કાપડચોરીમાં પકડાયેલા કર્મચારીને ત્રાસ અપાતાં છઠ્ઠા માળેથી કૂદી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણાની આર્શીવાદ માર્કેટમાં કાપડની દુકાનમાં નોકરી કરતો કર્મચારી ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. વેપારીઓએ ટૉર્ચર કરતા કર્મચારીએ છઠ્ઠા માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. કર્મચારીના ભાઈની ફરીયાદના આધારે પોલીસે વેપારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછામાં સાઈનાથ સોસાયટીમાં રહેતા સુશીલ દેવીલાલ તોષનીવાલ(46) સારોલી આર્શીવાદ માર્કેટમાં રાની ફેશન નામની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. સોમવારે સાંજે દુકાનમાંથી કાપડના પીસ લઈ જતા વેપારીએ ઝડપી પાડ્યા હતા. સિટીલાઈટ ક્રિશ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વેપારી જુગલ કિશોર ચાંડક અને ભાગીદાર બાબુસિંગ રાજપુતે પૂછપરછ કરતા આશરે અઢી લાખના કાપડની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમના ભાઈ અને બનેવીની હાજરીમાં ચોરી થયેલા માલના રૂપિયા ચુકવી દેવાની બંને વેપારીઓને ખાતરી અપાઇ હતી. સુશીલના ઘરેથી એકાદ લાખનો માલ મળતા વેપારીઓ લઈ ગયા હતા. મંગળવારે વેપારીઓએ સુશીલને દુકાને બોલાવી વધુ માલની ચોરી કર્યાનો વહેમ રાખીને ટૉર્ચર કર્યુ હતુ. ટોર્ચરીંગ સહન ન થતાં સુશીલે છઠ્ઠામાળના દાદરના પેસેજમાંથી પડતું મુકી દીધું હતું. જેથી ગંભીર રીતે ઘવાયેલા સુશીલકુમારને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સુશીલકુમારના ભાઈ કમલકિશોરે બંને વેપારીઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કતારગામ અને કાપોદ્રામાં કિશોરી,મહિલાનો આપઘાત

સુરત | કતારગામ ભગુનગર ખાતે રહેતા મનુભાઈ બાબરિયાની પુત્રી વિલાસ(16) માતાને ઘરકામમાં મદદરૂપ થતી હતી. મંગળવારે સાંજે વિલાસને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેમાં માઠું લાગી આવતા તેણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. અન્ય એક બનાવમાં કાપોદ્રા ખોડીયાર નગર સોસાયટી ખાતે રહેતા ચેતન વનરા(25) આર્કિટેક્ટ છે. એક વર્ષ અગાઉ જ તેમના લગ્ન થયા હતા. જોકે પત્ની શ્રધ્ધા અને ચેતનભાઈ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કંકાસ ચાલી રહ્યો હતો. જેનાથી કંટાળીને શ્રધ્ધાબેને મંગળવારે સાંજે પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

કાપડના બે વેપારી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...