તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1928માં બક્ષિસ આપેલી જમીન હડપ કરતાં ડ્રીમ હોન્ડાના માલિક સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈચ્છાપોર ગામમાં ખોટુ વીલ બનાવીને કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના મામલે ઉધના ખાતે આવેલા ડ્રીમ હોન્ડા શોરૂમના માલિક નરેશ ઈંટવાલા સહિત 11 જણા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ઈચ્છાપોર બસ સ્ટેન્ડ પાસે મંદિર મહોલ્લામાં રહેતા 70 વર્ષીય ગણેશભાઈ બાવજીભાઈ કોસંબીયાની વડીલોપાર્જિત જમીન ઈચ્છાપોર ગામે આવેલી છે. ગણેશભાઈ કોસંબીયાના દાદા રત્નાભાઈ કોટવાલ(પોલીસ) તરીકે નોકરી કરતા હતા. વર્ષ 1928માં સરકારે રત્નાભાઈને બક્ષિસમાં આ જમીન આપી હતી. સરકારના નિયમ પ્રમાણે આ જમીન વેચી શકાતી ન હતી. આ જમીન પર તેઓના વારસદારો ખેતી કરી રહ્યા છે. જેમાં રત્નાભાઈના પુત્ર નરોત્તમભાઈ અને બાવજીભાઈ બે પુત્રો છે, જેમાં એક પુત્ર નરોત્તમનું અવસાન થતા જમીનમાં વારસદાર તરીકે તેની પત્ની રેવાબેન રહી હતી. રેવાબેને સંતાનો ન હતા. જેથી આ જમીન પચાવી પાડવા માટે રેવાબેનના નામનું બોગસ વીલ નરેશ ઈંટવાલાએ તેની માતા શિવગંગાના નામે બનાવ્યું હતું અને બોગસ વીલના આધારે સાત-બારમાં માતાનું જમીનમાં નામ દાખલ કર્યુ હતું. નરેશ ઈંટવાલાની માતાનું અવસાન થતા તેઓના વારસદારના નામો જમીનમાં દાખલ થયા હતા. 2011માં પંચાયતમાંથી કાગળો કઢાવતા જમીનમાં બોગસ વીલ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તે વખતે આ ખેતરની બાજુમાં ઈંટની ભઠ્ઠી નરેશ ઈંટવાલા અને તેના પરિવારજનો ચલાવતા હતા. રેવાબેન સંબંધી ન હોવા છતાં વીલમાં રેવાબેન કાકી અને શિવગંગાબેન ભત્રીજી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે જમીનમાં નરેશ ઈંટવાલાના પરિવારજનોના નામ દાખલ થયા હતા. આ ઘટના અંગે ખેડૂતે ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ આપી હતી.

નરેશ ઈંટવાલા સહિત 11 સામે ગુનો દાખલ
પોલીસે નરેશ જીવણ ઈંટવાલા, હિરાલાલ જીવણ ઈંટવાલા, નગીન જીવણ ઈંટવાલા, પ્રકાશ જીવણ ઈંટવાલા, જયંતિ જીવણ ઈંટવાલા(પાંચેય રહે,ગંગાભવન જીવન વિકાસ સોસાયટી, ગોકુલમ ડેરી,આદર્શ સોસાયટી,અઠવાલાઇન્સ), કાંતાબેન જીવણ, કૈલાશ જીવણ, કૌશલ્યા જીવણ (ત્રણેય રહે,જીવીબા પાર્ક રો હાઉસ, ભટાર), છાયાબેન જીવણ (રહે,કલા મંદિરનો ખાંચો, વડોદરા), તરૂલતા જીવણ અને દક્ષા જીવણ મળી કુલ 11ને આરોપી બનાવી ઠગાઈ અને એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

જમીનનું ખોટંુ વીલ બનાવવામાં આવ્યું છે
વધુમાં ફરિયાદીના વકીલ નયલ પાંડવે જણાવ્યું કે જમીનમાં ખોટુ વીલ બનાવવામાં આવ્યું છે અને મુખ્ય સુત્રધાર નરેશ ઈંટવાલા છે. નરેશ ઈંટવાલાનો ઉધનામાં ડ્રીમ હોન્ડાનો શોરૂમ છે.

અન્ય સમાચારો પણ છે...