રાષ્ટ્રની સીમાઓ સુરક્ષિત નહીં હોય તો ધંધો-રોજગાર નહીં કરી શકીએ
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com
‘જ્યાં સુધી આપણું રાષ્ટ્ર અને આપણા રાષ્ટ્રની સીમાઓ સુરક્ષિત છે ત્યાં સુધી જ આપણે, આપણો પરિવાર અને આપણા ધંધા-રોજગાર સુરક્ષિત છે. જેથી આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું બલિદાન આપનાર આપણા વીર જવાનોના પરિવારોની સાર સંભાળની જવાબદારી આ દેશના દરેક નાગરિકની છે. હું કોઈપણ કાર્ય કરૂં એટલે પ્રથમ એવું વિચારું કે આમાં મારા રાષ્ટ્રને કાંઈ નુકસાન નથી થતું ને, ત્યારબાદ મારા સમાજને નુકસાન નથી થતું ને, ત્યારબાદ મારા પોતાના હિત માટે ફાયદા કારક હોય તેવું કાર્ય કરૂ છું. આજુબાજું સ્વચ્છતા રાખી, વેરાઓ અને વિવિધ સરકારી કરવેરાઓનું પેમેન્ટ કરીએ તે પણ એક રાષ્ટ્ર ભક્તિ જ છે.’ રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ગાંધી સ્મૃતિ ભવન ખાતે વોકેશનલ એવોર્ડ સેરેમની અને રાષ્ટ્ર ભક્તિ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વાત સવજી ધોળકિયાએ કરી હતી.
કાયદા કાનૂનનું પાલન કરવું પણ રાષ્ટ્ર સેવા છે
રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માટે દરેક નાગરિકે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું જરૂરી છે. જો આપણે રાષ્ટ્રની સેવા માટે આપણું યોગદાન આપવા સમર્થ ના હોઈએ તો કાઈ વાંધો નથી, પણ રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહી રાષ્ટ્રને આપણી કોઈ પ્રવૃત્તિ થી નુકશાન ન થાય તેવું વર્તન કરવું જોઇએ અને આપણી જવાબદારી નિભાવવી જોઈએ એ પણ એક રાષ્ટ્ર સેવા જ છે. આપણે સરહદ પર જઈ રાષ્ટ્રની સુરક્ષા ના કરી શકીએ પણ નિયમોનું પાલન કરવું પણ રાષ્ટ્ર સેવા છે.