Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » Surat - કાયદો હાથમાં લેશો, શહેરની શાંતિ ડહોળાઈ તો કાર્યવાહી : સીપી

કાયદો હાથમાં લેશો, શહેરની શાંતિ ડહોળાઈ તો કાર્યવાહી : સીપી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:36 AM

એમ્બ્રોઇડરીના કારીગરોનું તોફાન | 15 દિવસ કરતાં વધુ સમયથી ચાલતો કારીગર અને એમ્બ્રોઇડરીના ખાતેદારો વચ્ચે ગજગ્રાહ...

  • Surat - કાયદો હાથમાં લેશો, શહેરની શાંતિ ડહોળાઈ તો કાર્યવાહી : સીપી
    રવિવારની રજા પગાર સાથે આપવાની માંગને લઇને છેલ્લાં 15 દિવસ કરતાં વધુ સમયથી કારીગર, એમ્બ્રોઇડરીના ખાતેદારો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. મંગળવારે પોલીસ કમિશનરની આગેવાનીમાં શહેરના એમ્બ્રોઇડરી એસોસિએશનો, કારીગર યુનિયનની મળેલી સમાધાન બેઠકમાં આગળના દિવસોમાં ધમાલ નહીં કરવાની બાંયધરી યુનિયન લીડરોએ આપી છે. એમ્બ્રોઇડરી એસો. દ્વારા કારીગર વર્ગની માંગ લેખિતમાં માંગી, ચર્ચા બાદ નિર્ણયની તૈયારી બતાવી છે.

    છેલ્લાં 3 રવિવારથી એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા વિવિધ વિસ્તારોમાં કારીગરોના ટોળાની ઉશ્કેરણી કરતાં યુનિયનોએ રવિવારની રજા પગાર સાથે ચુકવવાની માંગણી કરી ધમાલ કરી હતી. જેમાં 2 અને 9 સપ્ટેમ્બરના રવિવારે આંજણા, પુણા, પંડોળ, ભટાર, સચિન જીઆઇડીસી તથા પાંડેસરામાં તોડફોડની સાથે પથ્થરમારો કરવા સુધીનું તોફાન કરાયું હતું. આ ઘટનાઓ બાદ પોલીસે તોફાની તત્વોની ધરપકડ કરી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. આવનારા દિવસોમાં આ લડાઇ વધુ લાંબી ન ચાલે તે જોતાં મંગળવારે પોલીસ કમિશનરની આગેવાનીમાં પો. કમિશનર કચેરી ખાતે એમ્બ્રોઇડરીના એસો. અને કામદાર યુનિયનની મીટિંગ યોજાઇ હતી. મિટીંગમાં કારીગરોના 9 યુનિયનના આગેવાનો તરફથી પો. કમિશનરને આવનારા દિવસોમાં માંગણીને લઇને ધમાલ ન કરવાની બાંયધરી અપાય છે. દક્ષિણ ગુજરાત એમ્બ્રોઇડરી એસો., આંજણા એમ્બ્રોઇડરી ઓનર્સ એસો. સહિત હાજર રહેલા વિવિધ વિસ્તારોના એમ્બ્રોઇડરી ક્ષેત્રના આગેવાનોએ યુનિયન પાસેથી તેમની માંગણીઓ લેખિતમાં માંગી છે. જેના પર ચર્ચા-વિચારણા બાદ તેમની માંગણીઓનો સ્વીકાર કરવાની તૈયારી બતાવી છે.

    કામ પ્રમાણે પગાર આપવા તૈયાર

    સાઉથ ગુજરાત એમ્બ્રોઇડરી એસોસિએશનના હોદ્દેદારોના જ્ણાવ્યાનુસાર, એમ્બ્રોઇડરી સાથે બે પ્રકારના કારીગરોનો વર્ગ છે.એક તો પગારદાર અને બીજો મજૂરી પર કામ મેળવનારાઓ, મજૂરી પર કામ મેળવનારાઓની સંખ્યા વધુ છે. તેઓ ફિક્સ એક જ એમ્બ્રોઇડરીના કારખાના સાથે સંકળાયેલા હોતા નથી. એટલે તેઓ કામ કરે તો પગાર અને નહી કરે તો રજા જેવું જ હોઇ છે. કારીગર જેટલું કામ કરે તેટલો પગાર આપવાની તૈયારી છે જ, પછી ભલે તેઓ રવિવારે રજા રાખે કે અન્ય દિવસોમાં રજા રાખે.

    કારીગર યુનિયને કરેલી 6 માંગણીઓ

    શ્રમ કાયદાનો શહેરની 90 ટકા ફેક્ટરીઓમાં અમલ થતો નથી, તેનો અમલ શરૂ થવો જોઇએ. મજૂરને મહિનામાં 4 દિવસની રજા તથા રજાના દિવસે કામ કરાવો તો ડબલ વેતનની ચૂકવણી.

    સુરતના એમ્બ્રોઇડરીના મજૂરોની માંગ રવિવારની રજાની છે. તો દર રવિવારની એમ્બ્રોઇડરી કારખાના બંધ રહેવા જોઇએ.

    8 કલાકની પાળી થવી જોઇએ, મજૂર તેની મરજીથી 12 કલાક કામ કરે તો બાકીના કલાકનું ઓવરટાઇમ પ્રમાણે પગાર ચૂકવવો.

    તમામ કારીગરો-મજૂરોને તેમના ઓળખપત્ર, ઇએસઆઇ, પીએફ, વેચન સ્લીપ, હક રજા, બોનસ સહિતના તમામ લાભ મળવા જોઇએ.

    કોઇ પણ મજૂરને રજાના દિવસે જબરદસ્તી કરીને કામ કે ઓવરટાઇમ નહી કરાવવું.

    આગેવાનો સાથે ચર્ચા કરીને નિરાકરણ લાવીશું

    મળેલી બેઠકમાં યુનિયન તરફથી ધમાલ નહી કરવાની માંગ કરાઇ છે. જેની સામે અમે તેમની માંગણીઓ લેખિતમાં માંગી છે. તે મળશે એટલે તેના પર સૌ આગેવાનો સાથે બેસીને ચર્ચા કરી નિરાકરણ લાવીશું. દિનેશ અણઘણ, પ્રમુખ, એમ્બ્રોઇડરી એસો.

    માસની 4 રજા મળવી જોઇએ

    મજૂર કાયદા પ્રમાણે મહિનામાં 4 રજા તો મળવી જોઇએ, જેમાંયે અમારી માંગ રવિવારની રજાની છે. એમ્બ્રોઇડરીમાં જે 12-12 કલાકની બે પાળી ચાલે છે. તેની જગ્યાએ 8-8 કલાકની 3 પાળીની માંગ છે. આ માંગણી અમે લેખિતમાં પોલીસ કમિ., જિલ્લા કલેકટર, શ્રમ વિભાગ તથા એસો.ને મોકલી આપીશું. શાન ખાન, મહામંત્રી, ઇન્ટુક

    ધમાલ ન કરવાની બાંહેધરી

    મારઝૂડની સાથે ધમાલ નહીં કરવાની બાંહેધરી મળી છે. બુધવારે એસોસિએશનની મીટિંગ આંજણા ખાતે મળનારી છે. તેમાં કારીગરને હાથ રોકડી પગાર જોઇએ છે કે કેમ તેની સાથે તેમની વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. શ્રવણ જોશી, પ્રમુખ, આંજણા એમ્બ્રોઇડરી ઓનર્સ એસો.

    ચર્ચાથી ઉકેલ આવી શકે છે

    ચર્ચાથી ઉકેલ આવી શકે તેમ હોવાથી કાયદો કોઇએ હાથમાં લેવાની જરૂર નથી. કાયદો કોઇ હાથમાં લેશે અને શહેરની શાંતિ ડહોળાઇ તેવું કૃત્ય કરશે તો પોલીસ કડક હાથે કામ લેશે. ઉદ્યોગ કોઇ વિઘ્ન વગર ચાલે તે બંનેના હીતમાં છે. સતીષ શર્મા, પોલીસ કમિશનર, સુરત

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending