• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉધના રેલવે સ્ટેશન પર લાખોના ખર્ચે ખરીદેલા ટિકિટ મશીનો શોભાના ગાંઠિયા

ઉધના રેલવે સ્ટેશન પર લાખોના ખર્ચે ખરીદેલા ટિકિટ-મશીનો શોભાના ગાંઠિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
DB STAR EXCLUSIVE
દરરોજ હજારો મુસાફરો ઉધના રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરે છે
ડીબી સ્ટાર | સુરત

રેલવે મંત્રાલય દ્વારા મુસાફરોની સુવિધા ‌વધારવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે મૂકવામાં આવેલા બંને સીઓટીવીએમ મશીનો બંધ હાલતમાં પડ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત રેલવે મૂકવામાં આવેલા આ મશીનનો મહત્તમ ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવા માટે પશ્ચિમ રેલવેના મુંબઇ ડિવીઝનના અધિકારીઓ પ્રયત્નશીલ છે ત્યારે બંધ પડેલા આ મશીનના કારણે મુસાફરોને લાભ મળી શકતો નથી. પશ્ચિમ રેલવેના મુંબઇ ડિવિઝનમાં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત મહત્વના રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુવિધા માટે મશીનો લગાવવામાં આવ્યા છે. મુસાફરોને ઓપરેશન પાચ મિનીટ અંતર્ગત પાંચ મિનીટમાં મુસાફરોને રેલવે ટીકીટ મળી રહે તેમ માટે આ ટિકિટ વેન્ડીંગ મશીન વિકસાવવામાં આવ્યા છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પીક અવર્સમાં કરંટ ટિકિટ બુકીંગ માટે લાંબી લાઇનો લાગે છે ક્યારેક તો લાઇન સ્ટેશનની બિલ્ડિંગની બહાર પણ નિકળી જાય છે. ઉધના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા બે સીઓટીવીએમ મશીન હાલમાં બંધ હાલતમાં છે. આ બે મશીનોમાંથી એક મશીન તો લગવ્યાના થોડા સમય બાદ જ બંધ થઇ ગયું હતું. જ્યારે બીજા મશીનનું પ્રિન્ટર બગડી ગયું છે. આ મશીન રિપેરીંગ માટે જાણ કરવામાં આવી છે. જોકે, હાલમાં તે બંધ પડી રહ્યું છે.

ઓપરેશન પાંચ મિનિટ અંતર્ગત મુસાફરોને ઝડપી ટિકિટ મળે
સુવિધા માટે ફેસિલેટર તરીકે નિવૃત અધિકારીની નિમણૂક કરવાનો િનર્દેશ હતો
ઉધના રેલવે સ્ટેશન ખાતેના સીઓટીવીએમ મશીન.

તાપ્તીલાઇન પર દોડતી મહત્ત્વની ટ્રેનોમાં મુસાફરોને ધસારો વધારે રહે છે
ઉધના સ્ટેશન પરથી તાપ્તીલાઇન પર જનારી ટ્રેનોના મુસાફરો વધુ રહે છે. ખાસ કરીને ઉધના-દહેરાદૂન એકસ્પ્રેસ, સુરત છાપરા તાપ્તીગંગા એક્સપ્રેસ, સુરત ભાગલપુર એક્સપ્રેસ, અત્યેદય એક્સપ્રેસ, જેવી ટ્રેનોના મુસાફરો વધારે રહે છે. અહીંથી અંદાજે 15 હજાર જેટલા મુસાફરો રોજ મુસાફરી કરે છે. સામાન્ય રીતે ચાર બારીઓ પર ટિકિટ આપવામાં આવે છે. પણ ટ્રેન ઉપડવાના સમયે વધુ એક બારી ખોલવી પડે છે. જો આ મશીન ચાલુ કરવામાં આવે તો મુસાફરોને રાહત થાય તેમ છે. ખાસ કરીને સવારના મુસાફરોની ભીડ વધુ હોય છે. ટિકિટ લેવા માટે મુસાફરોની કતાર છેક બહાર સુધી જતી હોય છે ત્યારે મશીન ચાલું હોય તો મુસાફરોને સુવિધા ઉભી થાય તેવું થઈ શકે છે.

એક મશીન ચાલુ થવાની શક્યતા ઓછી
એક અધિકારીના જણાવ્યા મુજબ ઉધના રેલવે સ્ટેશન પર મૂકવામાં આવેલા કરંટ ટિકિટ માટેના મશીન પૈકી એક મશીનમાં ગંભીર ક્ષતિ આવી હોવાથી તેને રિપેર કરવા માટે વર્કશોપમાં લઈ જવું પડે છે જ્યારે બીજું મશીન હાલમાં ચાલુ થાય તેમ છે.

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સીઓટીવીએમ મશીનો મુકવામાં આવ્યા છે. સુરતમાં આ મશીનનો કુલીઓ દ્વારા ઉપયોગ કરવામાં ‌આવતો હતો. મુસાફરોને તાત્કાલિક ટીકીટ આપાવવાનું કહીને કુલીઓ આ મશીન પરથી ટીકીટ આપતા હતા અને કમાણી કરતા હતા. આ બાબત ફરિયાદ બાદ સુરતની મુલાકાતે આવેલા એડીઆરએમ કુશાલ સિંહએ આ કરંટ ટીકીટ માટે આ મશીનોનો વધુ ઉપયોગ થાય તે માટે નિવૃત કર્મચારીને ફેસિલેટર તરીકે નિમણુંક કરવાનો નિર્દેશ આપ્યા હતો. આ ફેસિલેટર મુસાફરોને કરંટ ટીકીટ કાઢવામાં મદદ કરશે અને તેમને જાણકારી આપશે. જ્યારે આ મશીન કાર્યરત છે કે નહીં તેના માટે પણ ખાસ મોનિટરિંગ કરવાનું રહે છે. દરરોજ મશીનનું મોનીટરિંગ કરીને ક્ષતિગ્રસ્ત મશીનને તાકિદે રિપેર કરવાના હોય છે જોકે, ઉધના રેલવે સ્ટેશન પરના મશીન પર થતું મોનિટરિંગ શંકા ઉપજાવે છે.

આ મશીનો બંધ રહેવા ન જોઇએ
સાફરોનો સમય બચે અને તાત્કાલિક રેલવે ટીકીટ મળી રહે તે માટે મશીનો મુકવામાં આવ્યા છે. આ ટેકનિકલ ખામી હોય તો તાત્કાલિક રિપેર કરવી જોઇએ. મશીનો બંધ રહેવા ન જોઇએ, આ અંગે ઉચ્ચઅધિકારીને રજુઆત કરવામાં આ‌વશે. રાકેશ શાહ, સભ્ય પીએસસી રેલવે બોર્ડ

અન્ય સમાચારો પણ છે...