નાણાંની ચૂકવણી, ટેક્સટાઇલમાં થતા વિવાદોને નિવારવા કમિટી બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં કેટલાંક સમયથી કાપડના વેપારી, વીવર્સ અને પ્રોસેસર્સ વચ્ચે પેમેન્ટના ધારાધોરણ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસો. અને સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસો. દ્વારા એક સમાધાન કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને સંગઠનો તરફથી પાંચ-પાંચ સભ્યો આ કમિટીમાં સમાવેશ કરાશે.

શહેરમાં 400 ડાઈંગ એન્ડ પ્રોસેસિંગ એકમો આવેલા છે. તેની સામે 75 હજારથી વધુ કાપડની દુકાનો છે. રોજ લાખો મીટર ગ્રે કાપડ ડાઈંગ-પ્રિન્ટીંગ મિલોમાં પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. ઘણી વખત પ્રોસેસિંગ માટે મોકલાયેલા ગ્રે કાપડની ક્વોલિટી અને પેમેન્ટના મુદ્દે વેપારી અને પ્રોસેસર્સ વચ્ચે વિવાદ થાય છે. તાજેતરમાં જ એક કાપડના વેપારી દ્વારા ડાઈંગ-પ્રિન્ટીંગ થયા બાદ ગ્રે કપડું ખરાબ હોવાનું કારણ રજૂ કરી વીવર્સને પરત મોકલાયું હતું. ભૂતકાળના દિવસોમાં પ્રોસેસર્સ અને ટ્રેડર્સ વિવાદને આપમેળે ઉકેલી લેતા હતા પરંતુ હવે બંને પક્ષે તકરાર વધી રહી હોય કાયદાકીય ગૂંચ પણ ઊભી થઈ રહી છે. તેથી પ્રોસેસર્સે સમાધાન કમિટી બનાવવાની દિશામાં પહેલ કરી છે. ફોસ્ટા અને એસજીટીપીએ દ્વારા તૈયાર થયેલી કમિટીમાં બંને સંગઠનોના 5-5 સભ્યોનો સમાવેશ કરાશે. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલના જણાવ્યાનુસાર,પ્રોસેસર્સ એસોસિએશન તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. અમે જલદી પાંચ સભ્યોના નામ નક્કી કરી કમિટી બનાવવાની દિશામાં કામ આગળ વધારીશું.

બ્રોકરના માધ્યમથી નાણાં ફસાઈ તો તેનું નામ જાહેર કરાશે
ટેક્સટાઇલ પ્રોસેસર્સ અને ટ્રેડર્સ બાદ હવે સાઉથ ગુજરાત યાર્ન ડિલર્સે પણ વેપારની ધારા-ધોરણમાં ફેરફાર કર્યા છે. એસજીવાયડીના વિનય અગ્રવાલે કહ્યું કે, યાર્નના પેમેન્ટ પેટે જે એડવાન્સ ચેક મેળવી લેવાની સિસ્ટમ બનાવાય હતી તેને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે વેપારી પાસે ડુપ્લીકેટ બિલ પર સહી કરાવી લેવા સૂચન કર્યું છે. આ સાથે બ્રોકરના માધ્યમથી જો કોઈ વેપારીના રૂપિયા માર્કેટમાં ફસાશે. તો તેનું નામ ઉજાગર કરવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...