• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પિતાના મોત બાદ પુત્રએ કહ્યું, નાના હતા ત્યારે છોડી જતાં રહ્યા હવે એનું મોં જોઈ શું કરું!

પિતાના મોત બાદ પુત્રએ કહ્યું, નાના હતા ત્યારે છોડી જતાં રહ્યા હવે એનું મોં જોઈ શું કરું!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતાનોને છોડીને નાનપુરામાં અેકલવાયું જીવન જીવતા આધેડના મોત બાદ પુત્રએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. નાના હતા ત્યારે અમને છોડીને જતા રહ્યા એનું મોંઢુ જોઈ શું કરૂં, તેવું પુત્રએ જણાવતા પોલીસ પણ પહેલા ચોંકી ઉઠી હતી. જોકે પોલીસની સમજાવટ બાદ પુત્ર પિતાની અંતિમ વિધિ કરવા માટે તૈયાર થયો હતો અને મૃતદેહ સ્વીકાર્યો હતો.

નાનપુરા અથુગર મહોલ્લામાં રહેતા ઉમેશભાઈ હિરાલાલ શાહ(55) વર્ષોથી એકલવાયું જીવન જીવતા હતા. જોકે થોડો સમય પહેલા તેઓ માંદગીમાં પટકાયા હતા અને પેરાલીસીસનો શિકાર થયા હતા અને મગજને પણ અસર થઈ હતી. પાડોશીઓએ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા તેમના પુત્ર વિનીત શાહનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ તેણે તેમની સાથે કોઈ સંબંધ ન હોવાનું જણાવી જોવા આવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. જેથી તેમની પાડોશમાં રહેતી મહિલા તેમની સેવા કરતી હતી. જોકે તેમની હાલત નાજુક થઈ જતા મહિલાએ માનવ સેવા ટ્રસ્ટના રાજેન્દ્રભાઈનો સંપર્ક સાદ્યો હતો. પરંતુ ઉમેશભાઈની હાલત નાજુક જણાતા તેમને 28મીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ તેમના પુત્રનો સંપર્ક કરાયો હતો. જોકે તેણે જોવા આવવાનો પણ ઈનકાર કર્યો હતો. આખરે શનિવારે રાત્રે ઉમેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતદેહ સોંપવા માટે પોલીસે તેમના પુત્ર વિનીતને જાણ કરી હતી. પરંતુ તેણે પોલીસને પણ ‘મારે તેમની સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે અમે નાના હતા ત્યારે અમને છોડીને જતા રહ્યા હતા. એનું મોઢું જોઈ શું કરૂ તેવો જવાબ આપ્યો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ આખરે બિનીત શાહે મૃતદેહ સ્વીકારવાની હા પાડી હતી અને સંબંધીઓ સાથે આવી મૃતદેહ સ્વીકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...