તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોના ગુમ થવાની ઘટનાઓ અને અફવાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મદાવાદના વાડજ વિસ્તારમાં બે હજાર જેટલા લોકોનાં ટોળાએ ચાર મહિલાઓને બાળક ચોર સમજીને માર માર્યો. એક મહિલાનું મોત થયું. અફવા કેવું પરિણામ લાવે છે તેનું આ આંખ ખોલનારું ઉદાહરણ છે. આપણે ત્યાં પ્રાચીન સમયથી કહેવાતું આવ્યું છે કે ટોળાંને મગજ હોતું નથી. ટોળું વિફરે પછી એ કોઇના કાબૂમાં રહેતું નથી. બનવા જોગ છે કે એ ટોળામાં થોડાક સમજુ માણસો પણ હશે, જોકે લોકોના મગજ ઠેકાણે ન હોય ત્યારે કોઇ કોઇની વાત સાંભળતું નથી. આવી ઘટનાઓમાં ઘણી વખત વચ્ચે પડનારની પણ ધોલાઇ થઇ જતી હોય છે. જે ઘટના બની એ દુ:ખદ છે પણ સાથોસાથ એ પણ વિચારવાની જરૂર છે કે લોકો કેમ આટલા બધા ઉશ્કેરાઇ ગયા? એક પોલીસમેને તો ત્યાં સુધી કહ્યું કે જો અમે સમયસર ન પહોંચ્યા હોત તો ટોળું કદાચ ચારેય મહિલાઓને પતાવી નાખત. બાળક ચોર સમજીને હુમલો કરાયો હોય એવી આ કંઇ પહેલી ઘટના નથી. અગાઉ ભરૂચ, સુરત, થરાદ, બારડોલી સહિત અનેક નાનાં-મોટાં શહેરોમાં આવી ઘટનાઓ બની છે. આ ઘટનાના મૂળમાં બાળકો ગુમ થયાં પછી મળતાં નથી તેની વેદના છુપાયેલી છે. એક પરિવારનો બાળક ગુમ થયો પછી તેણે એમ કહ્યું હતું કે કોઇ કારણોસર બાળકનું મૃત્યુ થાય તો પરિવારજનો કુદરતની જેવી ઇચ્છા એવું કહીને મન મનાવી લે છે. બાળક ગુમ થયું હોય ત્યારે એને જાતજાતના સવાલો પજવતા રહે છે.

બાળકોના ગુમ થવા વિશે જાતજાતની વાતો સંભળાતી રહે છે. બાળકોને ઉઠાવી જઇને તેની પાસે ભીખ મંગાવવામાં આવે છે. એ સિવાય બીજી સ્ટોરીઝ તો ભયાનક હોય છે. બાળકોનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે કરવામાં આવે છે. બાળકોનાં ઓરગન્સ કાઢીને વહેંચી નાખવાની વાતો પણ ચાલતી રહે છે. જે દંપતીને બાળકો ન હોય એ પણ બીજાનાં બાળકોને ઉઠાવી લેતા હોવાની ઘટનાઓ બની છે.

અમદાવાદની વિશ્વા નામની માસૂમ બાળકી ગુમ થઇ પછી શહેરમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ધીમે ધીમે એ ઘટના ભુલાઇ ગઇ. કરુણતા એ છે કે એ બાળકીનો આજ દિવસ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. વિશ્વા જેવા તો બીજાં અનેક બાળકો છે જેની કોઇ જ ભાળ મળી નથી. થોડા સમય અગાઉ વિધાનસભામાં જ આંકડા આપવામાં આવ્યા હતા કે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાંથી 4800 બાળકો ગુમ થયાં હતાં. તેમાંથી 1150 બાળકોનો કોઇ જ પત્તો લાગ્યો નથી. માત્ર અમદાવાદ શહેરમાંથી જ 1241 બાળકો લાપતા થયાં હતાં, તેમાંથી 320 બાળકોની કોઇ જ ભાળ મળી નથી. કોઇ ઊહાપોહ થાય ત્યારે પોલીસ સફાળી જાગે છે અને થોડીક દોડધામ કરે છે, જેવી વાત નબળી પડે કે તરત જ બધું પાછું હતું એમ ને એમ ચાલવા લાગે છે. બાળક ગુમ થાય ત્યારે એની ફરિયાદ લેવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે. ક્યાંક ચાલ્યું ગયું હશે, આવી જશે, થોડીક રાહ જુઓ, નહીં આવે તો તપાસ કરીશું એવા જવાબ મળે છે. તરત જ એક્શન લેવામાં આવતા નથી. જો તરત જ કાર્યવાહી કરવામાં આવે તો બાળકને ઉઠાવનાર કદાચ પકડાઇ જાય.

અમદાવાદની ઘટનામાંથી લોકોએ અને સરકારે શીખ લેવાની જરૂર છે. એક તો કોઇ અફવાઓને સાચી માની ન લો. માનો કે કોઇ પર શંકા જાય તો પોલીસની મદદ લો. પોલીસને સોંપી દો. કાયદો હાથમાં ન લો. મેસેજિસ ફોરવર્ડ કરીને અફવાના વધુ ફેલાવા માટે નિમિત્ત ન બનો. સરકારે એ વાત સમજવાની જરૂર છે કે લોકોનો ઉશ્કેરાટ કઇ હદ સુધી પહોંચી ગયો હશે કે નિર્દોષ લોકો પર હુમલો કરી બેસે છે. લોકો ઉશ્કેરાશે તો સરકાર સામે પણ બાંયો ચડાવી લેશે. એક વાર વાત બગડી પછી સંભાળવી મુશ્કેલ બની જશે. ગુમ થયેલાં બાળકો માટે સરકાર અને પોલીસ તંત્રે વધુ સજાગ થવાની જરૂર છે. જો સમયસર જાગવામાં નહીં આવે તો આવી ઘટનાઓ બનતી રહેવાની છે.


અન્ય સમાચારો પણ છે...