેરમાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેથી સુરતીઓને કઇ ઋતુ ચાલી રહી છે તે અંગે પણ મુંઝવણ અનુભવાઇ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ગયા અઠવાડિયે રાતનું તાપમાન 12મી માર્ચ સુધી નહીવત ઘટવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ તાપમાનના ઘટાડાની સાથે બે દિવસ ઉત્તરી પવનો શરૂ થઈ ગયા હતા. ઉત્તરના પવનોની સાથે પવનોની ઝડપમાં પણ વધારો થતા ઠંડીનો ચમકારો થયો હતો. હોળીના દિવસે રાતનું તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. જ્યારે મહત્તમ તાપમાન માં વધારો થઈ રહ્યો છે. એટલે કે રાત્રે ઠંડી અને દિવસના ગરમીનો અનુભવ બે દિવસથી લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગે આજથી રાતના તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરી છે. જેથી આગામી 24 કલાક પછી રાતના અને દિવસના તાપમાનમાં સતત વધારો નોંધાશે. જેથી દિવસે કાળઝાળ ગરમીની સાથે રાત્રે બફારો વધશે. જેની અસર આજના તાપમાન પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. આજે રાતનું તાપમાન દોઢ ડિગ્રી વધ્યુ છે. આજે રાતનું તાપમાન 18.4 ડિગ્રી અને દિવસનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ છે. દિવસના તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસ દરમિયાન આજે 7 કિલોમીટરની ઝડપે ઉત્તર થી પૂર્વના પવનો ફુંકાયા હતા. જે ગઈ કાલે ઉત્તરી હોવાથી ઠંડી અનુભવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...