• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દરરોજ 114થી વધુ લોકો અનાજ લઈ જાય, તેમાંથી મોટા ભાગના બોગસ

દરરોજ 114થી વધુ લોકો અનાજ લઈ જાય, તેમાંથી મોટા ભાગના બોગસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત | પુરવઠા વિભાગના એનએફએસએ યોજનામાં પુરવઠા વિભાગે દુકાનદારોને ઇસ્યૂ કરેલા કાર્ડ પર સરેરાશ 114થી 130 વ્યક્તિઓ અનાજ લઈ જતાં હોવાનું જણાઈ રહ્યું છે. સન 2016માં એનએફએસએ કાર્ડ બનાવવાનો પ્રારંભ કરાતા એપ્રિલના એક જ મહિનામાં 2200થી લઈને 3900થી વધુ કાર્ડો દુકાનદારો ધરાવે છે. અસલી માલિકને ખબર જ નથી કે તે રાતોરાત ગરીબ બની ગયો. તેમાં સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરો અને વકીલો પણ છે. છતાં નેતાઓએ એફઆઈઆર નોંધાવી નથી.

કેટલીક દુકાનોમાં એક મહિનામાં જ 3400થી 3900 જેટલાં કાર્ડ બનાવાયાં
પુરવઠા વિભાગમાં એનએફએસએ કૌભાંડમાં સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને વકીલોના નામના કાર્ડ બની ગયા તે માહિતી જાહેર થવા છતાં નેતાઓએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી. ખાસ કરીને સાંસદ અને ધારાસભ્ય જનતાના પ્રતિનિધિ હોવા છતાં પુરવઠાના કૌભાંડમાં મગનું નામ મરી પાડતા નથી. આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે શહેરના દરેક ઝોનમાં સન 2016માં એનએફએસએ યોજના હેઠળ કાર્ડ ઇસ્યૂ કરવાની કામગીરી ચાલતી હતી. આ અંગે માહિતી માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય જાંગીડે પુરવઠા સચિવને આરટીઆઈ કરી માહિતી માંગી હતી. તેમાં જણાવાયું છે કે આ યોજના હેઠળ કાર્ડ ધરાવનાર કાચા ઝૂંપડામાં રહેતો હોવો જોઈએ. અશક્ત, ગંભીર અને બીમાર લોકોને અગ્રતા આપવામાં આવી છે. આ તમામ ક્રાઈટેરિયાનો ભંગ કરી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. એક દુકાનદાર દ્વારા એનએફએસએના કાર્ડ પર મહિને 7 ટનથી લઈને 60 ટન કરતાં વધુ અનાજ ઉપાડે છે.

કેટલાક દુકાનદારોએ બીજા મહિને કાર્ડ ઘટાડ્યાં
દુકાનદારોના કાર્ડની સંખ્યામાં એકદમ વધારો-ઘટાડો થયો છે. સન 2016ના એપ્રિલ મહિનામાં એનએફએસએ યોજનાના કાર્ડ શરૂ કરાયા અને પૂણાની દુકાનોમાં એક મહિનામાં 3400થી લઈને 3600થી વધુ કાર્ડ તૈયાર કરાયા હતા. તેમાં કેટલાક દુકાનદારોએ કાર્ડો બનાવી એક-બે મહિના રેશન લઈને પછી 100થી 300 કાર્ડો ઓછા પણ કરી નાખ્યા. આ કિસ્સાઓમાં કાર્ડની સંખ્યા એકદમ વધી અને એકદમ ઘટી ગઈ તેના કારણોની તપાસ કરે તો જાણકારી મળી શકે.

ઇન્સ્પેક્શન માટે ઝોનલ જાતે જાય છે
પુરવઠા વિભાગ દ્વારા એનએફએસએ યોજનામાં કાર્ડ તૈયાર કરવા માટે નામની યાદી દુકાનદાર મોકલે છે. બાદ સ્થાનિક અધિકારી, ઝોનલ અધિકારી સ્થળ પર જઇ તપાસ કરે છે. આ કિસ્સામાં ઝોનલ અધિકારીઓએ શું કામગીરી કરી તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. નાનાવરાછામાં વી-2 નંબરના દુકાનદાર ભેરૂમલના 3419 કાર્ડ છે, તો પૂણામાં જયંતિ કાછડિયા વી-129 નંબરના દુકાનદારના 3916 કાર્ડ છે. અજય જાંગિડ, આરટીઆઈ એક્ટિવિસ્ટ

તપાસ કરીને કહું
આજે તો સમીક્ષા બેઠકમાં છું. આ અંગે વધુ તપાસ કરીને પછી જવાબ આપી શકું. હાલમાં માહિતી ઉપલબ્ધ નથી. આર.ટી.ઝાલા, જિલ્લા સપ્લાય અધિકારી

અન્ય સમાચારો પણ છે...