તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારીના 3 ગુનામાં વોન્ટેડ રીઢો અશરફ મુંબઈથી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં હત્યારાઓને હથિયારો પૂરાં પાડનારો રીઢો ગુનેગાર અશરફ નાગોરી મુંબઈના મીરાં રોડ વિસ્તારમાંથી પકડાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ જ્યારે ફ્લેટ સુધી પહોંચી ત્યારે આ રીઢો ગુનેગાર પોલીસથી ડરી વોશરૂમમાં ભરાઇ ગયો હતો. પોલીસે તેને ત્યાંથી બહાર કાઢ્યો હતો. અત્યાર સુધીમાં સુરતના 7 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. ત્રણ ગુનામાં વોન્ટેડ છે. 2013ના વર્ષમાં 13 પિસ્તોલ અને 64 કારતૂસ સાથે પકડાયેલો આ રીઢો ગુનેગાર બે વખત પાસામાં અને બે વખત પોટામાં પણ જઈ ચૂક્યો છે.

સલાબતપુરા, કતારગામ અને ખટોદરા પોલીસ મથકમાં મારમારીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગાર અશરફ ઇસ્માઇલ નાગોરી (ઉ.વ.41, રહે: સુકૈયા રેસિડેન્સી, પસ્તાગિયા શેરી, રામપુરા)ને પકડી પાડવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી. જેમાં તે મુંબઈના મીરાં રોડ વિસ્તારમાં હોવાની બાતમી સાંપડતા પોસઈ વી.વી. ભોલા અને તેમની ટીમે ત્યાં પહોંચી જઈ તેને દબોચી લીધો હતો.

હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે હથિયારો લાવ્યો હતો | 2013ના વર્ષમાં સુરતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે તે 13 પિસ્તોલ અને 64 કારતૂસ લાવ્યો હતો. તે વખતે તેને રાંદેર વિસ્તારમાંથી આ હથિયારો સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો હતો.

પોટાની સજા થઈ હતી
પ્રિવેન્સન ઓફ ટેરેરિઝમ એક્ટ એટલે કે પોટા તળે અશરફ નાગોરી અમદાવાદ અને સુરત પોલીસના હાથે પકડાયો હતો. એડવોકેટ અને તત્કાલીન કોર્પોરેટર હસમુખ લાલવાલા પર ફાયરિંગ કરવાના ગુનામાં સુરત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પોટા તળે ગુનો નોંધાયો હતો. જેમાં તે પકડાયો હતો. આ ઉપરાંત 2013 અને 2015ના વર્ષમાં તે પાસામાં જઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...