• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચેરમેન ઉવાચ, સ્કૂલબેગના ટેન્ડરમાં વહેવાર થઇ ગયો છે! વિપક્ષનો હોબાળો

ચેરમેન ઉવાચ, સ્કૂલબેગના ટેન્ડરમાં વહેવાર થઇ ગયો છે! વિપક્ષનો હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | સુરત : સમિતિની સામાન્ય સભામાં પ્રવેશોત્સવમાં અપાયેલી સ્કૂલબેગના ટેન્ડરમાં પેમેન્ટના મુદ્દે વહેવાર થઇ ગયો હોવાનું ચેરમેનથી બોલાઇ જતાં શાસક અને વિપક્ષી સભ્યો વચ્ચે ભારે તડાફડી થઇ હતી. ચેરમેને સહિત શાસક પક્ષના સભ્યોએ આવું કોઇ નિવેદન ન કર્યું હોવાનું જણાવી પોતાનો સ્વબચાવ કર્યો હતો. પરંતુ વિપક્ષના સભ્યે વ્યવહાર થઇ ગયો હોવાનો આક્ષેપ કરતાં તેમની પાસે શબ્દો પાછા ખેંચી લેવાયા હતા.

નિમ્ન ક્વોલિટીની બેગ સપ્લાય કરનાર સામે કાર્યવાહી થઇ ગઇ તેવું કહેવાને બદલે વહેવાર થઇ ગયો એમ બોલાઇ ગયું
સમિતિની સામાન્ય સભામાં સોમવારે શાળાઓના આરંભ વખતે ધો.1ના વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં અપાયેલી સ્કૂલબેગની ક્વોલિટી ખરાબ હોવા છતાં ઇજારદારને વહેલું પેમેન્ટ આપી દેવાયાનું વિપક્ષે આક્ષેપ કર્યો હતો. જેનો જવાબ આપતાં ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે અમે ઇજારદારને 1 લાખનો દંડ કર્યો છે. જોકે, તેમનાથી ભૂલમાં અમે કાર્યવાહી કરી છે, તેના બદલમાં વહેવાર થઇ ગયો છે એવું કહેવાઇ જતાં સભામાં હોબાળો મચી ગયો હતો.

ચેરમેનના આ ભાષણ બાદ વિપક્ષના સભ્ય શફી જરીવાલા જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમણે ચેરમેનના વહેવાર વાળા શબ્દને લઇને ભાષણ ખેંચતા શાસકો ઉંચા નીચા થઇ ગયા હતા. શાસક પક્ષના સભ્યોએ સભા ચાલવા દીધી ન હતી. તેમનું કહેવું હતું કે ચેરમેન આવો શબ્દ બોલ્યા જ નથી. શફી જરીવાલા આરોપ પાછો ખેંચે. આખરે શફી જરીવાલાએ શબ્દો પાછા ખેંચી લેતા મામલો થાળે પડ્યો હતો.

આ ઉપરાંત સામાન્ય સભામાં શાળાઓમાં પીવાના પાણી અને શાળા મર્જ કરવા બાબતે પણ શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી.

માધ્યમિક શાળાનું પરિણામ નીચું આવી રહ્યું છે: ડીઇઓ
ડીઇઓએ કહ્યું કે શાસક-વિપક્ષોના આક્ષેપ-પ્રતિક્ષેપ કરતાં પ્રાથમિકમાં આપણે ગુણવત્તાસભર શિક્ષણ માટે કંઇક કરવું જ પડશે. માધ્યમિકની પરીક્ષાનું પરિણામ નબળું આવે છે.

અન્ય સમાચારો પણ છે...