તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપોદ્રામાં ડેપો પરથી નીકળતા ડ્રાઇવરને માર મારી તોફાનીઓએ બસ હાઇજેક કરીને ફૂંકી મારી હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: રવિવારે પાસના નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાની ધરપકડના વિરોધમાં સુરતમાં મોડી રાતે તોફાની તત્ત્વોએ સરથાણા વિસ્તારના બસ ડેપોમાં ઘૂસી તોડફોડ કરી હતી. જેથી કોસાડ ડેપો પર બસને સલામત સ્થળે ખસેડવા જતાં ડ્રાઇવરને માર મારીને તોફાની ટોળાએ બસ હાઈજેક કરી થોડે દૂર લઈ જઈ બસને સળગાવી દીધી હતી. એક બીઆરટીએસ બસમાં આગ, 3 બસમાં તોડફોડ, 9 બીઆરટીએસ સ્ટેન્ડમાં તોડફોડ બદલ પાલિકાને રૂપિયા 35 લાખથી વધુ નુકસાન થયું છે. પાલિકાએ નુકસાની બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.


વરાછામાં તોફાની તત્ત્વોએ ધમાલ શરૂ કરતાં રવિવારે બપોરે 3 વાગ્યેથી પાલિકાએ સિટી અને બીઆરટીએસ બસ સેવા બંધ કરી દીધી હતી ત્યારે મોડી રાતે સરથાણા યોગીચોક ખાતે સિલ્વર ફાર્મ પાસે રસ્તા પર બીઆરટીએસ બસ કેવી રીતે ફૂંકી મરાઇ તેને લઇને અનેક સવાલો ઊઠ્યા હતા. આ અંગે પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું કે, સરથાણા સ્થિત હંસા ટ્રાવેલ્સના ડેપો પર કુલ 5 બીઆરટીએસ બસ હતી. બબાલ થતાં સલામતીના ભાગરૂપે બસને કોસાડ ડેપો પર શિફ્ટ કરવામાં આવી રહી હતી. દરમ્યાન બસ હંકારીને ડ્રાઇવર નીકળતો હતો ત્યારે ટોળાએ આવીને ડ્રાઇવરને માર મારી નીચે ઉતારી દીધો હતો અને ટોળામાંથી એક ઇસમે બસ હાઈજેક કરીને થોડે દૂર લઇ ગયા બાદમાં બસને આગ ચાંપી દીધી હતી.

 

1 બસ સળગાવી, 3 બસના ગ્લાસ તોડાયા


પ્રશન્ના એજન્સીની 3 BRTS બસના સાઇડ અને ફ્રન્ટ મળી 9 ગ્લાસ તોડાયા (નુકસાન 55 હજારથી 1 લાખ) , હંસા ટ્રાવેલર્સની 1 બસ સળગાવી (29 લાખનું નુકસાન)

 

કોંગ્રેસે બસ સળગાવવાની ઘટનામાં તપાસની માંગ કરી


વરાછામાં બીઆરટીએસ બસ સળગાવવાની ઘટનામાં તપાસ કરવાની માંગ સાથે કોંગ્રેસના નગરસેવક દિનેશ સાવલિયા, વિજય પાનશેરિયા, ચારૂલ કસવાલા તથા સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાએ કમિશનરને રજૂઆત કરી છે.

 

વરાછા રોડ પર 2.25 લાખનું નુકસાન


પુરષોત્તમનગર, વલ્લભાચાર્ય, નાના વરાછા વારિગૃહ, બરોડા પ્રિસ્ટેજ, વનમાળી જંક્શન, સીમાડા જંક્શન, યોગીનગર, સ્વામી દયાનંદસરસ્વતી જંક્શન, સીમાડા નહેર જંક્શન મળી કુલ 9 બસ સ્ટેન્ડમાં સ્લાઇડિંગ અને ફિક્સ ગલાસમાં તોડફોડથી રૂા.2.25 લાખનું નુકસાન થયું છે. - હેમાલી બોઘાવાલા, અધ્યક્ષ, ટ્રાન્સપોર્ટ કમિટી

 

સિટી બસના આ 4 રૂટ બંધ


* પરવટ-ઉત્રાણ, * ગોપીતળાવ‌‌-કાપોદ્રા, * પરવટ-સરથાણા નેચરપાર્ક, * મોટા વરાછા-ઉત્રાણ

 

BRTSના આ 2 રૂટ બંધ


- ગજેરા સર્કલથી ડિંડોલી
- સુરત રેલવે સ્ટેશનથી ઉત્રાણ ROB

અન્ય સમાચારો પણ છે...