• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાર વર્ષથી અટવાયેલું શિક્ષકોના સીપીએફ ખાતાં ખોલવાનું કામ શરૂ

બાર વર્ષથી અટવાયેલું શિક્ષકોના સીપીએફ ખાતાં ખોલવાનું કામ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.સુરત | છેલ્લા 12 વર્ષથી લટકતો શિક્ષણ સમિતિના શિક્ષકોનો કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડ (સી.પી.એફ)નો પ્રશ્ન હલ થઇ ગયો છે. હાલમાં 1548 શિક્ષકોના સી.પી.એફ ખાતા ખોલવાની કામગીરી શરૂ કરાઇ છે.

શિક્ષણ સમિતિના 1548 શિક્ષકોને લાભ મળશે
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષ 2005 પછી નોકરીમાં જોડાયેલા શિક્ષકોના સીપીએફ ખાતા ખોલવાનાં ફરજિયાત હોવા છતાં 12 વર્ષ પછી પણ સમિતિએ એક પણ શિક્ષકને સીપીએફ ખાતું ખોલ્યું ન હતું. સરકાર અને પાલિકા વચ્ચે ખો-ખોની રમત રમતાં શિક્ષણ સમિતિના શાસકોની શિક્ષક વિરોધી વલણ સામે વિવિધ શિક્ષક મંડળ દ્વારા અવારનવાર રજૂઆતો કરાઇ હતી. તેમ છતાં શિક્ષણ સમિતિના શાસકોનું પેટનું પાણીયે હલ્યું ન હતું. તાજેતરમાં પ્રાથમિક શિક્ષક મંડળે વિશાલ રેલી કાઢી મનપા કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. એટલું જ નહીં માંગણી નહીં સંતોષાય તો મંડળે શિક્ષકોનું સામૂહિક મુંડન કરવાની પણ ચિમકી આપી દીધી હતી. જેથી પગ તળે રેલો આવતા શાસકો દોડતા થઇ ગયા હતા. ગાંધીનગરથી તાબડતોડ મંજૂરી મેળવીને આખરે શિક્ષકોના સી.પી.એફ ખાતા ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે. સી.પી.એફ ખાતા ખુલવાથી 1548 શિક્ષકોને તેનો લાભ મળશે.

ઉચ્ચતર પગાર ધોરણનો પ્રશ્ન હજીયે પેન્ડિંગ
વર્ષ 2006 પછી શિક્ષણ સમિતિએ એક પણ શિક્ષકને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપ્યો નથી. જેથી શિક્ષકોની આર્થિક હાલત કફોડી છે. ઉચ્ચતર પગાર ધોરણના લાભથી 2000 શિક્ષકો વંચિત છે.

લાભ આપવો કે હમણાં અભિપ્રાય લેવાનો બાકી
સમિતિના શિક્ષકોનો સી.પી.એફ ખાતા ખોલવાનો પ્રશ્નનો હાલ થઇ ગયો છે. જો કે વર્ષ 2005થી લાભ આપવો કે હમણાંથી તેનો અભિપ્રાય સરકાર પાસે લેવાનો બાકી છે. હસમુખ પટેલ, ચેરમેન, શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...