અંબેની આરાધના: ઘટસ્થાપન સાથે અનુષ્ઠાનનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી રોડના મંદિરમાં અંબા માતાનો અંબા માતાનો શ્રૃંગાર

માતાજીના મંદિરોમાં કળશસ્થાપના સાથે અનુષ્ઠાનનો પ્રારંભ કરાશે, રાતે 8.15 કલાકે બીજ, ચંદ્રદર્શન, ઘટસ્થાપનના મુહુર્ત સવારે 5.58થી 7.08, 8.31થી 11.30
રિલિજિયન રિપોર્ટર.સુરત

આજે આસો સુદ પ્રતિપદા અને નવરાત્રીનો પ્રારંભ સાથે જ શહેરમાં માતાજીના મંદિરોમાં ઘટસ્થાપન સાથે માતાજીના અનુષ્ઠાનનો પ્રારંભ કરાશે. આ માટે માતાજીના મંદિરોમાં સવારે મંગળાઆરતી બાદ ઘટસ્થાપન અને અખંડ જ્યોત પ્રગટાવાશે. નવરાત્રીનું સમાપન 7મીએ થશે અને દશેરાની પૂજા 7 અને 8 બંને દિવસ કરી શકાશે.

સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગમાં શરૂ થઈ રહેલા શારદીય નવરાત્રીમાં શહેરના માતાજીના મંદિરોમાં વહેલી સવારે ઘટસ્થાપન સાથે ઘંટારવ ગુંજશે. આ સાથે શહેરના અંબાજી મંદિર, અંબિકાનિકેતન, વિશ્વશક્તિધામ, મેરૂલક્ષ્મી, મહાકાળી મંદિર, સપ્તશૃંગી અને અને બીજા માતાજીના મંદિરોમાં વહેલી સવારે ઘટસ્થાપન સાથે નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ થશે. આ અંગે અંબાજી રોડના અંબામાતા મંદિરના મહંત કિરણ મહારાજે જણાવ્યું હતું કે વર્ષોની પંરપરા પ્રમાણે સવારે 6 કલાકે મંગળાઆરતી બાદ ઘટસ્થાપન કરાશે. આઠમ અને દશેરાએ આરતી સવારે 6 કલાકે અને બાકીના દિવસોમાં આરતીનો સમય 6.30 કલાકનો રહેશે. 6 ઓક્ટોબરે મંદિરમાં નવચંડીયાગ કરાશે, જેમાં સાંજે 7 કલાકે શ્રીફળ હોમી મહાઆરતી કરાશે.

એજ રીતે સૈયદપુરા મનોહરબાવા ટેકરાના મહાકાળીમાતા મંદિરમાં રોજ માતાજીને નવા વાઘા પહેરાવી વિશેષ શૃંગાર કરાશે. જ્યારે આઠમે માતાજીનો હવન કરાશે.

સપ્તશૃંગીમાતા મંદિરમાં રોજ મશાલ આરતી
શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા રેશમવાડમાં માતા રાજરાજેશ્વરી સપ્તશૃંગીમાતા તરીકે બિરાજમાન છે. આ અંગે મંદિરના પૂજારી બંસી મહારાજ જણાવ્યું હતું કે દક્ષિણી મહોલ્લામાં રહેતા નર્મદામૈયાએ 35 વર્ષ સુધી અવિરત રાજરાજેશ્વરીના સપ્તશૃંગીધામની પદયાત્રા કરી હતી. ત્યારબાદ પદયાત્રા નહીં થતાં સુરતમાં માતાજીની પધરામણી કરાવી ત્યારથી. ત્યારથી દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ સવારે 4.30 કલાકે મંગળા સાથે કરાશે. ત્યારબાદ 5 કલાકે પંચામૃત અભિષેક, 8.30 કલાકે મશાલ આરતી, બપોરે 12.30 કલાકે આરતી અને સાંજે 7.30 કલાકે આરતી કરાશે.

દશેરાનું શસ્ત્રપૂજન 7 અને 8મીએ કરાશે
આસો સુદ નોમનું બપોરે 12.40 કલાકે સમાપન થાય છે. આથી દશેરાનું શસ્ત્ર પૂજન 7મીએ કરવાનું રહેશે. જ્યારે દશેરાનું વિજય મુહુર્ત 8મીએ બપોરે 2.25થી 3.12 કલાકે છે. આથી નવરાત્રિનો પ્રારંભ ચંદ્રના સ્વામીત્વના હસ્ત નક્ષત્રમાં થશે અને સમાપન ચંદ્રના સ્વામીત્વના શ્રવણ નક્ષત્રમાં થશે. ચંદ્રના અધિષ્ઠાત્રી માતા દુર્ગા અને મહાદેવ શિવ છે, જેથી નવરાત્રીના નવેનવ દિવસ માતાજીના નામસ્તોત્ર, મંત્રજાપ કે સ્તુતિ કરવાથી માનસિક, શારિરીક અને આર્થિક તમામ પ્રકારે સ્વસ્થતા મળશે.

અન્ય સમાચારો પણ છે...