• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગેટકોને રોડ ખોદવાની મંજૂરી આપી છતાં મનપાએ 25 લાખ ખર્ચી નવો રસ્તો બનાવ્યો

ગેટકોને રોડ ખોદવાની મંજૂરી આપી છતાં મનપાએ 25 લાખ ખર્ચી નવો રસ્તો બનાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આશરે છ મહિના પહેલા રિકાર્પેટ કરી નવાે બનાવવામાં આવેલો અડાજણ આનંદ મહેલ રોડથી શિવાજી સર્કલ સુધીનો રસ્તો ગેટકો કંપની દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે.આખા કેસમાં ગેટકો કંપનીએ એક વર્ષ પહેલા રોડ ખોદવા મહાપાલિકાના રાંદેર ઝોન માટે પરવાનગી માગી હતી તેમ છતા તેમના અધિકારીઓ તેની જાણ ન કરતા મનપા દ્વારા અહીં 25 લાખનો ખર્ચ કરી રસ્તાનું રિપકાર્પેટિંગ કરાવ્યું જે ખાતાકીય લાપરવાહીનું મોટું ઉદાહરણ છે. જેના કારણે રોડ કોન્ટ્રાક્ટરના ખિસ્સા ખોટી રીતે ભરવા સાથે મહાપાલિકાની તિજોરીને ફટકો પડ્યો છે. નિયમ છે કે બનાવેલો રસ્તો લાયાબિલીટી પિરિયડ સુધી ન ખોદી શકાય. જોકે, નિયમની વિપરિત સંબંધિત અધિકારી કહે છે કે રોડ બન્યાના બીજા દિવસે પણ રસ્તો ખોદી શકાય છે.

લાપરવાહી | વર્ષ પહેલાં માગી હતી ખોદકામની મંજૂરી
આનંદમહલ રોડથી મહાલક્ષ્મી મંદિર થઈ શિવાજી સર્કલ સુધીના રોડ ઉપર ગેટકો કંપની દ્વારા 66 કેવીની અન્ડર ગ્રાઉન્ડ લાઈન માટે ખોદકામ કરવામાં આવ્યું છે. અઠવાિડયા ઉપરાંતથી ચાલી રહેલાં આ ખોદકામની પરવાનગી ગેટકો કંપનીએ વર્ષ પહેલાં ફેબ્રુઆરી-2016માં માગી અને એપ્રિલ 2016માં 42 લાખ ડિપોઝીટ મનપામાં જમા કરાવી હતી. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન પાસે એક વર્ષ પહેલાંથી 500 મીટર જેટલાં રોડના ખોદકામની પરવાનગી હોવા છતાં એપ્રિલ-મે-2017માં આ પોલીમર રોડને માઈક્રો સરફેસ કરી રૂ. 25 લાખનો ખર્ચ કરી નવો બનાવવામાં આવ્યો અને બની ગયા બાદ એટલે જાન્યુઆરી-2018માં ગેટકો કંપનીને રોડ ખોદવા પરવાનગી આપવામાં આવી. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે જો વર્ષ પહેલાં ગેટકોએ પરવાનગી માગી જ હતી તો માત્ર છ મહીના માટે રોડ બનાવવા પાછળ લાખોનો ખર્ચ કેમ કરાયો? અને હવે રોડ બની ગયો તો પછી ખોદકામની પરવાનગી કેમ આપી?

દેખીતી લાપરવાહીથી થયેલું મનપાને 25 લાખનું નુકશાન શું સંબંધિત અધિકારીઓ પાસે વસૂલાશે?
આનંદ મહલ રોડ, મહાલક્ષ્મી મંદિર તરફનો રસ્તો બનાવ્યાને છ મહિનામાં જ ખોદાયો.

…તો આ નુકશાન થઈ શકે
પોલીમર રોડ નિર્માણ વખતે રોડના છેડા પુરવામાં ખાસ તકેદારી રાખવામાં આવે છે. આ છેડા જરા પણ ખુલ્લા રહી જાય તો ત્યાંથી પાણી જમીનમાં પ્રવેશી જાય અને પચી ગયા બાદ તે રોડને લાયબિલીટી પિરીયડ પહેલાં બગાડી પણ શકે છે.

રોડના ખોદકામના પ્રેશરથી રોડમાં તિરાડો પણ પડી શકે છે અને ફરી રોડ બનાવવા મોટો ખર્ચ કરવો પડી શકે છે.

સાવચેતી| આરડીડી દ્વારા ખોદકામ અટકાવાયું પણ!
માંડ છ મહિના પહેલાં બનેલાં રોડ ઉપર ગેટકોએ ખોદકામ શરૂ કરતાં પાલિકાના આરડીડી વિભાગે કામગીરી અટકાવી હતી જોકે ઝોન સ્તરેથી આ ફાઈલને મિનિમમ ખોદકામના નામે નવા રોડને તોડવા માટે વિશેષ પરવાનગી આપવામાં આવી હતી. માઈક્રો સરફેસ થઈ ગયા બાદ રોડને ખોદકામ કરીએ તો ખોદકામ સિવિયના રોડમાં પણ નુકસાની થાય તે ભીતિએ પાલિકાના રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ગેટકો દ્વારા થઈ રહેલાં ખોદકામને અયોગ્ય દર્શાવ્યો હતો. ગૂંચ ઊભી થતાં ગેટકોએ રાંદેર ઝોનમાં રોડ નિર્માણ પહેલાં જ એટલે કે એક વર્ષ પહેલાં રોડ ખોદકામની પરવાનગી માગી હોવાની નકલ રજૂ કરી તકરાર ઉભી કરતાં ઝોન અધિકારીઓની લાપરવાહી સામે આવી રહી હતી. એટલે રોડ બની ગયા બાદ નુકસાનીએ ખોદકામની પરવાનગી અપાઈ હોવાનું કહેવાય રહ્યું છે.

ઈન્ટરનલ મંજૂરીને લીધે કામ મોડું પડ્યું
અમે આ રોડમાં લાઈન નાંખવા માટે પરવાનગી એક વર્ષ પહેલાં માગી હતી તે રાંદેર ઝોન પાસેથી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું છે. મહાલક્ષ્મી મંદિર નજીક લાઈન નાખવાની પ્રક્રિયા માટે કંપનીની ઈન્ટરનલ મંજૂરી મોડી મળતા તે મુજબ કામ શરૂ થયુ છે. આ કામ માઈક્રો સરફેસ થઈ ગયું હોવાથી અટકાવાયું હતું. જોકે ઝોન દ્વારા મિનીમમ ખોદકામની મંજૂરી પાછળથી આપી છે. જયેશકુમાર દેસાઈ, જુ.ઈજનેર, ગેટકો.

રોડ બન્યાના બીજા દિવસે પણ ખોદી શકાય
સીધી વાત

દેવેશ ગોહિલ, કાર્યપાલક ઈજનેર, રાંદેર ઝોન.

પરવાનગી મંગાય હતી છતા રોડ કેમ બનાવાયો?
-કંપનીએ કામ નક્કી સમય કરતા મોડુ શરૂ કર્યું છે.

ગેટકોએ 42 લાખ જમા કરાવ્યા છતાં રોડ બનાવાવનું કારણ શું?

-રોડ આરડીડી બનાવ્યો છે.

ખોદાવવાનો હતો તો બનાવવા અને બનાવાયો તો ખોદવા કેમ દીધો?

-વર્ષ જૂની મંજૂરી હતી તે માટે ખોદવા દીધો. રોડ બન્યાને બીજા દિવસે પણ ખોદી શકાય.

મનપાના 25 લાખનું નુકશાનમાં શહેરહીત ક્યાં આવ્યું?

- શહેરહીતને કારણે જ આમ કરવા દીધું.

અન્ય સમાચારો પણ છે...