• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • Surat હજારો લોકોની અવરજવર હોવાથી 7 વર્ષ પહેલા અમરોલી મોટા વરાછાને જોડતો રેલવે બ્રિજ બનાવવા માટે ડિમાન્ડ ઉઠી હતી

હજારો લોકોની અવરજવર હોવાથી 7 વર્ષ પહેલા અમરોલી-મોટા વરાછાને જોડતો રેલવે બ્રિજ બનાવવા માટે ડિમાન્ડ ઉઠી હતી

Surat - હજારો લોકોની અવરજવર હોવાથી 7 વર્ષ પહેલા અમરોલી-મોટા વરાછાને જોડતો રેલવે બ્રિજ બનાવવા માટે ડિમાન્ડ ઉઠી હતી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:40 AM IST
ધીરેન્દ્ર પાટીલ.સુરત | અમરોલીના મનિષા ગરનાળા ઉપર નિર્માણાધીન લાખો લોકો માટે આશીર્વાદ સમાન અમરોલી-ઉત્રાણ રેલવે બ્રિજ રેલવેની અાડોડાઇના કારણે તૈયાર થયાના સવા બે વર્ષ બાદ પણ તેનો ઉપયોગ થઇ શકતો નહીં. માત્ર એક મહિનાનું કામ બાકી છે પરંતુ બે વર્ષ કરતા વધુ સમય પસાર કરાયો છે. 14 મીટર ગર્ડરની લંબાઇ વધારે હોવાથી રેલવે દ્વારા હજી સુધી મંજૂરી નહીં અપાતા ટ્રેક પરનું ગર્ડર મુકી શકાયું નથી. જેથી હજારો લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

મનીષા રેલવે પુલનું કામ લગભગ પૂર્ણ, માત્ર રેલવેની મંજૂરી નહીં મળતાં ગર્ડર મુકી ન શકાયું

એકબાજુ અમરોલી, કોસાડ, ભરથાણા અને ગોથાણ ગામ તરફનો વિસ્તાર કુદકેને ભુસકે વધી રહ્યો છે. બીજી બાજુ ઉત્રાણ અને મોટા વરાછા વિસ્તાર પણ વિકાસ પામતો હોવાથી વસતી વધી રહી છે. બને વિસ્તારોને જોડતા મનિષા ગરનાળામાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ રહેતો હોય છે. આ બ્રિજ શરૂ થાય તો બંને વિસ્તારને બીઆરટીએસનો લાભ પણ મળી શકે છે.

7 વર્ષ પહેલા અમરોલી-ઉત્રાણને જોડતો ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ડિમાન્ડ ઉઠી હતી. ગરનાળામાં વારંવાર થતો ટ્રાફિક જામ અને લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 2012માં કોર્પોરેશને અહીં રેલવે ઓવર બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે 55 કરોડ રૂપિયાનું ટેન્ડર પાસ થયું હતું. ટેન્ડરના શરત અનુસાર 2014ના ડિસેમ્બર સુધીમાં પુલની કામ પુર્ણ કરવાનું હતું. સવા બે વર્ષ પહેલા પુલનું લગભગ તમામ કામ પુર્ણ થઈ ગયું હતું. માત્ર રેલવે ટ્રેક ઉપરનું ગર્ડર મુકવાનું બાકી છે. સવા બે વર્ષથી ગર્ડર મુકાયું નથી. કોર્પોરેશન વારંવાર ગર્ડર મુકવા માટે રેલવે પાસે મંજૂરી માંગી પત્ર વ્યવહાર કરી રહી છે પરંતુ રેલવે મંજૂરી આપતું નથી. હાલ મુંબઈમાં ચીફ બ્રિજ ઇજનેર, રેલવેને બે વખત મંજૂરી માટે પ્રપોઝલ મોકલી પરંતુ હજી મંજૂરી મળી નથી.ગત મે માસમાં મનીષા રેલવે બ્રિજ સહિત શહેરમાં વિવિધ જગ્યાઓ પર ચાલતાં બ્રિજના કામો અંગે મેયર સહિતના પદાધિકારીઓ તથા કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. છતા હાલ સુધી આ બ્રિજ ખુલ્લો મુકવાનો ઉકેલ આવ્યો નથી.

અમરોલીનો મનીષા રેલવે બ્રિજ : ગર્ડરની લંબાઇ 14 મીટર વધારે હોવાથી સવા બે વર્ષથી અટવાયો

અમરોલી-મોટા વરાછાને જોડતો મનીષા ગરનાળા રેલવે બ્રિજ 2 વર્ષથી ગર્ડર ન મુકાતાં અટવાયો. -મનોજ તેરૈયા

પહેલો બ્લોક 15 સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે મળે એવી સંભાવના

વરસાદી સિઝન હોવાથી રેલવે મંજૂરી આપી ન હતી. જોકે, પુલનું લગભગ તમામ કામ સવા બે વર્ષ પહેલ પુર્ણ થઇ ગયું છે પરંતુ હજી સુધી રેલવેએ મંજૂરી આપી નથી. જો રેલવે મંજૂરી આપે તેના મહિનામાં તમામ પુર્ણ થઈ જશે. રેલવે તાત્કાલિક મંજૂરી આપે તો આ વર્ષના અંત સુધીમાં પુલનો ઉપયોગ શરુ થઇ શકશે. આ પુલ પર ગર્ડર મૂકવા માટે બે વખત બ્લોક લેવો પડે એમ છે. હાલ પહેલો બ્લોક 15 સપ્ટેમ્બર બાદ ગમે ત્યારે મળે એવી સંભાવના છે. બ્લોક મળ્યા બાદ રેલવે બ્રિજ પર ગર્ડર મુકાવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.

ગર્ડરની લંબાઈ વધુ હોવાથી...

સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે રેલવે ટ્રેક ઉપરના ગર્ડરોની લંબાઈ 35 મીટર હોય છે. પરંતુ અમરોલી-ઉત્રાણ બ્રિજમાં રેલવે ટ્રેક ઉપરના ગર્ડરની લંબાઈ 49 મીટર છે જેના કારણે ટેકનિકલ ઇસ્યુ ઉભા થઈ રહ્યા છે.

મંજૂરી બાદ કામગીરી પુર્ણ થશે

બ્રિજની મંજૂરી લખનૌથી મળી હતી. હાલ ચીફ બ્રિજ ઇજનેર, રેલવે પાસે ગર્ડર મૂકવાની મંજૂરી માંગી છે. જે મળી જવાથી કામ ઝડપથી પુર્ણ કરી દઈશું. અક્ષય પંડ્યા, કાર્યપાલક ઇજનેર, બ્રિજ સેલ

મનિષા ગરનાળામાં આરસીસી રોડ બનાવવાની પણ જરૂરિયાત

દરેક વર્ષે વરસાદને કારણે ગરનાળામાં પાણી ભરાય છે. જેના કારણે વાહનવ્યવહારને અસર થાય છે. લગભગ બંધ કરી દેવા જેવી સ્થિતિ પણ બને છે. બીજી બાજુ ડામર રોડના કારણે કપચા બહાર આવી જતાં રોડ તૂટી જાય છે.જેના કારણે અનેક વાહનચાલકો ખાબકે છે. જેથી આરસીસી રોડ બનાવવો પણ જરૂરી બન્યો છે.

હાલમાં લોન્ચિંગ એપ્રુવલ માંગી

હાલમાં કોર્પોરેશને લોન્ચિંગ સ્કીલ માટે એપ્રુવલ માંગી છે. જે આગામી સપ્તાહમાં મળી જશે. રેલવેએ બધુ કામ સમયસર પુરુ કર્યું છે. ખેમરાજ મીના, પીઆરઓ, વડોદરા રેલવે ડિવિઝન

મે વારંવાર રજૂઆત કરી છે

મે વારંવાર કમિશનરને પુલનું કામ ઝડપથી પુર્ણ કરવા માટે રજૂઆત કરી છે. હવે એવું કહ્યું કે ડિસેમ્બર સુધીમાં પુર્ણ થઈ જશે. એવું લાગી રહ્યું છે. શાસકો આ પુલનું ઉદ‌ઘાટન લોકસભાના ઇલેક્શન પહેલા કરે તેવી શક્યતા છે. દેવજીભાઈ ગોપાણી, કોર્પોરેટર, અમરોલી

X
Surat - હજારો લોકોની અવરજવર હોવાથી 7 વર્ષ પહેલા અમરોલી-મોટા વરાછાને જોડતો રેલવે બ્રિજ બનાવવા માટે ડિમાન્ડ ઉઠી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી