તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ મેં સંસાર સમાયા.. અંબરીષાનંદના સાધુજીવનને વધાવવા ગુરુવંદના કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતોના પરિશ્રમથી જ આ સંસ્થા ઉભી થઈ છે. સેવકના ઘરે ગુરૂનું આગમન અમંગળ દુર કરનારૂ છે. પારસમણીના સ્પર્શથી પથ્થર પણ સોનું થાય તેમ સત્સંગથી માનવીનું જીવન પારસમણી સમાન થાય છે. આ શબ્દો સ્વામી અંબરીષાનંદે કતારગામ ભારત સેવાશ્રમ સંઘના ગુરૂકુળમાં કહ્યાં હતા. ગુરૂકુળમાં સ્વામીજીના દીક્ષાજીવનની સુવર્ણજયંતીએ વિદ્યાર્થીઓએ સ્વામીજીને ગુરૂ મે સંસાર સમાયા સ્તુતિ ગાઈ ગુરૂવંદના કરી હતી.

શહેરના કાંસાનગર સ્થિત ભારત સેવાશ્રમ સંઘના ગુરૂકુળમાં ગુરૂવારે સંચાલક અને સુરત સાધુસમાજના અધ્યક્ષ સ્વામી અંબરીષાનંદના દીક્ષાજીવનની સુવર્ણ જયંતી ઉજવાઈ હતી. આ પ્રસંગે ગુરૂકુળની તમામ શાળાઓના આચાર્યોએ સ્વામીજીને ફુલોનો મુગટ પહેરાવી વિદ્યાર્થીઓ સાથે ગુરૂવંદના કરી હતી. તેની સાથે શહેરના સંતો સાથે સ્વામીજીની શોભાયાત્રા કતારગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સ્વામી અંબરીષાનંદના બહુમાન બાદ સ્વામી પ્રશાંતાનંદ મહારાજે કહ્યું કે સંસ્થાની સેવા સ્વામીજી વર્ષોથી કરી રહ્યાં છે. આ ગુરૂકુળમાં અભ્યાસ કરનારનું જીવન સફળ થાય છે. મંત્રો ટેકનોલોજિના અતિરેક સામે મનને નિયંત્રિત કરી શકે છે.

સ્વામી લક્ષ્મણજ્યોતિ મહારાજે કહ્યું કે આ ગુરૂકુળમાં દીકરાઓ કરતા દીકરીઓનું વધુ જતન કરાય છે. ગુરૂકુળની દીકરીઓ નવા ભારતના નિર્માણમાં સહભાગી થશે. મહંત સીતારામદાસ મહારાજે કહ્યું કે સંસ્કારથી સંસ્કૃતિનું જતન થાય છે. સુરતમાં આ કાર્ય સ્વામીજીએ સુંદર રીતે નિભાવ્યું છે. આ સાથે સંતો સ્વામી પ્રશાંતાનમદ, સ્વામી વિશ્વેશ્વરાનંદ, મહંત સીતારામદાસ, અભયબાપુ અને મહંત લક્ષ્મણજ્યોતિ મહારાજ સાથે સ્વામીજીની ભવ્ય શોભાયાત્રા ગુરૂકુળના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાઢી હતી. આચાર્ય જિતેન્દ્રસિંહ ઠાકોર સહિત મહિલા વિદ્યાલયના આચાર્યો તૃપ્તિબેન પટેલ અને સ્ટાફે સ્વામી અંબરીષાનંદની વંદના સાથે આશીર્વાદ લીધા હતા. શિક્ષિકા ઉર્વશીબેને રામચરિત માનસની ચોપાઈઓ રજૂ કરી હતી. આજે મેયર ડો.જગદીશ પટેલ અને મંત્રી કુમાર કાનાણી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...