રૂ.20 કરોડના કોન્ટ્રાક્ટની લાલચે ગાંધીનગરના અધિકારીએ વરાછાના યુવકના 20 લાખ પડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.સુરત | તાપી જિલ્લામાં આવાસ-ટોઇલેટ માટેના 20 કરોડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપીને વરાછાના યુવક પાસેથી 20 લાખ પડાવનારા બે જણા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. બે પૈકી એક આરોપી ગાંધીનગરના એક નિગમમાં એકાઉન્ટ વિભાગનો રિટાયર્ડ ક્લાસ ટુ અધિકારી છે.

2017માં તાપી જિલ્લામાં આવાસ-ટોઇલેટના કોન્ટ્રાક્ટની લાલચ આપી હતી
કતારગામ લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા સુરેશ રવજીભાઈ માણીયા હીરાનો વેપાર કરે છે. વરાછામાં રાજહંસ ટાવરમાં તેમની ઓફિસ છે. 2017માં હીરાના વ્યવસાયમાં કામ બરાબર ચાલતું ન હોવાથી સુરેશનો પરિચય નવસારીના અલ્કાપુરી સોસાયટીમાં રહેતા રાજેશ ચેતરામ સોનવણે સાથે થયો હતો. રાજેશે પોતાની ઓળખ અખિલ ભારતીય કોંગ્રેસ સંગઠનના અધ્યક્ષ તરીકે આપી હતી. રાજેશે સુરેશને કહ્યું હતું કે, તેની ગાંધીનગરમાં ગોપાલક નિગમમાં સારી ઓળખાણ છે. ત્યાં ક્લાસ ટુ અધિકારી(હિસાબી અધિકારી) રમેશ એમ.પટણી(રહે. અમદાવાદ) સાથે મળીને તાપી જિલ્લામાં આવાસ અને ટોઇલેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાવી દઇશ. આ માટે 20 કરોડના કોન્ટ્રાક્ટના 1 ટકા લેખે 20 લાખ પહેલા આપવા પડશે કહી રાજેશે 20 લાખ પડાવી લીધા હતા. સુરેશને ગાંધીનગર લઈ જઈને કોન્ટ્રાક્ટ માટેનો ઓફ લાઈન ફોર્મ પણ ભરાવ્યા હતા. રમેશ પટણી સુરત આવીને સુરેશને મળ્યા હતા. 2018ની શરૂઆતમાં રાજેશ અને રમેશે 20 લાખ લીધા બાદ કોઇ રસીદ આપી ન હતી કે કોન્ટ્રાક્ટ અપાવ્યો નહતો. સુરેશને ચીટિંગનો ખ્યાલ આવતા રૂપિયા પરત માંગતા રાજેશે બે વખત ચેક આપ્યા હતા પરંતુ બેલેન્સના અભાવે ચેક રિટર્ન થયા હતા. સુરેશે વરાછા પોલીસમાં આરોપી રમેશ પટણી અને રાજેશ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...