તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat News In The Assembly Star Campaigners Held Meetings Bjp Propaganda 39mokota39 In The Lok Sabha There Was No Difference In Congress 072106

વિધાનસભા વખતે સ્ટાર પ્રચારકોએ સભાઓ ગજવી હતી, લોકસભામાં ભાજપનો પ્રચાર ‘મુખોટા’ને સહારે, કોંગ્રેસમાં તો કોઈ ફરક્યું પણ નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર 3 દિવસ બચ્યા છે ત્યારે સુરત શહેરને સ્પર્શતી સુરત ,બારડોલી અને નવસારી બેઠક પર ચૂંટણી પ્રચારમાં નીરસતા વર્તાઈ રહી છે. હજી સુધી ભાજપ -કોંગ્રેસના સ્ટાર પ્રચારકો અહીં ફરક્યા નથી.વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાથી દક્ષિણ ગુજરાતની તમામ બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.જયારે વર્ષ 2017માં સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રચારમાં કેન્દ્રીય સ્તરના નેતાઓએ સભા ગજવી હતી.વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સુરત ,બારડોલી અને નવસારી બેઠક પૈકી એક પણ બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા સિવાય કેન્દ્રીય સ્તરના નેતા ફરક્યા નથી.જોકે આજે બારડોલી લોકસભા મત વિસ્તારના બાજીપુરામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ

નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, યોગી, ધર્મેન્દ્ર પ્રધાન, વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, પરેશ રાવલ

કોંગ્રેસ

રાહુલ ગાંધી, ડો.મનમોહન સિંહ, અહેમદ પટેલ, સચિન પાઇલોટ, સંજય નિરૂપમ, રાજ બબ્બર, આનંદ શર્મા, અશોક ગહેલોત, સિંધિયા

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે કેન્દ્રીય સ્તરના નેતાઓને સુરતમાં ઉતાર્યા હતા
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના કેન્દ્રીય સ્તરના નેતાઓને સુરતમાં ઉતાર્યા હતા.પાટીદાર અનામત આંદોલન ,જીએસટી અને નોટબંધી જેવા ફેક્ટરને ધ્યાને લઈ ભાજપ -કોંગ્રેસ બંને પક્ષે પોતાના દિગ્ગજ નેતાઓને સુરત મોકલ્યા હતા.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કામરેજ અને લીંબાયતમાં સભા કરી હતી.જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વરાછામાં સભા સંબોધી હતી. ગૃહ મંત્રી રાજનાથ સિંહ ,યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ,રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને કોંગ્રેસમાંથી મનમોહન સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ સુરતમાં પ્રચાર માટે આવ્યા હતા.

ઉમેદવારો આપી રહ્યા છે સમાજના સંમેલનોમાં હાજરી
સુરત અને નવસારીમાં ભાજપને વિશ્વાસ છે કે અહીં જીત નક્કી છે જેથી કેન્દ્રીય નેતાઓની હાજરીની કોઈ જરૂર જણાતી નથી. બારડોલી બેઠક પર કોંગ્રેસ મહેનત કરી રહી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનું આયોજન કર્યું છે. ભાજપ -કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો જાહેર સભાઓ અને રેલીઓ કરતા સમાજના સંમેલનો અને કાર્યક્રમોમાં હાજરી આપવાનું વધુ ઉચિત ગણી રહ્યા છે. કાર્યકરો સાથે ગ્રુપ મિટિંગ અને સમાજના સંમેલનોમાં હાજરી આપી પોત પોતાનો પ્રચાર કરી રહ્યા છે.

સાંસદને ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપવા માંગ કરાઈ
સુરત | ચૂંટણીને 4 દિવસ બાકી છે. ત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન ગુરુવારે સાંસદ દર્શના જરદોષ રિંગરોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં પહોંચ્યા હતા. જે.જે માર્કેટમાં મળેલી સભામાં ફોસ્ટાના આગેવાનો સહિત અગ્રણી વેપારીઓએ હાજરી આપી હતી. જેમાં વેપારીઓએ સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી સ્થાપવાની સાથે આઇટીસી-04 ફોર્મ તેમજ રિવર્સ ચાર્જ મિકેનીઝમ(આરસીએમ)ના ઉકેલની માંગ મુકી હતી. જેની સામે સાંસદ જરદોષે ચૂંટણી પછી વેપારીઓને દિલ્હી લઈ જઈ નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...