• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News Initially The Hospital Was Opened In 7 Thousand And Undergo Gender Tests 2 Homeopathy Doctors Were Arrested 072102

વરાછામાં હોસ્પિટલ ખોલી 7 હજારમાં કરતા હતા લિંગ પરીક્ષણ, 2 હોમિયોપેથી તબીબો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વરાછા વિસ્તારમાં બે હોમિયોપથી તબીબો પાસે સોનોગ્રાફી મશીન રાખવાની કોઈ કાયદેસરની છૂટ ન હોવા છતાં સોનોગ્રાફી મશીન રાખી ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા હોવાની માહિતી મળતાં જિલ્લા આરોગ્ય વિભાગે ગુરુવારે સવારે 8 વાગ્યે જીવન જ્યોત હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી બીએચએમએસની ડિગ્રી ધરાવતા ડો. સાગર પટેલ અને ડો. દિનેશ વાડોદરિયાની અટકાયત કરી સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું હતું. આ કૌભાંડ ખૂબ મોટા સ્તર પર હોવાનું એટલા માટે કહી શકાય તેમ છે કારણ કે, એક જાગૃત નાગરિકે આ હોસ્પિટલના ગેરકાયદે ધંધા વિશે રાજ્યભરના મુખ્ય આરોગ્ય અધિકારીને ...અનુ. પાના નં. 12

પત્ર પાઠવ્યો હતો. જેમાં આ હોસ્પિટલે મહિલાઓને લઈ આવતી 25 રિક્ષાના નંબર સહિતની માહિતી આપવામાં આવી હતી. પરિણામે આરોગ્ય વિભાગની અન્ય કોઈ ટીમ સુરત આવીને કામગીરી કરી ન જાય એ વાતને ધ્યાને લઈ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ સફાળી જાગી હતી અને આ કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

વરાછામાં લંબે હનુમાન રોડ પર, સવાણી સ્કૂલની સામે, વર્ષા સોસાયટી વિભાગ-2માં આવેલી જીવન જ્યોત હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હોવાની હકીકત સાંપડતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરી અને તેમની ટીમે આ સ્થળે દરોડો પાડ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમના રક્ષણ સાથે આરોગ્ય વિભાગની ટીમ જ્યારે આ હોસ્પિટલ પર પહોંચી ત્યારે એક રિક્ષામાં મહિલા આવી હતી. જેને સાથે રાખી ગર્ભપરીક્ષણ કરાવી આરોગ્ય વિભાગની ટીમે બન્ને તબીબની અટકાયત કરી હતી.

આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ બન્ને તબીબો પાસે બીએચ એમએસની ડિગ્રી છે. જે સોનોગ્રાફી મશીન રાખી શકે જ નહીં. આમ છતાં સોનોગ્રાફી મશીન રાખી આ રીતે ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા હતા. એક પરીક્ષણ રૂ. 7 હજારમાં કરી આપતા હોવાનું અને એક દિવસમાં બે પરીક્ષણ કરતા હોવાનું બન્ને તબીબોએ કબૂલ્યું હતું.

મહારાષ્ટ્રથી પણ મહિલાઓ અહીં ગર્ભપાત કરાવવા આવતી હતી!

આધારભૂત સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ આ હોસ્પિટલમાં સુરતની સંખ્યાબંધ હોસ્પિટલમાંથી જો મહિલાઓ ગર્ભપાત કરાવવા આવતી જ હતી એ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ કેટલીક મહિલાઓ આવતી હતો. જો પોલીસ અને આરોગ્ય વિભાગ ઊંડાણપૂર્વક તપાસ કરે તો આ કૌભાંડ રાષ્ટ્રીય સ્તરનું નીકળે તો ના નહીં.

અગાઉ 32 સ્ટિંગ થયાં, હવે ફોન જ બંધ

જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડો. મેઘા મહેતા હતાં ત્યારે 3 વર્ષમાં આવા 32 જગ્યાએ સ્ટિંગ ઓપરેશન કરી ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરનારાઓ સામે આકરાં પગલાં લેવાયાં હતાં. જો કે, તેમની બદલી થયા બાદ બે વર્ષથી એક પણ સ્ટિંગ થયું નથી. આ બાબતે દિવ્ય ભાસ્કરે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હસમુખ ચૌધરીનો સંપર્ક કરતાં પ્રથમ તેમનો ફોન જ સ્વિચ્ડ ઓફ હતો ત્યાર બાદ રિંગ વાગતી હતી પણ ઊંચકતા ન હતા ત્યાર બાદ પણ આશ્ચર્યજનક રીતે ફોન કાપી નાખવામાં આવ્યો હતો.

3થી 5 વર્ષ કેદ, 10થી 50 હજારનો દંડ

આ કામગીરી પીએનડીટી (પ્રિ-નેટલ ડાઇગ્નોસ્ટિક ટેક્નિક) એક્ટ હેઠળ થઈ છે. જેમાં 3 વર્ષથી 5 વર્ષ સુધીની કેદની સજાની તેમજ રૂ. 10 હજારથી રૂ. 50 હજારના દંડની જોગવાઈ છે. આરોગ્યની ટીમે કોર્ટમાં પહોંચી જઈ કામગીરી આરંભી હતી. જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જશે ત્યાંથી તપાસ કરાશે.

બોલો, હોસ્પિટલનું નામ જીવનજ્યોત અને કામ ભ્રૂણ હત્યાનું
બે તબીબો સાગર પટેલ અને દિનેશ વાડોદરિયા

પત્રમાં સ્ત્રી ભ્રૂણહત્યા કરાતી હોવાનો આક્ષેપ
વરાછાના જીવન જ્યોત હોસ્પિટલમાં માત્ર ગર્ભ પરીક્ષણ જ કરાતું હતું તેવું નથી ત્યાં ગર્ભપાત કરાવી સ્ત્રીભૃણ હત્યા પણ કરાતી હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકે લખેલા પત્રમાં કરવામાં આવ્યો છે. એઠલું જ નહીં પણ ગર્ભ પીળા રંગની પ્લાસ્ટિકની બેગમાં રાખવામાં આવતો હોવાની માહિતી પણ આ પત્રમાં આપવામાં આવી છે. એક જાગૃત નાગરિકે અંગ્રેજીમાં ચાર પાનાનો એક પત્ર રાજ્યના તમામ આરોગ્ય અધિકારીને મોકલ્યો છે તેમાં સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ હોસ્પિટલમાં તબીબો પાસે ગાયનેકોલોજિસ્ટની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે ગર્ભપાત કરતા હતા. જેમાં પ્રસૂતાને જે મેડિસિન આપતા હતા તે પણ પ્રતિબંધિત છે. જેનો ગર્ભપાત વખતે અને ગર્ભપાત પછી ઉપયોગ કરવામાં આવે છે. આ મેડિસિન માટે એક મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ...અનુસંધાન પાના નં. 12

જે મેડિકલ સ્ટોરમાં પણ એક સોનોગ્રાફી મશીન રાખવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે.

આ પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે શહેરની સંખ્યાબંધ હોસ્પિટલ આ ગોરખધંધા સાથે સંકળાયેલી હોવાથી કૌભાંડ ખૂબ મોટું છે. એક નોંધપાત્ર વાત એ પણ આ પત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે કે ભૃણને પીળા રંગની પ્લાસ્ટિકની બેગમાં ભરી રાખવામાં આવતું હતું. જો રવિવારે દરોડો પાડવામાં આવે તો પૂરો સ્ટાફ હાજરમાં મળી આવે એ ઉપરાંત મહિલાઓની સંખ્યા વધુ હોવાનો ઉલ્લેખ પણ આ પત્રમાં છે.

રાજ્ય સ્તરેથી કોઈ કાર્યવાહી થવાના ડરે જિલ્લાની ટીમ ઊંઘમાંથી સફાળી જાગી
કૌભાંડ મોટું નીકળશે
એક જાગૃત નાગરિકે રાજ્યના તમામ મુખ્ય આરોગ્ય અધિકારીને એક પત્ર ઈ-મેઇલ કર્યો હતો. જેમાં આ હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદે ધંધાની તમામ વિગતો જણાવવામાં આવી હતી. જો ખરેખર આ પત્ર મુજબ 25 રિક્ષામાં મહિલાઓ આવતી હોય તો આ કૌભાંડ ખૂબ મોટું હોવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...