તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તાપણું કરવું છે’ કોડવર્ડ સાથે મેસેજ વાઇરલ થયો, બસને આગ ચાંપી તો ય પોલીસ અંધારામાં રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: રવિવારે પાસ દ્વારા ધરણા અને સૂત્રોચ્ચારના કાર્યક્રમ દરમિયાન કેટલાક તોફાની તત્ત્વોએ બીઆરટીએસની બસને ટાર્ગેટ બનાવી હતી. જેમાં એક બસને આગ ચાંપી દીધી હતી જ્યારે 4 બસના કાચ તોડી નાખ્યા હતા. સરથાણા પોલીસમાં બે અલગ અલગ ગુના નોંધાયા છે. જેમાં કુલ રૂ. 22.50 લાખનું નુકસાન થયાનું નોંધ્યું છે.

 

સરથાણામાં કુલ ચાર બસના કાચ તોડી રૂ. 22.50 લાખનું નુકસાન

 

બીઆરટીએસ બસના ચાલક અજિતસિંહ નવલસિંહ ગોહીલે સરથાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારે રાત્રે સાડા નવ વાગ્યાથી દસ વાગ્યા સુધીના સમયગાળામાં યોગીચોક, સિલ્વર ચોક પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે પંદરથી વીસ બાઇક પર આવેલા 40 જેટલા યુવાનો જે પાસના કાર્યકરો હોવાની શક્યતા છે. તેમણે બસને આગ ચાંપી હતી અને રૂ. 20 લાખનું નુકસાન કર્યું છે. આ તોફાની ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં બસના ડ્રાઇવર અજિતસિંહને ઈજા પણ થઈ હતી.


આ જ વિફરેલા ટોળાએ આ જ સમયે અને સ્થળેથી પસાર થતી બીઆરટીએસની ચાર બસોને નિશાન બનાવી બસ પર પથ્થરમારો કર્યો હતો અને ચાર બસના કાચ તોડી નાખ્યા હતા. જેને લઇને વાતાવરણ તંગ બન્યું હતું. આ અંગે બીઆરટીએસના ઓપરેશનલ મેનેજર સુશાંત લક્ષ્મણ વાઘમારેએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ચારેય બસમાં મળી કુલ રૂ. 22.50 લાખનું નુકસાન થયું હોવાનું દર્શાવ્યું છે.


અજંપાભરી શાંતિ

 

પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારો વરાછા, કાપોદ્રા, સરથાણા, સીમાડા, મોટા વરાછા વગેરેમાં સોમવારે દિવસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ પ્રવર્તી હતી. રાત્રિના કાંકરીચાળો ન થાય તે માટે શહેર પોલીસની ટીમો પણ આ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.
 

કોની સામે ગુના

 

રવિવારે બપોરે 3 વાગ્યે માનગઢ ચોકમાં 60થી 80 ટોળું ભેગુ થયું હતું તો તાપીબાગ પાસે પણ ટોળું ભેગુ થયું હતું અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ ટોળા સામે ફરિયાદ થઇ છે. સરથાણા 2 ગુના, વરાછામાં 2 ગુના મળી કુલ 4 ગુના દાખલ થયા છે.

 

19 સામે લેવાયાં અટકાયતી પગલાં


દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે રવિવારે મોડી રાત્રે બે-અઢી વાગ્યે જ અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 19 યુવાનોની અટકાયત કરી હતી. શહેરમાં શાંતિનો ભંગ ન થાય તે માટે આ તમામની અટકાયત કરવામાં આવી હતી. જે તમામને સોમવારે મામલતદાર સમક્ષ રજૂ કરી મુક્ત કરવામાં આવ્યા હતા.

 

વરાછામાં પથ્થરમારાને પગલે સોમવારે STની 1200 ટ્રિપો વાયા કડોદરા દોડાવાઈ

 

પાટીદાર નેતા હાર્દિક પટેલની અમદાવાદથી કરાયેલી અટકાયત બાદ વરાછામાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે સોમવારે પણ એસટી નિગમ દ્વારા સુરતથી અન્ય જગ્યાઓ પર જતી અને અને સુરત આવતી બસોને વાયા કડોદરા દોડાવવાની ફરજ પડી હતી.રવિવારે સાંજે 4 વાગ્યા બાદ વરાછામાં આગજની અને પથ્થરમારાના બનાવોને પગલે એસટીએ બસોને વરાછાથી પસાર કરવાને બદલે વાયા કડોદરા દોડાવવાનો નિર્ણય લીધો હતો અને 700 જેટલી ટ્રિપોને વરાછાથી પસાર કરવાને બદલે કડોદરાથી મોકલવામાં અને લાવવામાં આવી હતી. સોમવારે પણ એસટી દ્વારા વરાછાથી બસો દોડાવવી મુનાસીબ માન્યું ન હતું.

 

PCB અને SOGનું કામ જ ગુના બનતા અટકાવવાનું છે, આ બન્ને શાખાનું ગુપ્ત તંત્ર પાંગળું સાબિત

 

ખરેખર જેનું કામ ગુના બનતો અટકાવવાનું છે તે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ આવી છે. આ બન્ને બ્રાંચની ટીમનું ગુપ્તચર તંત્ર પાંગળું પુરવાર થયું છે.

 

હવે વરાછા, કાપોદ્રા, સરથાણા, સીમાડા, મોટા વરાછામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

 

અમદાવાદમાં હાર્દિક સહિત પાસના નેતાની અટકાયત કરાય ત્યારે જ સુરતમાં વિરોધનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. પ્રારંભે પાંચ-પંદર લોકો વરાછાના મિનીબજારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જોકે, બંદોબસ્ત ન ગોઠવવાને કારણે જ કચરાપેટી ઊંધી વાળી દેવાઈ, બસ સળગાવી, રસ્તા પર પથ્થરો ગોઠવી દીધા. પોલીસે સાવધાની રાખી હોત તો બસ સળગતી અટકી શકી હોવા ઉપરાંત તોડફોડ અટકી હોત.


બાતમીદારો ન હોવાના કારણે સાચી વાત પોલીસ સુધી પહોંચતી જ નથી. એનું સૌથી મોટું ઉદાહરણ હોય તો રવિવારનું જ છે. રવિવારે સાંજે સાડા પાંચ છ વાગ્યે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઇરલ થયો હતો. જેમાં પાટીદારોએ આજે રાત્રે તાપણું કરવું છે તેવા કોડવર્ડમાં મેસેજ મૂક્યો હતો. તાપણું એટલે આગ ચાંપવાની ઘટના બનશે તેવા મેસેજ ફરતા થયા તે પોલીસના ધ્યાન પર જ ન આવ્યું. પોલીસના ધ્યાન પર આવ્યું હોય તો પોલીસે તે મેસેજને નજરઅંદાજ કર્યા. હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળેલી પોલીસે વરાછા, કાપોદ્રા, સરથાણા, સીમાડા, મોટા વરાછા સહિતના પાટીદારોના ગઢમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...