• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુપ્રીમે સરકારને કરેલા હુકમ બાદ શાળાઓમાં ફીની ઉઘરાણીઓ ફરી ચાલુ

સુપ્રીમે સરકારને કરેલા હુકમ બાદ શાળાઓમાં ફીની ઉઘરાણીઓ ફરી ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.સુરત | સોમવારે સુપ્રિમે ફી વિધેયક એક્ટ મામલે સરકારને 1 ફેબ્રુઆરી થનાર સુનાવણી સુધી શાળા સામે કોઇ કાર્યવાહી નહીં કરવા આપેલી સૂચના બાદ શહેરની એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ શાળાએ 10 દિવસની અંદર જ વાલીઓને ફી ભરી જવા પત્ર લખતાં વાલીઓ અવઢવમાં મૂકાયા છે. આ અંગે વાલીઓએ ડીઇઓને જાણ કરી હતી.

એલ. પી. સવાણી ઇન્ટરનેશનલ શાળામાં 10 દિ’ની અંદર ફી ભરવા વાલીઓને પત્ર
સુરત સહિત રાજ્યભરની ખાનગી શાળાએ ગુજરાત સરકારના ફી વિધેયક એક્ટને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે ગત 27 ડિસેમ્બરે હાઇકોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપી સંચાલકોને મોટી લપડાક આપી હતી. સંચાલકોએ હાઇકોર્ટમાં હાર બાદ સુપ્રિમકોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન ગુજરાત સરકાર સામે દાખલ કરી છે. સોમવારે આ મામલે સુપ્રિમકોર્ટે 1 ફેબ્રુઆરીએ સુનાવણી છે ત્યારે ગુજરાત સરકાર કોઇપણ શાળા સામે કાર્યવાહી કરી શકશે નહિ એવો હુકમ કર્યો હતો. જેનો શહેરની ઘણી શાળાઓ દુરુપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મંગળવારે એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ શાળાએ દરેક વાલીઓને ફી બાબતે પત્ર કર્યો હતો. આ પત્રમાં 10 દિવસની અંદર જ વાલીઓને ફી ભરી જવા સૂચના આપી હતી. પત્રમાં જણાવાયું હતું કે હાલમાં સુપ્રિમકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેથી ફી બાબતે કોઇ સ્પષ્ટતા થઇ નથી. જેથી હાલમાં વાલીઓએ ફી ભરી જવી. જો કમિટી ફીમાં ઘટાડો કરશે તો વાલીઓને સરભર કરવામાં આવશે.

ફી સંબંધિત ફરિયાદ ફી નિયમન કમિટીને કરી શકાય
ફી સંબંધિત કોઇપણ ફરિયાદ હોય તો વાલીઓ ફી નિયમન કમિટીને ફરિયાદ કરી શકે છે. ફી અંગેનો એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ શાળાનો પત્ર મેઇલ મારફતે મળ્યો છે. સરકારના પહેલા પરિપત્ર મુજબ શાળા 25 ટકા ફી લઇ શકે છે. બાકીની ફી કમિટી નક્કી કર્યા બાદ શાળાઓએ લેવાની રહેશે. યુ.એન.રાઠોડ, ડી.ઇ.ઓ

આજે એફિડેવિટ-પ્રપોઝલ કરવાનો અંતિમ દિવસ
સરકારે 17મી સુધીમાં કોર્ટમાં ગયેલી શાળાઓને ફી કમિટી સમક્ષ એફિડેવિટ અને દરખાસ્ત કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. કોર્ટમાં ગયેલી 25 શાળાએ એફિડેવિટ જ્યારે 5 શાળાએ ફી વધારા માટે દરખાસ્ત કરી છે. બુધવારે અંતિમ દિવસ છે ત્યારે કેટલી શાળા અરજી કરે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. સુપ્રિમકોર્ટે 1 ફેબ્રુઆરી સુધી સરકાર કોઇપણ શાળા સામે કાર્યવાહી કરી શકે નહિ એવો હુકમ કરતાં સંચાલકો સુનાવણી બાદ કમિટીમાં અરજી કરે તેવી સંભાવના છે.

વાલીઓને મળેલો પત્ર.

અન્ય સમાચારો પણ છે...