વઘઈમાં બુધવારે 10 કલાકમાં 4 ઈંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. જ્યારે ગિરિમથકની ગિરિકંદરાઓ પુલકિત થઈ ઉઠતા આહલાદક નજારો સર્જાયો હતો.

ગત શનિવારે ડાંગ જિલ્લામાં બારે મેઘ ખાંગા બાદ વિરામ લીધો હતો. બુધવારે સવારે સાપુતારા સહિત સમગ્ર ડાંગ પંથકમાં ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસતા જગતનો તાત ખેતીકામમાં જોતરાય ગયો હતો. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે સવારથી જ સાંબેલાધાર વરસાદને પગલે અંબિકામાં ઘોડાપૂર વહેતા થતા નિચાણવાળા વિસ્તારોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા હતા. વઘઈ તાલુકામાં જ મુશળધાર વરસાદને પગલે ગીરાધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું તેમજ આદિવાસી ખેડૂતો ડાંગરની રોપણીમાં પૂરજોશ જોડાઈ ગયા હતા. બુધવારે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 10 કલાકમાં આહવામાં 37 મિ.મિ., સાપુતારામાં ખાતે 27 મિ.મિ., સુબીર ખાતે 27 મિ.મિ. જ્યારે સૌથી વધુ વઘઈ ખાતે 99 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં હાલ વરસાદની ગતિ ધીમી પડી છે. વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં હરિયાળી ફેલાયેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...