તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બસ સેવા બંધ કરાઇ તો ટોળાએ ડેપોમાં ઘૂસી તોડફોડ કરી, ડ્રાઇવર બસ લઇને ભાગ્યો તો રસ્તા પર સળગાવી દીધી

બસ સેવા બંધ કરાઇ તો ટોળાએ ડેપોમાં ઘૂસી તોડફોડ કરી, ડ્રાઇવર બસ લઇને ભાગ્યો તો રસ્તા પર સળગાવી દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. સુરત | અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠયા હતા. બસ સેવા બપોરે જ બંધ કરી દેવાઇ હતી પરંતુ કાર્યકરો રાત્રે 10.30 વાગ્યે કાપોદ્રા શ્યામધામ ચોકમાં બીઆરટીએસ ડેપોમાં ઘુસી ગયા હતા. તેમણે તોડફોડ શરૂ કરી હતી. ડ્રાઇવરો બસ લઇને ભાગવા જતા રસ્તા પર જ બસને આગ ચાંપી દીધી હતી. ટોળાઓ મોડી રાત સુધી બીઆરટીએસ બસ સ્ટેશનો પર તોડફોડ કરી. રસ્તામાં લોકોને અટકાવીને કારના કાચ તોડ્યા અને ટાયરો પણ સળગાવ્યા હતા. શહેરભરની પોલીસને વરાછા, કાપોદ્રા, પુણા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખડકી દેવાઇ હતી. મોડીરાત સુધી પરિસ્થિતિ તંગ હતી.

આખા શહેરની પોલીસને પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં ગોઠવી દેવાઇ
મોડીરાતે 10.30 વાગે કાપોદ્રા શ્યામધામચોક સ્થિત બીઆરટીસ બસ ડેપો પર ટોળા ઘુસી ગયા હતા. જ્યાં બસ પર પત્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી. જેથી બીઆરટીએસ બસને નુકશાન નહીં થાય તે માટે સલામત સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારે નજીકમાં જ રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવામાં આવી હતી.પૂણા સીમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કારને અટકાવીને કાચ તોડી નાંખ્યા હતા. યોગીચોકમાં ઠેરઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. મામલો તંગ બનતા વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તેનાત કરાયો હતો. પોલીસે આ વિસ્તારમાં સતત પેટ્રોંલિંગ શરૂ કર્યું હતું.

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલને 25મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતાં રવિવારે મંજૂરી વગર જ એક દિવસના પ્રતીક ઉપવાસ હાર્દિક પટેલ અને તેની ટીમ શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતાં જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રવિવારે બપોરે પાટીદારોના ગઢ ગણાતા વરાછામાં મિની બજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે હાર્દિકને છોડવાની માંગ સાથે પાસના કાર્યકરો ધરણાં કરી રહ્યાં હતા. જેથી પોલીસે 40થી વધુની અટકાયત કરી હતી. દરમિયાન વરાછા મેઇન રોડ પર તાપીબાગ સોસાયટી સામે બે કચરાપેટીને રોડ પર ઊંધી કરી દેવામાં આવી હતી અને પોલીસ ફૂટપાથમાં પેવર બ્લોક ઉખેડીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.વરાછામાં પરીસ્થિતિ તંગ થતાં બપોરે 3 કલાકે સુરત મહાનગર પાલિકાએ વરાછા તરફની તમામ બીઆરટીએસ અને સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.

મોડીરાતે યોગીચોક વનમાળી જંક્શનમાં BRTS બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઇ
બીઆરટીએસ સ્ટેન્ડમાં તોડફોડ
એસટી નિગમે 700 ટ્રિપ ડાયવર્ટ કરી
રવિવારે સાંજે 4 વાગ્યાથી બસોને ડાયવર્ટ કરવાની શરૂ કરવામાં આવી હતી. સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં 700થી વધુ ટ્રિપો ડાયવર્ટ કરવામાં આવી હતી. બસોને વરાછાથી પસાર કરવાને બદલે વાયા કડોદરા દોડાવવામાં આવી હતી. સોમવારે પણ વરાછા રોડ પરથી બસો પસાર કરવી કે નહિ એ બાબતે પરિસ્થિતિ જોઈ નિર્ણય લેવામાં આવનાર હોવાનું સુરત વિભાગના પરિવહન અધિકારી ડી. એન. રંજિયાએ જણાવ્યું હતું. મુસાફરો બસોના રૂટ બાબતે 0261-2424088 પર માહિતી મેળવી શકશે.

આજે વરાછામાં સિટી બસ અને બીઆરટીએસ બંધ રહેશે
મોડીરાતે યોગીચોક સ્થિત વનમાલી જંકશનના બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઇ હતી. બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ ટોળા દ્વારા તોડી નાંખવામાં આવ્યા હતા. બસમાં કરાઇ રહેલી તોડફોડને કારણે સોમવારે વરાછામાં સિટી બસ અને બીઆરટીએસની સેવા બંધ રહેશે તેવું પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું.

જો સરકાર શાંતિ ઇચ્છતી હોય તો અલ્પેશને મુક્ત કરે
વર્ષ 2015ના કેસમાં અત્યારે અલ્પેશની ધરપકડ કરી એ ખરેખર શંકાનો વિષય છે. સરકાર જો શાંતિ ઇચ્છતી હોય તો આવા ખેલ ખેલવાનું રહેવા દે અને અલ્પેશને વહેલામાં વ્હેલો મુકત કરે. ધાર્મિક માલવિયા, પાસ કન્વીનર

કાપોદ્રા ડેપોની બહાર બસમં તોડફોડ
પુણા-સીમાડા રોડ પર કારના કાચ તોડ્યા
પાસનો દાવો: 25મીનો કાર્યક્રમ નિષ્ફળ કરવા પ્રયાસ
ખેડૂતોના દેવા માફ કરવા સહિતની માંગણી સાથે હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ હતો. પરંતુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે કાર્યક્રમના સ્થળ ગ્રાઉન્ડને ફ્રી પાર્કિંગમાં ફેરવી દીધું હતું. સુરતમાં અલ્પેશ કથિરીયા વિરુધ્ધ રાજદ્રોહ તથા હત્યાની કોશિશના ગુન્હા દાખલ થયા છે. જો કે આજદિન સુધી અલ્પેશની ધરપકડ સુરત પોલીસે કરી નથી. દરમ્યાન રવિવારે અચાનક અમદાવાદના રાજદ્રોહ કેસમાં અલ્પેશની ધરપકડ પાછળ 25નો કાર્યક્રમ નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરાયો હોવાનું પાસના કાર્યકરોએ આરોપ મૂક્યો છે.

કચરાપેટી રસ્તા પર ફેંકી
પેવર બ્લોક ફેંક્યા
પથ્થરમારાથી બચવા ચાલક બાઇક મૂકી ભાગ્યો
અન્ય સમાચારો પણ છે...