• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 26 વખત 12 સાયન્સમાં નાપાસ થયાં, ડિપ્લોમા કરી પીએચડી કર્યું, હવે ફરી 12માની એક્ઝામ આપશે

26 વખત 12 સાયન્સમાં નાપાસ થયાં, ડિપ્લોમા કરી પીએચડી કર્યું, હવે ફરી 12માની એક્ઝામ આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે ઉકાતરસાડિયા યુનિવર્સિટીમાં પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી. ડિગ્રી મેળવવા માટે રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓમાંથી કોઇની પાસે માસ્ટરની ડિગ્રી હતી, તો કોઇ બોર્ડ ટોપર હતું. જો કે ભીડમાં એક એવી વ્યક્તિ પણ હતી, જે 12 ફેલ છે. જેની પાસે ધોરણ 12 પાસની ડિગ્રી જ નથી. તેમ છતાં સ્ટેજ પરથી એમનું નામ બોલાયું અને યુનિવર્સિટીએ પીએચડીની ડિગ્રી આપી. અમે વાત કરી રહ્યા છીએ 44 ‌વર્ષના એવા વ્યક્તિની જેમણે પોતાના હાથની હસ્તરેખાઓ બદલી નાંખી. એમનું નામ છે નીલ દેસાઇ.! 26 વખત ધોરણ 12 સાયન્સની એક્ઝામ આપવા છતાં સફળ ન થયાં. તેમ છતાં હવેથી એમના નામની આગળ ડોક્ટર લાગશે..!

1st
Person

ધોરણ 12 પાસ થતો ન્હોતો એટલે ડિપ્લોમા પછી એમ.એસ.સી કર્યું અને પછી પીએચડીની ડિગ્રી મેળવી.!
‘મંગળવારે મને પીએચડીની ડિગ્રી મળી, દરેકને ખુબ જ નવાઇ લાગી. ભલે મારી પાસે ધોરણ 12 પાસની ડિગ્રી નથી, પણ હવેથી મારા નામની આગળ ડોક્ટર જરૂર લાગશે. હું 26 વખત ધોરણ 12 સાયન્સની એક્ઝામ આપી ચુક્યો છું તેમ છતાં પાસ નથી થયો. 2019માં પણ ફરી વખત પરીક્ષા આપીશ. 1991માં મેં પ્રથમ વાર ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી અને કેમેસ્ટ્રી, ફીઝિક્સ, મેથ્સ અને બાયોલોજીમાં નાપાસ થયો, ત્યાર પછી ફરી પરીક્ષા આપી અને ફરી નાપાસ થયો.જેથી મેં ધોરણ 12ની સાથે ડિપ્લોમા કોર્સમાં જોડાયો અને પ્રથમ પ્રયત્નમાં જ ડિપ્લોમાની ડિગ્રી મેળવી. એ સમયે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી સરક્યુલર આવ્યો કે ડિપ્લોમાના વિદ્યાર્થી ડિગ્રી કોર્સમાં એડમિશન લઇ શકશે. એટલે મેં બી.એસ.સીમાં એડમિશન લીધું. બી.એસ.સી દરમિયાન પણ મેં ધોરણ 12ની પરીક્ષા આપી તેમ છતાં સફળ ન મળી. બી.એસ.સી થયાં પછી એમ.એમ.સી કર્યું. આ સાથે ધોરણ 12 પાસ કરવાના પ્રયત્નો ચાલું જ રાખ્યા હતાં. કુલ મળીને 26 વખત ધોરણ 12ની એક્ઝામ આપી છે, તેમ છતાં હું એમાં સફળ થયો નથી.

નીલ દેસાઇ, પીએચડી હોલ્ડર

મારી સાથે જે મિત્ર ભણતો એ પ્રોફેસર બની ગયો અને હું બેંચ પર બેસી ક્લાસ ભરતો
નીલ દેસાઇએ ફેલ્યોરને મહત્વ આપ્યું નહીં અને પોતાની ક્ષમતા પર ભરોસો રાખી તૈયારી કરી હતી

ક્લાસમાં ગયો તો સ્ટુડન્ટ્સે મને ‘ગુડ મોર્નિંગ સર’ કહ્યું
નીલ કહે છે, ‘એક સમય એવો આવ્યો કે મારી સાથે જે ભણતા એ મિત્રો કોલેજના પ્રોફેસર બની ગયાં અને હું ત્યારે કોલેજમાં જ ભણતો. બીલીમોરા કોલેજમાં એડમિશન લીધું ત્યારે પ્રથમ દિવસે મુન્નાભાઇ એમ.બી.બી.એસ ફિલ્મ જેવું જ થયું. હું ક્લાસમાં એન્ટર થયો ત્યારે બધા જ વિદ્યાર્થીઓ ઉભા થઇને મને ‘ગુડ મોર્નિગ’ કહ્યું. હું ચુપચાપ જઇને બેંચ પર બેસી ગયો. ત્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે હું પ્રોફેસર નહીં વિદ્યાર્થી જ છું. થોડી વાર પછી પ્રોફેસર આવ્યાં. એ પ્રોફેસર મારી સાથે જ ભણતા હતાં. એ પ્રોફેસર બની ગયો અને હું ત્યારે વિદ્યાર્થી જ હતો. અમુક પ્રોફેસર તો મારાથી નાની ઉંમરના હતાં. તેઓ મને સામેથી જ કહેતા કે તમે અમને સાહેબ ન કહો તો ચાલશે.!’

બોર્ડની હેલ્પ લાઇનમાં મારો નંબર આપવામાં આવે છે
મેં ધોરણ 12માં 26 વખત પરીક્ષા આપી છે. છતાં પાસ નથી થયો. જ્યારે ધોરણ 12નું પરિણામ હોય છે ત્યારે વિદ્યાર્થીઓ માટેની હેલ્પ લાઈનમાં મારો નંબર પણ મુકવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ મને ફોન કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ મને ફોન કરે છે ત્યારે હું તેમને માત્ર એક જ વાત કહું છું કે, ‘હું તો 26 વખત ધોરણ 12માં નાપાસ થયો છું. જો હું આપઘાત કરવા ગયો હોત તો મારે 26 વખત આપઘાત કરવો પડશે. આટલી વાત કહું એટલે તુરંત જ ફોન કરનાર વિદ્યાર્થી ટેન્શન ફ્રી થઈ જાય છે.’

અન્ય સમાચારો પણ છે...