સુરત: સુરત શહેરમાંથી સરેરાશ રોજના બે બાળકો ગુમ થઈ રહ્યાનું ચિત્ર ખડું થયું છે. છેલ્લાં બે વર્ષમાં સુરતમાંથી 1,200થી વધુ બાળકો ગુમ થયાં છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાંથી બે વર્ષમાં કુલ 4,803 બાળકો ગુમ થયાં છે. આ રીતે જોઇએ તો રાજ્યમાંથી ગુમ થતાં કુલ બાળકોમાં સુરતનાં 25 ટકા બાળકોનો સાવેશ થાય છે.
સુરતમાંથી બાળકો ગુમ થાય તેની જાણકારી રાખવા માટે તેમજ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાંચમાં મિસિંગ સેલની વ્યવસ્થા કાર્યરત છે. જેના કારણે મોટા ભાગના કિસ્સામાં બાળકો પરત મળી જવાની શક્યતા વધુ છે. દસ વર્ષ કે તેથી ઓછી વયનાં બાળકો ગુમ થાય તે કિસ્સામાં પરત મળી જવાની શક્યતા વધુ છે. પરંતુ નિયમ મુજબ 18 વર્ષથી ઓછી વય ધરાવનારા ગુમ થાય તેનો પણ બાળકો ગુમ થાય તેમાં સમાવેશ થાય છે. આવા કિસ્સામાંથી 90 ટકા કિસ્સામાં પ્રેમ પ્રકરણમાં ભાગી જનારાઓનો સમાવેશ થાય છે. તે પરત મળવા મુશ્કેલ છે.
એક એ પણ હકીકત છે કે 18 વર્ષથી નીચેની વયની કોઈ પણ વ્યક્તિ ગુમ થાય તો તેવા કિસ્સામાં તેનું અપહરણ થયું છે તેમ માની અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે. જેથી અપહરણના ગુનાની સંખ્યા પણ ખૂબ વધી જાય એ સ્વાભાવિક છે.
પોલીસ ત્વરિત ગતિએ કામ કરતી નથી
સામાન્ય સંજોગોમાં પોતાનું બાળક ગુમ થાય એટલે વાલીઓ સીધો જ પોલીસનો સંપર્ક કરે છે. ત્યારે પોલીસ વાલીઓને પોતાની રીતે સગા-સંબંધીને ત્યાં બાળકની શોધ કરવાની સલાહ આપે છે. તેમાં લગભગ 24 કલાક સુધીનો સમય કાઢી જ નાખે છે. તેવા સંજોગોમાં પોલીસ આ મુદ્દે ત્વરિત ગતિએ કામ કરે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.