તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સટ્ટામાં દેવું થતાં અલથાણના બિલ્ડરનું કારમાં અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટના સટ્ટામાં બે લાખ હારી ગયેલા પાંડેસરાના માથાભારે મોન્ટુ માલિયાએ તેના બે સાગરિતો સાથે અલથાણના બિલ્ડરનું કારમાં અપહરણ કર્યુ હતું. 5 લાખની માંગણી કરી બિલ્ડરને કારમાં બે-ત્રણ કલાક સુધી ફેરવી પૈસા માટે તેના ભાઈનો કોલ કર્યો હતો. પોલીસે વોચ ગોઠવીને ત્રણેયને ભટાર પાસેથી દબોચી બિલ્ડરને મુક્ત કરાવ્યો હતો.

અલથાણ પરસોતમનગરમાં રહેતા બિલ્ડર અનિલ ચંદ્રકાંત ઠાકુરની ઓળખાણ પાંડેસરાના ભોલા સાથે થઈ હતી. ભોલાએ બિલ્ડર અનિલની પાંડેસરામાં રહેતા માથાભારે મોન્ટુ માલિયા જોડે ઓળખાણ કરાવી હતી. બિલ્ડર તેના મિત્રો સાથે ક્રિકેટનો સટ્ટો રમતા હતા. પાંડેસરાનો મોન્ટુ માલિયા બિલ્ડર પાસેથી આઈડી અને પાસવર્ડ ખરીદીને સટ્ટો રમતો હતો. જેમાં મોન્ટુ બે લાખની રકમ સટ્ટામાં હારી જતા આઈડીની લીમીટ પૂરી થઈ જતા વરાછાના મુખ્ય બુકી પંકજે તેનું ખાતુ બંધ કરી દીધું હતું. જેથી આવેશમાં આવી ગયેલા મોન્ટુએ 9મીએ સાંજે અલથાણ ગામ પાસે પાનની દુકાન પર બિલ્ડરને બોલાવીને કારમાં અપહરણ કર્યુ હતું. કારમાં બિલ્ડર બેસાડીને મોન્ટુએ 5 લાખ માંગણી કરી તેને કારમાં અલથાણથી વેસુ થઈ સરસાણા-ખજોદના હાઈવે પર ફેરવ્યો હતો. બિલ્ડરના ભાઇ આશિષે ખટોદરા પોલીસને જાણ કરી દેતા પોલીસે મોન્ટુ માલિયા અને તેના બે સાગરિતોને ભટાર પાસેથી પકડી લઈ બિલ્ડરને મુક્ત કરાવ્યો હતો. ખટોદરા પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને મોન્ટુ માલિયા ઉર્ફ શરદ સુભાષ મહંતો(રહે,વાલકરોડ,પાંડેસરા), ચંદન સત્યવાન પુષ્ટી(રહે,મુક્તાનંદ સોસાયટી,વેસુ) અને શીબુ પટેલ (રહે,હરીઓમનગર,પાંડેસરા)ની ધરપકડની કરી જેલમાં મોકલી આપ્યા છે. માથાભારે મોન્ટુ માલિયાએ અગાઉ હત્યાના ગુનામાં પણ પકડાયો હતો.

એક બુકી પાસેથી ત્રણ લાખની ખંડણી વસૂલી હતી
માથાભારે મોન્ટુ માલિયાએ તેના સાગરીતો સાથે થોડા દિવસ પહેલા ઘોડદોડ રોડના એક મારવાડી બુકીનું પણ અપહરણ કરી તેની પાસેથી ત્રણ લાખની ખંડણી વસૂલી હતી. તેમજ બે -ત્રણ દિવસ પહેલા એક જણાને માર મારી કાર જમા લઈ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...