તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માફિયાઓને પકડવા તાપી જિલ્લામાં ડ્રોન ઉડાડાયા, રૂ.2 કરોડની મતા કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાઃસુરત અને તાપી જિલ્લામાંથી પસાર થતી તાપી નદીમાંથી આધુનિક સાધન સામગ્રીના ઉપયોગથી રેતી ખનન કરનારાઓ સામે કાયદાનો કોરડો વીંઝવાના ભાગરૂપે ભૂસ્તર વિભાગે બન્ને જિલ્લામાં ડ્રોન કેમેરાથી તમામ ગતિવિધિને કેદ કરી લીધી હતી. જેમાં આશરે રૂ. બે કરોડ જેટલી રકમનો મુદ્દામાલ નદીની વચ્ચે પડેલો જોવા મળ્યો હતો. રેતી ખનન કરનારા તમામ સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તાપીના ભૂસ્તરશાસ્ત્રી ડી.કે. પટેલે કહ્યું કે તાપી જિલ્લાના કણઝા, કાળાવ્યારા અને સુરત જિલ્લાના બાલાતીર્થ વિસ્તારમાં ડ્રોન કેમેરા મારફતે રેતીખનની ગેરકાયદે પ્રવૃત્તિ કેમેરામાં કેદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોટા પાયા પર આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ફલિત થયું છે. ડ્રોન કેમેરામાં જે દૃશ્ય કેદ થયાં છે તેમાં 30થી વધુ બાઝ નાવડી અને 10થી વધુ ટ્રક જોવા મળે છે. આ તમામની આશરે કિંમત રૂ. બે કરોડ જેટલી થવા જાય છે.

ભૂમાફિયા સામે ભૂસ્તર વિભાગ આધુનિક બન્યો

તાપી નદીમાંથી રેતી ચોરી કરનારાઓ સામે પગલાં લેવા માટે સમયાંતરે અવારનવાર ચેકિંગ કરાય છે પણ ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવામાં આવ્યું હોય તેવી પ્રથમ ઘટના છે. અગાઉ સુરત જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી દ્વારા ત્રણેક વખત આ રીતે ડ્રોન કેમેરાની મદદથી કામગીરી કરવામાં આવી છે.

બે દિવસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવશે

હાલ ડ્રોન કેમેરામાં કેદ થયેલી પ્રત્યેક ગતિવિધિની હાલ ચકાસણી કરવામાં આવી રહી છે. પૂરતી ચકાસણી બાદ બે દિવસમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.’ ડી.કે. પટેલ, ભૂસ્તરશાસ્ત્રી, તાપી


અન્ય સમાચારો પણ છે...