પ્રભુ વીરના જન્મને દેવોએ પણ ઉજવ્યો. પ્રભુના જન્મ થયા પછી છપ્પન દિક કુમારીકાઓ જન્મોત્સવ ઉજવે છે. તેની સાથે ચોસઠ ઇન્દ્રો પણ જન્મોત્સવ ઉજવે છે. માતા-પિતાએ વર્ધમાન, સહભાવી શક્તિઓએ શ્રમણ અને દેવોએ ભગવાનનું નામ મહાવીર પાડ્યું. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે ઉમરા જૈન સંઘમાં આ શબ્દો કહ્યાં હતા. મંગળવારે શહેરના જૈન સંઘોમાં ભગવાન મહાવીરના જન્મ વાંચન બાદ છપ્પન દિકકુમારીકા મહોત્સવ અને ચોસઠ ઇિન્દ્રો દ્વારા ભગવાનને અભિષેકના પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજે કહ્યું કે, દેવોએ ભગવાનનું નામ મહાવીર પાડ્યું હતું. તેમના માતા-પિતા બાદ આ ત્રીજું નામ હતું. બ્રાહ્મણના વેશમાં ઇન્દ્રે પંડિતજીને પ્રશ્નો પૂછ્યા તેનો જવાબ ન મળ્યો. પ્રભુ બાળક હોવા છતાં સ્પષ્ટ ઉત્તરો આપી દીધા.
આ પ્રશ્નોત્તરીમાંથી જૈનેદ્ર વ્યાકરણ અસિત્વમાં આવ્યું. પ્રભુના પિતા અને માતા બંનેના ત્રણ નામો હતા, આથી પ્રભુના પણ ત્રણ નામ થયા. પ્રભુ 28 વર્ષના થતાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયો. તરત જ વૈરાગ્યનો ઉદધિ ઉછળવા લાગ્યો. નંદિભાઈના આગ્રહથી બે વર્ષ ગૃહવાસમાં વીતાવ્યા. ત્યારબાદ વરસીદાન કરી ત્રાતખંડ વનમાં દીક્ષા લેવા ગયા. માગસર વદ (કાર્તિક) દસમના રોજ તેમણે પંચમુઠી લોચ કરતા દીક્ષા કલ્યાણક કહેવાયું. અરિહંત સમાન દેવ નથી, મુક્તિ સમાન પદ નથી અને કલ્પસૂત્ર સમાન કઈ ગ્રંથ નથી. આથી જ પર્યુષણમાં કલ્પસૂત્ર વંચાય છે.