• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતમાં હીરાની વાર્ષિક નિકાસ 2 લાખ કરોડે આંબી, ચાલુ વર્ષે છ મહિનામાં 70 હજાર કરોડનું ટ્રેડિંગ

સુરતમાં હીરાની વાર્ષિક નિકાસ 2 લાખ કરોડે આંબી, ચાલુ વર્ષે છ મહિનામાં 70 હજાર કરોડનું ટ્રેડિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતથી મીત સ્માર્તનો અહેવાલ

હીરાના કટીંગ અને પોલિશીંગનું હબ ગણાતાં સુરતમાં 10 માંથી 9 હીરા તૈયાર થાય છે. સુરતમાં વર્ષ 1960માં શરૂ થયેલા ડાયમંડ ઉદ્યોગનો વ્યાપ આજે સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. અંદાજે એક ટન જેટલી માટી ઉલેચવામાં આવે ત્યારે એક કેરેટનો હીરો મળતો હોય છે. 1 કેરેટ હીરામાંથી ગુજરાતના ગામડાઓની મહિલાઓ 1000 કરતાં પણ વધુ ડાયમંડ પીસ તૈયાર કરે છે. વાર્ષિક 2 લાખ કરોડનું એક્સપોર્ટ ધરાવતી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી સુરત હીરા બુર્સ તૈયાર થવાની રાહ જોઇ રહ્યું છે. સુરત હીરા બુર્સ તૈયાર થવાની સાથે 1 લાખથી વધુ રોજગારી ઉભી થવાની સાથે સુરતને ડાયમંડ મેન્યુફેક્ચરીંગ સાથે ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરનું પણ સ્થાન મળી જશે. જ્યારે એક્સપોર્ટ આંક 3 લાખ કરોડને પાર થશે તેવી આશા વ્યક્ત થઈ છે.

ડાયમંડ ઉદ્યોગ સાથે શરૂઆતના તબક્કે સંકળાયેલા રત્નકલાકારો આજે પોતાની ડાયમંડ કંપની ખોલી વર્ષે કરોડો રૂપિયાનો નફો રળી રહ્યા છે. ડાયમંડ કટીંગ અને પોલિશીંગનું કામ ફક્ત સુરત પુરતું સિમિત ન રહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓ સુધી ફેલાયો છે. પુરૂષ પ્રધાન ઉદ્યોગની છાપ ભૂસાઇને સ્ત્રીઓ પણ હીરાની ચમક કાઢવાનું કામ કરી રહી છે. બે દાયકા પહેલાં ભારતીય બજારમાં માત્ર 3 થી 4 ટકાનો વેપાર ધરાવતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આજે પણ માત્ર 9 ટકા જેટલો જ વેપાર સ્થાનિક બજારોમાંથી મળે છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યા અનુસાર અમે જ્યારે બેલ્જીયમ અથવા એન્ટવર્પ હીરા ખરીદવા જતાં હોઇ છે. ત્યારે હીરા પસંદ પ્રમાણે લઇ મોટા ગુજરાતી આડતિયાઓે મારફતે મોકલાવીએ છીએ. કરોડો રૂપિયાના હીરા આડતિયાના વિશ્વાસે વેપારી એક ચિઠ્ઠી પર તેની કિંમત લખીને મોકલી આપે છે. વિદેશથી આયાત આડતિયા મારફતે થાય છે. એટલે કે માત્ર વિશ્વાસના આધારે કરોડો રૂપિયાના હીરાની ખરીદ-વેચાણ થાય છે.

સુરતી હિર | 1 ટન માટી હટાવી માંડ 1 કેરેટ હીરો મળે, એમાંથી ગુજરાતીઓ 1000 નંગ હીરા બનાવે છે
હીરા ઉદ્યોગમાં 6 લાખથી વધુને સીધી રોજગારી
એકમાત્ર સુરતમાં 6000થી વધુ ફેક્ટરીઓ અને કંપનીઓ કાર્યરત છે. જેમાં 6 લાખથી વધુ સીધી રોજગારી મેળવે છે. એસોર્ટીગ અને ગ્રેડિંગ થયા બાદ હીરાના ઇન્વીંગ એટલે કે કટીંગના પ્રકાર પણ અલગ-અલગ હોય છે. જીરમ,નાશ, આંતરી અને વાદળું જેવી દેશી કટીંગ પધ્ધતિનો ઉપયોગ કરી હીરો તૈયાર થાય છે.

રત્નકલાકારોને ત્રણથી ચાર લાખ સુધીનું વેતન
સુરતના રત્નકલાકારોનું જીવન ધોરણ ખાસ્સું ઉચું આવ્યું છે. રત્નકલાકારનો લઘુત્તમ પગાર 20 હજારથી લઈને ત્રણથી ચાર લાખ સુધી હોય છે. જો કે સ્થિતિ દરેક જગ્યાએ સમાન નથી. ઘણી કંપનીઓમાં રત્ન કલાકારો નજીવા વેતનમાં અત્યંત દારૂણ પરિસ્થિતિમાં પણ કામ કરે છે.

ખાણમાંથી કાઢવાના ખર્ચ મુજબ ભાવ નક્કી થાય છે
ડાયમંડ એસોસિશનના ઉપપ્રમુખ, બાબુ ગૌદાની કહે છે કે, આફ્રિકા, રશિયા, ઝીમ્બાવે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બોટ્સવાના, બેલ્જીયમ અને દુબઇથી નીકળતાં હીરાની રફ કિંમત કોઇને ખબર હોતી નથી. તેને કાઢવાના ખર્ચના આધારે મિનિમમ પ્રાઇઝ નક્કી કરી ટેન્ડરીંગ થાય છે. તેના આધારે કંપનીઓ રફ હીરા ખરીદે છે. એટલે હીરાને શોધવામાં જેટલી વધુ જહેમત એટલો એનો ભાવ વધારે ગણાય છે.

ફેક્ટસ ફાઈલ
સુરતમાં જાહેર રસ્તા પર આ રીતે હીરાની લે-વેચના દૃશ્યો તદ્દન સામાન્ય છે. શહેરના મહિધરપુરા અને વરાછા મીની બજારની ગલીઓમાં ઘણા દલાલો આ રીતે રસ્તા પર હીરાની ખરીદ-વેચાણ કરતા હોય છે. શહેરની શેરીઓમાં 10 હજારથી લઈને 25 લાખ રૂપિયા સુધીના હીરા રસ્તા પર વેચાય છે. તસવીર: હેતલ શાહ

રીજેક્શનમાંથી મહિલાઓ નાની સાઇઝના હીરા શોધે છે
અત્યાર સુધી ફક્ત પુરૂષો જ હીરા ઘસવાનું કામ કરતાં હતા પણ હવે ગામડાઓમાં મહિલાઓ પણ ઘંટી પર બેસી હીરા ઘસીને રોજગારી રળે છે. સુરતમાં કોલસો કાપી તૈયાર થતાં હીરામાંથી જે રીજેકશન બચે છે. તેની સૌરાષ્ટ્રના ગામોમાં ખરીદી થાય છે. તેમાંથી મેલે સાઇઝ (અત્યંત નાની સાઇઝ)ના હીરા શોધી કાઢવાનું કામ મહિલાઓ કરે છે. મેલે અને સ્ટાર સાઇઝના આ હીરાનું મુંબઇના બજારોમાં ટ્રેડિંગ થાય છે. ઘડિયાળ તેમજ નાકમાં પહેરાતી ચુનીમાં આ પ્રકારના હીરાનો ઉપયોગ થાય છે.

રિસ્પોન્સીબલ જ્વેલરી કાઉન્સિલ (RJC)નામની સંસ્થા કટ અને પોલિશ્ડ હીરાના સર્ટિફિકેટનું કામ કરે છે. ગુજરાતની 15000માંથી માત્ર 90 કંપની RJCની સભ્ય છે જ્યારે માત્ર 30 કંપની ડી-બિઅર્સ પાસેથી રફ હીરા ખરીદે છે

માઇનસ 15 થી લઈને 10 કેરેટ સુધીના હીરા તૈયાર થાય છે
સુરત પાતળી સાઇઝના હીરા માટે જાણીતું હબ છે. માઇનસ 15 થી લઇને 10 કેરેટ સુધીના હીરા તૈયાર થાય છે. ત્યાં ગોળ સાઇઝના, પોલકી એટલે પતલા અને લાંબાં, પ્રિન્સેસ કટ- ચોરસ હીરા, ચોકી-બે બાજુથી ચપટા, પાસા-માળાના મણકાં જેવા, હાર્ટ શેપના ફેન્સી, માર્કિસ-વચ્ચેથી જાળી બન્ને છેડા પાસેથી સાંકળો જેમાં કલર પ્રમાણે કિંમત નક્કી થાય છે. જેમાં પીંક ડાયમંડની કિંમત સૌથી વધુ તો બીજા નંબરની કિંમત વ્હાઇટ જ્યારે ત્રીજા ક્રમે યલો અને ચોથા ક્રમે બ્રાઉન હીરાની હોઇ છે.

દેશના હીરાની ‘સૂરત’
1960થી શરૂ થયેલો સુરતનો ડાયમંડ ઉદ્યોગ આજે વર્ષે પાંચ લાખ હીરા પ્રોસેસ કરે છે, જેમાંથી માત્ર 9 ટકા વેપાર જ સ્થાનિક બજારોમાંથી મળે છે, બાકી હીરાની નિકાસ થાય છે.
એન્ટવર્પમાં પણ છે ‘વરાછા શેરી’
સુરતના વરાછા વિસ્તારમાં ડાયમંડનો મોટો વેપાર છે. એન્ટવર્પમાં મોટાભાગે સૌરાષ્ટ્રવાસીઓ અને જૈન બંધુઓ હીરાના વેપારમાં છે. માટે તે વિસ્તાર એન્ટવર્પની ‘વરાછા શેરી’ તરીકે ઓળખાય છે. ડાયમંડ ઉદ્યોગના કારણે એરપોર્ટ ઉતર્યા બાદ ત્યાંથી વરાછા શેરી કહી આ વિસ્તારમાં પહોંચી શકાય છે.

હીરા બુર્સથી ટ્રેડિંગનું પણ હબ
ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ પટેલ જણાવે છે કે, 30 મહિનામાં હીરા બુર્સ બન્યા બાદ ઉદ્યોગકારોએ ટ્રેડિંગ માટે મુંબઇ પર નિર્ભર નહી રહેવું પડે. મુંબઇમાં ઓફિસ અને ઘરભાડાના ખર્ચા સુરતની સરખામણીએ વધુ હોય છે. મોટી માઇનીંગ કંપનીઓ સુરતમાં હીરા ખરીદવા આવશે. હાલ સુરત 2 લાખ કરોડના હીરા એક્સપોર્ટ કરે છે. જેમાં 1 લાખ કરોડનો વધારો થશે અને રોજગારી વધશે.

અન્ય સમાચારો પણ છે...