સાપુતારામાં વરસાદી માહોલમાં સહેલાણીઓને મજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત કી આંખો કા તારાના નામથી પ્રખ્યાત ગિરિમથક સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય હાલમાં વરસાદી માહોલમાં ખીલી ઉઠતા અહીંના સ્થળોને માણવા દિવસેને દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લો હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન લીલોતરી વનસંપદાઓથી જાજરમાન બની દીપી ઉઠયો છે. આ પ્રાકૃતિક વનસંપદાઓને કારણે ડાંગ જિલ્લાના રમણીય સ્થળો ખરેખર પ્રવાસીઓ માટે અદભૂત બની ગયા છે. ગિરિમથક સાપુતારાનું વાતાવરણ વરસાદી માહોલમાં રોમાંચક ભાસી રહ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન અને ખાસ કરીને શનિ-રવિની રજાઓને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા અહીંના સ્થળોમાં બોટીંગ, નૌકાવિહાર, રોપવે રિસોર્ટ, મધમાખી ઉછેર કેન્દ્ર, મ્યુઝિયમ, રોઝ ગાર્ડન, ટેબલ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, એડવેન્ચર પાર્ક, સ્ટેપ ગાર્ડન સહિતના સ્થળો ધમધમી ઉઠ્યા હતા. સાપુતારા ખાતે વરસાદી માહોલમાં પ્રવાસીઓએ દિવસભર ધુમ્મસીયા વાતાવરણની લિજ્જત માણી પ્રકૃતિનો આસ્વાદ માણ્યો હતો. સાપુતારા ખાતે શનિવારે સવારથી સાંજ સુધી ઝરમરીયો વરસાદ વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર સ્થળો સહિત તળેટી વિસ્તારમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી.

શુક્રવારે સાંજે 6થી શનિવારે સાંજે 4 વાગ્યે પૂરા થતા 22 કલાકમાં ડાંગ જિલ્લાના આહવામાં 26 મિ.મિ., વઘઈમાં 35 મિ.મિ., સુબીરમાં 7 મિ.મિ. અને સાપુતારામાં 16 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

સાપુતારામાં વરસાદી માહોલમાં ધુમ્મસીયા વાતાવરણની મજા માણતા સહેલાણીઓ.

અન્ય સમાચારો પણ છે...