સરદાર બ્રિજના રિપેરિંગની કામગીરી અંતિમ તબક્કામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

આ વર્ષે ચોમાસું મોડે સુધી સક્રિય રહેવાના કારણે અઠવા લાઇન્સથી અડાજણ તરફના જૂના સરદાર બ્રિજનું કામ ખોરંભે ચઢી ગયું હતું. જોકે, હાલમાં રિપેરિંગની કામગીરી અંતિમ તબક્કામાં હોઈ 20 ડિસેમ્બર સુધીમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય એવી સંભાવના છે. રિપેરિંગના કારણે છેલ્લા 3 માસથી બ્રિજ બંધ છે. જોકે, હવે બ્રિજ ખુલ્લો મુકાય તો અઠવાથી અડાજણ વિસ્તારના લોકોને રાહત થશે.

તાપી નદી ઉપરના અતિ વ્યસ્ત અને 25 વર્ષ જૂના સરદાર બ્રિજની રિપેરિંગની કામગીરી 3 મહિના પહેલા શરૂ કરાઈ હતી. જેમાં પહેલા તબક્કામાં જૂના સરદાર બ્રિજના અડાજણથી અઠવા તરફનો ભાગ રિપેર કરાયો હતો. જે કામગીરી પૂર્ણ થતાં ઓગસ્ટ માસમાં અઠવા લાઇન્સથી અડાજણ તરફે બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું. દિવાળી પહેલા બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી. જોકે, નવેમ્બરના પહેલા વીક સુધી વરસાદને લીધે રિપેરિંગની કામગીરી વિલંબમાં મુકાઈ ગઈ હતી. જેના કારણે વધુ દોઢ માસ માટે બ્રિજ રિપેરિંગ કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારવામાં આવી હતી.

હાલમાં રિપેરિંગની કામગીરી પૂર્ણતાને આરે છે. જેથી 20 ડિસેમ્બર સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાય એવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપિયા 9 કરોડના ખર્ચે સરદાર બ્રિજની રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસમાં રિંગ રોડના મુખ્ય ફ્લાય ઓવર બ્રિજની રિપેરિંગ કામગીરી શરૂ થવાની શક્યતા છે.