માજી મેયરની આભવાની જમીનમાં કોન્ટ્રાક્ટરોએ ગેરકાયદે કબજો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માજી મેયર સવિતા શારદાની આભવાની જમીનમાં કોન્ટ્રાક્ટરે તેના ભાગીદાર સહિત મજૂરો સાથે ગેરકાયદે કબજો કરતાં મામલો ડુમસ પોલીસમાં પહોંચ્યો હતો. ડુમસ પોલીસે આ અંગે માજી મેયરની ફરિયાદ લઈને બિલ્ડર અને તેના ભાગીદાર સહિત 5 જણા સામે ગુનો નોંધ્યો છે.

વધુમાં આ બાબતે માજી મેયર સવિતા વિરેન્દ્ર શારદાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, આભવામાં સર્વ નં-507માં જયદીપ મેમોરીયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના નામથી કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલની બિલ્ડિંગનું બાંધકામ શરૂ કર્યું હતું. આ બાંધકામનો કોન્ટ્રાક્ટ ગિરધારીલાલ વર્મા અને તેના ભાગીદાર અશોક ગુજ્જરને આપ્યો હતો. બાંધકામની રકમ ચુકવી દીધી હોવા છતાં કોન્ટ્રાક્ટ અને તેના ભાગીદારે બાંધકામ પૂર્ણ નહિ કરી પૈસાની માગણી કરી હતી. જેને લઈને માજી મેયર સાથે કોન્ટ્રાક્ટરોનો વિવાદ ચાલી રહ્યો છે. માજી મેયરની જમીનમાં કોન્ટ્રાક્ટરના મજૂરોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો. જેના કારણે અગાઉ પણ આ બાબતે વિવાદ થતાં ડુમસ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. 12મી એપ્રિલે કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલનું અધૂરું કામ બીજા મજૂરો પાસેથી કરાવતાં કોન્ટ્રાક્ટર ગિરધારીલાલે ત્યાં કાર લઈને ધસી આવી તેના મજૂરો સાથે કામ અટકાવી દઈ માથાકૂટ કરી હતી.

વિદ્યાર્થીઓ આ ઘટનાને કારણે ગભરાય જાય તેમ હોવાથી માજી મેયર સવિતા શારદાએ ડુમસ પોલીસમાં અરજી આપી હતી. આ અરજીના આધારે ડુમસ પોલીસે ગઈ તા. 11મી મે 2019ના રોજ કોન્ટ્રાક્ટર ગિરધારીલાલ ડી. શર્મા (રહે. નેવીલ પાર્ક સોસાયટી, ઉધના-મગદલ્લા રોડ), અશોક લીલુ ગુજ્જર (રહે. નેમીનાથનગર સોસાયટી, મોડલ ટાઉન રોડ, પરવટ પાટિયા), મજૂર ચીમન ડામોર, લાલા ચીમન ડામોર અને સંજય ડામોર(ત્રણેય રહે. હોસ્ટેલ કેમ્પસમાં નવા બંધાતા બિલ્ડિંગમાં, આભવા)ની સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...