Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
15 કરોડની જમીન છૂટી કરી 50 કરોડનો પ્રોજેક્ટ ઘૂસાડવાનો ખેલ
ચૌટાબજારવાળી જગ્યા છૂટી કરીને તેના પર કોમર્શિયલ પ્રોજેકટ બનાવવા માટે સોનાની લગડી સમાન જગ્યા કોઇ પણ સંજોગોમાં રિઝર્વેશન મુક્ત કરવાનો ખેલ ઘડી કાઢવામાં આવ્યો છે. માટે ભાજપના સ્થાનિક નેતાઓએ પ્રદેશ મોવડી મંડળને પણ ગેરમાર્ગે દોરીને આવતીકાલે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં જગ્યા છૂટી કરવાનો ખેલ પાડી દેવામાં આવનાર હોવાની હકીકતો જાણવા મળી છે.
ચૌટા બજારમાં આવેલી 700 ચોરસ મીટરવાળી જગ્યાની હાલની બજાર કિંમત જાણકારોના મતે અંદાજે 15 કરોડથી વધુની થાય છે. જગ્યાને છૂટી કરવા માટે કોટ વિસ્તારમાં પ્રોજેકટ બનાવતી એક વ્યક્તિએ સમગ્ર કારસો રચીને ધારાસભ્ય હર્ષ સંઘવી પાસે લેખિતમાં ભલામણ કરવાનો ખેલ કર્યો હતો. તેના પરિણામ સ્વરૂપે ધારાસભ્યએ જગ્યા રિઝર્વેશન મુક્ત કરવાની લેખિત ભલામણ કરી હતી. જ્યારે કોટ વિસ્તારમાં તો એવી પણ ચર્ચા થઇ છે કે પાર્કિંગ માટે રિઝર્વેશનમાં મુકાયેલી જગ્યા છૂટી થયા બાદ આગામી બે વર્ષમાં જગ્યા પર 50 કરોડથી વધુનો કોમર્શિયલ પ્રોજેકટ શરૂ થવાનો છે. તેના કારણે જગ્યાને રિઝર્વેશન મુક્ત કરવાનો નિર્ણય મુલતવી રાખ્યા બાદ ફરી સ્થાયી સમિતિમાં મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેથી ગુરુવારે મળનારી સ્થાયીની બેઠકમાં જગ્યા છૂટી કરીને ખેલ પાડી દેવામાં આવે તેવી શકયતા છે.
સમગ્ર શહેરમાં પાર્કિંગની સમસ્યા છે ત્યારે વધુમાં વધુ સ્થળે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની દિશામાં પાલિકા પ્રયાસ કરે છે. ઉપરાંત સાતેય ઝોનમાં દબાણ તથા પાર્કિંગમાં ચણેલા ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવાની પણ ઝુંબેશ ચાલુ છે. આમાં પણ તંત્ર પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા બાબતે ગંભીર છે, જ્યારે ગુરુવારે મળનારી સ્થાયીની બેઠકમાં ચૌટાની વિવાદિત જગ્યા જે પાર્કિંગના રિઝર્વેશનમાં મકી હોવા છતાં શાસકોએ છૂટી કરી દેવાનું મન બનાવી લીધું છે, જેથી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટેની વાતો કરવામાં આવે છે પરંતુ કાર્યવાહીની વાત આવે ત્યારે તંત્ર પાણીમાં બેસી જાય છે કે કેમ તે ગુરુવારે સ્થાયીમાં જગ્યા બાબતના નિર્ણય પરથી માલૂમ થશે.
પાર્કિંગ બનાવવામાં ભાજપની બેધારી નીતિ
જાણકારોના મતે શહેરના કોટ વિસ્તારમાં પ્રોજેક્ટ બનાવી રહેલા એક બિલ્ડરે સમગ્ર કારસો રચીને ધારાસભ્ય પાસે ભલામણ કરાવી હતી
ચૌટાબજારની સંપાદિત જગ્યાનો આજે ‘નિકાલ’ થઈ જવાની શક્યતા