તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાટમાર્ગ પર ઝાડ ધસી પડતાં ટ્રાફિક ખોરવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઘઈ નજીકના મકરધ્વજ મંદિર અને જામલાપાડા ગામે અનેક વૃક્ષો ધરાશયી થતાં માર્ગ અવરોધાયો
ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જારી રહેતા જગતનો તાત ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. જ્યારે લોકમાતાઓ મૌસમના પ્રથમ વખત જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા ગિરિકંદરા સહિત વનરાવનમાં આહલાદક વાતાવરણ સર્જાયું હતું. ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમાં ઠેકઠેકાણે પથ્થરની શીલા તથા માટીની ભેખડ ધસી પડવાના બનાવો બન્યા હતા. જ્યારે વઘઈ નજીકના મકરધ્વજ મંદિર અને જામલાપાડા ગામે અનેક વૃક્ષો ધરાશાયી થતા માર્ગ અવરોધાયો હતો. જોકે માર્ગ મકાન અને વન વિભાગે તાત્કાલિક જેસીબીથી વૃક્ષો ખસેડી બે-ત્રણ કલાક બાદ માર્ગ પૂર્વવત કરી દીધો હતો.

સાપુતારામાં પડેલા ભારે વરસાદને પગલે અંબિકામાં પૂર આવતા નાનાપાડા-કુમારબંધને જોડતો કોઝવે બપોર સુધી ગરક થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બાદમાં વરસાદે પોરો ખાતા પૂરના પાણી ઓસરી જતા જનજીવન પૂર્વવત થયું હતું. તેમજ સાપુતારાના સર્પગંગા તળાવમાં પણ પાણીની આવક વધતા પાણીની સમસ્યામાંથી છૂટકારો મળ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો ખેતી કામમાં જોતરાઇ ગયા છે.

સોમવાર સવારથી મંગળવાર સવાર સુધીમાં વઘઇમાં 9 અને સાપુતારામાં 7 ઇંચ વરસાદ પડ્યો
સોમવારે 6થી મંગળવારે સવારે 6 સુધી 24 કલાક દરમિયાન વઘઈ ખાતે 224 મિ.મી., આહવા ખાતે 143 મિ.મી., સુબીર ખાતે 133 મિ.મી. જ્યારે સાપુતારા ખાતે 160 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે મંગળવારે સવારે 6થી સાંજે 4 વાગ્યા દરમિયાન આહવામાં 21 મિ.મી. વઘઈમાં 7 મિ.મી., સાપુતારા ખાતે 25 મિ.મી. અને સુબીર ખાતે 52 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...