સુરત: સુરત શહેરની બે હોસ્પિટલો દીકરીઓના જન્મ સાથે તેમના ભવિષ્યની પણ ચિંતા કરે છે. પ્રથમ ડીલીવરીમાં દીકરી જન્મે તો ચાર્જ નથી લેવાતો. બીજી દીકરીના નામ પર 21 વર્ષે તેને રૂ 85 હજારથી રૂ. 1 લાખ મળે તેવા બોન્ડ આપવામાં આવે છે. આ હોસ્પિટલોની પહેલને કારણે દીકરીઓના જન્મદરમાં પણ સુધારો જોવા મળ્યો છે. આ સુવિધા કોઈપણ જ્ઞાતિની બહેનોને આપવામાં આવે છે. દેશમાં છોકરીઓના ઘટતા જન્મદરને કારણે સરકાર ચિંતિત છે. તો સુરતમાં બે હોસ્પિટલો એવી છે જેમાં દીકરીઓ જન્મે તો આનંદ થાય છે.
800 મહિલાઓને બોન્ડ અપાયા
2014માં હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો. ઓલઇન્ડિયા પાટીદાર સમાજનું અધિવેશન બોલાવી અગ્રણીઓએ સંકલ્પ કર્યો કે બેટી બચાવો અભિયાન શરૂ કરવું છે. બીજી દીકરીના જન્મ સમયે 21 વર્ષની પાકતી મુદતે 85 હજારના બોન્ડ આપવાનો નિર્ણય કર્યો. ત્યારથી અત્યાર સુધીમાં ચારહજાર દીકરીઓનો જન્મ થયો છે. તેમાં 800 મહિલાઓને બીજી દીકરીના જન્મ સમયે બોન્ડ અપાયા છે, તેમ સુરત ડાયમન્ડ એસોસિયેશનની આરોગ્ય સમિતિના ચેરમેન સી.પી વાનાણીએ જણાવ્યું હતું.
1 વર્ષમાં 1296 ડિલિવરી કરાવાઇ
સરકારની યોજનાનો સાથ લઈને કિરણ હોસ્પિટલમાં બોન્ડની યોજના અમલી બનાવી. હોસ્પિટલ શરૂ કર્યાને માત્ર એક જ વર્ષમાં 1296 ડીલીવરી કરવામાં આવી. તેમાં 642 દીકરીઓ જન્મી છે. તેમાં પ્રથમ છોકરીના જન્મ સમયે ડીલીવરીનો કોઈ ચાર્જ લેવાતો નથી. બીજી દીકરી જન્મે તો રૂ 1 લાખના બોન્ડ અપાય છે. આ 642માં 10 મહિલાઓએ બીજી દીકરી બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવતા 2.50-2.50 લાખના પાકતી મુદતના બોન્ડ આપવાનો નિર્ણય કરાયો છે, તેમ ટ્રસ્ટી મથુર સવાણીએ જણાવ્યું છે.
હવે તો દીકરીઓ હોય તો પણ સારૂ
મારી બીજી છોકરીનો જન્મ કિરણ હોસ્પિટલમાં થયો છે.હવે તો ઉલટાનું દીકરીઓ હોય તો સારૂ- ગાયત્રીબેન પટેલ, માતા
- મારે એક જ દીકરી છે. કિરણ હોસ્પિટલે કોઈ ચાર્જ લીધો નથી. એક હોસ્પિટલે તો 40 હજાર કહ્યાં હતા. > વિમલબેન શાહ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.