હેલ્થ રિપોર્ટર | સુરત
વર્લ્ડહાર્ટ ડે ના દિવસે કતારગામના બ્રેન ડેડ પાટીદાર રત્નકલાકાર રમેશભાઈ ધોરાજીયાના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને 6 વ્યક્તિઓને નવજીવન આપી તેમના પરિવારે માનવતા મહેંકાવી હતી. સુરતથી 269 કિ.મી.નું અંતર 107 મિનિટમાં કાપીને તેમના હૃદયનું ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ અંધેરી મુંબઈના ટેક્સી-ડ્રાઇવરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતું.
વરાછા રોડ સીમાડાગામ વ્રજભૂમિ ટાઉનશિપ ખાતે રહેતા રમેશભાઈ ગોબરભાઈ ધોરાજીયા કતારગામ ખાતે આવેલી ફેક્ટરીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. ગઈ તા. 26 સપ્ટેમ્બરના રોજ રમેશભાઈ ફેક્ટરીમાં કામ કરતી વખતે બાથરૂમમાં ગયા હતા. જ્યા તેમને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક કતારગામ કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા તેમને બ્રેન હેમરેજનું નિદાન થયું હતું. તા.28 સપ્ટેમ્બરે તેમને તબીબે બ્રેનડેડ જાહેર કર્યા હતા. હોસ્પિટલના ડો.સ્નેહલ ડુંગરાણીએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી રમેશભાઈ બ્રેનડેડ થયાની માહિતી આપી હતી. પરિવારજનો ઓર્ગન ડોનેશન માટે તૈયાર થતાં મુંબઈની હોસ્પિટલના ડો.અમઝદ શેખ અને તેમની ટીમે સુરત આવી હૃદયનું દાન સ્વીકાર્યું હતું અને ગ્રીન કોરિડોરની મદદથી સુરતથી 269 કિ.મી. નું અંતર 107 મિનિટમાં કાપીને મુંબઈના ટેક્સી-ડ્રાઇવર મોઈનુદ્દીન શેખમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.