જયંતી ભાનુશાળી બળાત્કાર કેસમાં સમાધાન થયાનું પીડિતાએ કબૂલ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: બહુ ચર્ચિત જયંતી ભાનુશાળી બળાત્કાર કેસમાં નવો વળાંક આવ્યો છે. જયંતી સામે સુરતની જે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી તે યુવતીએ જ હાઇકોર્ટમાં અને પોલીસ સમક્ષ સમાધાન થઈ ચૂક્યાની કબૂલાત કરતા હવે મોટા ભાગે આ કેસ હવે પૂર્ણતાના આરે પહોંચ્યો છે. કચ્છના અબડાસા વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી પરસોતમ ભાનુશાળી સામે સુરતની એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ચાલી રહી હતી તે સમયે પીડિતાએ હાઇકોર્ટમાં એક એફિડેવીટ રજૂ કરી આ કિસ્સામાં સમાધાન થઈ ચૂક્યું હોવાની કબૂલાત કરી હતી.

 

હાઇકોર્ટના આદેશ મુજબ ક્રાઇમ બ્રાંચે નિવેદન લીધું

 

બન્યું એવું કે હાઇકોર્ટે સુરત પોલીસને એવો આદેશ કર્યો કે આ એફિડેવીટ પીડિતાએ જ કરી છે કે કેમω એ અંગે પીડિતાનું નિવેદન લઈ સ્પષ્ટતા કરો. હાઇકોર્ટના આ આદેશને કેન્દ્રમાં રાખી તપાસનીશ અધિકારી, ક્રાઇમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાએ પીડીતાને શનિવારે નિવેદન લેવા બોલાવી હતી. એ સંદર્ભમાં પીડિતાએ ક્રાઈમ બ્રાંચની ઓફિસે જઈ નિવેદન આપ્યું હતું. જેમાં જયંતી ભાનુશાળી સાથે સમાધાન થઈ ગયું હોવાની કબૂલાત કરી હોવાનું અને હાઇકોર્ટમાં પોતે જ એફિડેવીટ કરી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.