તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોબાચારીઓ અટકાવવા પહેલી વાર જિંગાતળાવો ડ્રોથી ફાળવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિંગાતળાવોમાં ગોબાચારી ચાલતી હોવાની ફરિયાદો સમયાંતરે ઊઠતી જ રહેતી હોય છે. તેવા સંજોગોમાં ગોબાચારી બંધ કરવા માટે કલેક્ટરે એક આવકારદાયી નિર્ણય કર્યો છે. એ નિર્ણય મુજબ હવે જિંગાતળાવની ફાળવણી ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે. આ રીતે ડ્રો સિસ્ટમથી જિંગાતળાવની ફાળવણી કરવાની આ ઘટના સુરત માટે પ્રથમ બની રહેશે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં દરિયા કિનારે આવેલાં ગામોમાં વર્ષોથી જિંગાઉછેરનો વ્યવસાય ચાલી રહ્યો છે. એક આંકડા મુજબ સુરત જિલ્લામાં જ દર વર્ષે 15,000 મેટ્રિક ટન જિંગા ઉત્પન્ન થાય છે. જેમાંથી મોટા ભાગના જિંગા ભારતની બહાર નિકાસ થાય છે. એક અંદાજ મુજબ સુરતમાં જિંગાના ફાર્મરો વર્ષે રૂ. 600 કરોડથી પણ વધુનું ઉત્પાદન કરે છે. સુરતમાં સૌથી વધુ ગેરકાયદે જિંગાતળાવો ધમધમી રહ્યાં છે. જેની ફરિયાદો પણ કરવામાં આવી છે. સરકાર દ્વારા હાલમાં આ ગેરકાયદે તળાવોને કાયદેસર કરવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી રહી છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. આમ તો સરકાર જિંગાનાં તળાવો માટે જમીનની પણ ફાળવણી કરી રહી છે. પાંચ વર્ષ પહેલાં દાંડી તથા લવાછા ગામ ખાતે જિંગાનાં તળાવો માટેની જમીન ફાળવવામાં આવી હતી.

માત્ર 45 જિંગા તળાવો માટે 800 અરજી આવી
પાંચ વર્ષ બાદ ફરીથી ઓલપાડના દાંડી, લવાછા અને તેના ગામ ખાતે 200 હેક્ટર જમીનમાં તળાવો બાંધવા માટેની અરજીઓ મંગાવી છે. ગુરુવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે મળેલા જિંગાના એક્સ્પો દરમિયાન સુરતના ફિશરીસ વિભાગના આસિ. ડાયરેક્ટર સમીર આરદેસનાએ વિગતો આપતાં જણાવ્યું કે, દાંડી, લવાછા તથા તેના ગામ ખાતે 45 તળાવો ફાળવવા માટેની જાહેરાત બહાર પડાઇ હતી. તેની સામે કુલ 800થી પણ વધુ અરજદારો દ્વારા અરજીઓ મત્સ્ય ઉદ્યોગમાં કરી છે. હવે આ તળાવોની ફાળવણી ડ્રો સિસ્ટમ દ્વારા કરવા કલેક્ટર દ્વારા સૂચના વિભાગને અપાઇ છે. જે સૌપ્રથમવાર છે.

અન્ય સમાચારો પણ છે...