દસમાં 82 ટકા આવ્યા, હવે પરમાત્માની પરીક્ષા આપશે, 16 વર્ષની ક્રિમા દીક્ષા લેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૈલાસનગર જૈન સંઘમાં રહેતી 16 વર્ષની ક્રિમા બોર્ડની દસમાં ધોરણની પરીક્ષા પાસ કરી પરમાત્માની પરીક્ષા આપવા જઈ રહી છે. ધોરણ દસની પરીક્ષા પાસ થયા બાદ સાગર સમુદાયના બંધૂબેલડી સાથે વેકેશનમાં મુંબઈ વિહાર માટે ગઈ, જ્યાં સંયમનો રંગ એટલો પાકો લાગ્યો કે એક વર્ષ બાદ19 મેના રોજ દીક્ષા પણ લઈ લેવાની.

સાગરસમુદાયના બંધૂબેલડી આચાર્ય જિનચંદ્રસાગરસૂરિ અને હેમચંદ્રસાગરસૂરિની નિશ્રામાં કૈલાસમગર જૈન સંઘમાં 19 મેના રોજ 16 વર્ષની મુમુક્ષુ ક્રિમા દીક્ષા લઈ રહી છે. આ અંગે ક્રિમાની માતા પ્રીતીબેને જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે દીકરીઓ જ છે. તેમાં મોટી દીકરી પ્રીમાએ પંદર વર્ષની ઉંમરે ચાર વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. હવે સોળ વર્ષની ઉંમરે નાની દીકરી ક્રિમા દીક્ષા લઈ રહી છે એનો પણ મને આનંદ છે. હવે ઘરમાં મારા સાસુ, પતિ અને હું જ છીએ, મારી પણ દીક્ષા લેવાની ઇચ્છા હતી, પરંતુ તે સાકાર થઈ નહીં.

આથી બંને દીકરીઓએ દીક્ષા લીધી તેનો આનંદ છે. જવાબદારીમાંથી મુક્ત થઈશ તો મારી પણ દીક્ષા લેવાની ઇચ્છા છે. એ માટે મારા પતિની રજા ઘરની જવાબદારી પૂર્ણ કરવાની છે. અગાઉ મારા કાકા અને મોટીબહેન દીક્ષા લઈ ચૂક્યા છે. ક્રિમા દસમાંની પરીક્ષા આપી ગુરૂ ભગવંતોના વિહારમાં ગત વર્ષે જોડાઈ હતી. ચાર મહિનાના વેકેશન પછી રીઝલ્ટમાં તેના બોર્ડમાં 82 ટકા માર્કસ આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેને સંયમનો રંગ એવો ચઢી ગયો કે તેણે ઘરે આવવાની ના પાડી. છ મહિના પછી તેણે દીક્ષાની રજા માગી. અમારી ઇચ્છા આવતા વર્ષે દીક્ષા આપવાની હતી, પરંતુ તે માની નહીં અને ગુરૂ ભગવંતોએ આ વર્ષે દીક્ષાનું મુહુર્ત સારૂ હોવાનું કહેતા અમે રજા આપી દીધી. બંને દીકરીઓ મારા કરતા આગળ વધી તેનો આનંદ છે.

ડાબેેથી માતા સાથે ક્રિમા, મોટી બહેન પ્રીમા અને પિતા પ્રિતેશભાઈ.

આપણાં શોખમાં ઘણાં જીવો મરે છે
પહેલાં તો મને પણ હરવાફરવાનો શોખ હતો. અગાઉ મોટીબહેને દીક્ષા લીધી હતી. દસમાં ધોરણની પરીક્ષા બાદ તેની સાથે વિહાર કરવા મુંબઈ પહોંચી. આ દરમિયાન સાધ્વીજીવનની સરળતા જોઈ અભિભૂત થઈ. પુસ્તકો વાંચ્યા. ગુરૂ ભગવંતોની પ્રવચનો સાંભળ્યા. પપ્પા-મમ્મી આવતા વર્ષે દીક્ષા લેવાનું કહેતા હતા, પરંતુ મને હવે સંસારમાં જવાની ઇચ્છા જ નથી. અહીં મને ખબર પડી કે આપણાં મોજશોખમાં આપણે કેટલાં જીવોની હત્યા કરી રહ્યાં તેની જાણ નથી. તેનું પરિણામ ભોગવવાનું સહન નહીં કરી શકીએ. આથી દીક્ષા લઈ રહી છું.

અન્ય સમાચારો પણ છે...