ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત ઃ પાલિકાએ હાથ ધરેલી પાર્કિંગ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ ને લોકોના સમર્થન વચ્ચે વિવિધ ઝોનેમાં અસરગ્રસ્તોનો વિરોધ પણ વહોરવો પડી રહ્યો છે. ગુરૂવારે કતારગામ ઝોને અમરોલી રોડ પર મનીષા સર્કલથી લઈને ભગુનગર સુધી દૂકાનોએ વધારેલા ઓટલા અને પતરાના નડતરરૂપ શેડને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ કામગીરી સામે વિરોધ વચ્ચે પણ 23,650 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં સફળતા મળી હતી.
અમરોલીમાં દુકાનોના શેડ-ઓટલાઓ તોડાતાં વિરોધ, 23,650 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ
સ્કૂલો બહાર વાહનોના પાર્કિંગના દૂષણ અંગે કતારગામની ગજેરા સ્કૂલને નોટિસ આપી સ્કૂલ બહાર પાર્ક થતાં વાહનોને હટાવવા જણાવ્યું હતું. તો અઠવા ઝોને વેસુની વ્હાઇટ લોટ્સ ઈન્ટરનેશનલ સ્કૂલને નોટિસ ફટકારી છે. રસ્તા પર લારી-ગલ્લાના દબાણો માથાના દૂ:ખાવા સમાન બન્યા છે દિવસેને દિવસે જાતજાતની લારીઓ વધતાં ટ્રાફિક વધારવા માટે મુખ્ય જવાબદારી પરિબળ હોવાનું પાલિકાને જણાયું છે. તો સમજાવવા છતાં પણ રસ્તા પર પાથરણાવાળાઓ વારંવાર બેસી જતાં હોય છે. પરિણામે ડ્રાઈવ રાખીને કામગીરી કરાઈ રહી છે. ટ્રાફિક પોલીસ હજી વધુ ખુલીને પોતાની જવાબદારી અદા કરે તેવું જાગૃત નાગરિકો કહે છે. ખાસ કરીને ટ્રાફિક ક્રેનમાં વધારો કરીને પાલિકાના અભિયાનમાં જોતરાઈ. પાલિકાએ ગુરૂવારે વિવિધ ઝોનમાંથી દબાણો દૂર કરી કુલ 25,250 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરી, કતારગામ ઝોનની કામગીરી અસરકારક રહી છે.
શહેરભરમાં પાર્કિંગો ખુલ્લા કરવા દબાણ હટાવ ઝુંબેશ જોરમાં
અમરોલી મનીષા સર્કલથી ભગુનગર સુધીનાં દબાણો દૂર કરાયાં
અમરોલી રોડ પર મનીષા સર્કલથી ભગુનગર સુધીનું ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું હતું.
VIP હાઇટ્સના બેઝમેન્ટનું પાર્કિંગ ખુલ્લું કરવામાં આવ્યું
અઠવા ઝોને ગુરુવારે વેસુ વિસ્તારના વીઆઈપી હાઇટ્સ સ્ટ્રીટ કોમર્શિયલ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં પાર્કિંગને સ્થાને કંન્ટ્રક્શનનો સામાન સહિતના દબાણો કરી દેવાયા હતાં. પાર્કિંગનો અન્ય કામમાં ઉપયોગ થતો હોય પાર્કિંગ ખુલ્લુ કરી 15 હજાર વહીવટી ચાર્જ વસુલ્યો છે. તો વેસુ રોડ પરની વ્હાઇટ લોટ્સ ઈન્ટરનેશનલ સ્કૂલ બહાર વાહનો પાર્ક કરાતાં હોય 3 દિવસમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા નોટિસ ફટકારવામાં આવી છે.