‘નવી પેઢીમાં વિચારોનો વૈભવ હોવો જોઈએ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં રવિવારે શ્રાવકો માટે જીવનનિર્માણ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં સંસ્કાર સિંચન અંગે માર્ગદર્શન અપાશે. શિબિરનો પ્રારંભ સવારે 9.30 કલાકે થશે અને સમાપન બપોરે 12.30 કલાકે થશે.

શનિવારે લંબેહનુમાન રોડના ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં સંતાનોમાં સંસ્કાર સિંચન અંગે બોધ અપાયો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આચાર્ય ચંદ્રશેખરવિજય મહારાજ બાળકોમાં સંસ્કાર સિંચન માટે પ્રવૃત્તિશીલ હતા. એટલે દરેક બાળક માટે મા સમાન હતા. આથી આજે પણ તેમના શિષ્યો તેમને ગુરૂમા તરીકે સંબોધે છે. તેમનો આશય યુવાપેઢી તૈયાર કરવાનો હતો. એક સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળક સૌથી પહેલા હોવા જોઈએ. નવી પેઢીમાં વિચારોનો વૈભવ હોવો જોઈએ. આજે તો ભૌતિકતામાં બધુ ભુલાઈ રહ્યું છે. સમાજમાં અશાંતિ છે. અંધાધુંધીના આ વાતાવરણમાં નવી પેઢી કેવી રીતે ટક્કર ઝીલી શકશે. આ માટે પહેલા નારીશક્તિને તૈયાર કરવી પડશે. જે સમાજમાં નારીશક્તિનું સન્માન થાય તે સમાજ સશક્ત છે. માતા એ સંસ્કારોનું પાવરહાઉસ છે.

જ્યાં સુધી આ પાવરહાઉસ ધમધમતું રહેશે. ત્યાં સુધી સમાજ સશક્ત રહેશે. પાવરહાઉસ બંધ થશે તો અંધારૂ છવાશે. દરેક નારીને પોતાનું સ્વમાન હોય છે. કોઈની લાગણી સાથે છેડછાડ કરવી નહીં. આજે તો નારી પર જ અત્યાચાર થાય છે. તે પહેલા બંધ કરાવો. આ માટે જ ગુરૂમા સંસ્કાર સિંચન શિબિરનો આગ્રહ રાખતા હતા. આજનું બાળક આવતીકાલના મા-બાપ છે. પ્રવચન બાદ સમારોહમાં રવિવારીય જીવનનિર્માણ શિબિરની જાહેરાત કરાઈ હતી. તેનો પ્રારંભ સવારે 9.30 કલાકે થશે અને સમાપન બપોરે 12.30 કલાકે થશે.

અન્ય સમાચારો પણ છે...