આ 7 વિઘ્ન સુરતીઓની પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ ટેક ઓફ થવા નહીં દે

Due to these 7 obstacles Surati International flight will get delayed
Bhaskar News

Bhaskar News

Sep 12, 2018, 01:17 AM IST

સુરત: પહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાડવાની તૈયારી કરી રહેલા સુરત એરપોર્ટની વર્તમાન સ્થિતિ જોતાં વિન્ટર શિડ્યુલમાં એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરવા સજ્જ થઇ શકશે કે નહિ એ સવાલ ઊભો થયો છે. ઓક્ટોબરમાં પહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ વચ્ચે 7 બાબતો એવી છે કે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના સપનાને સાકાર થતું અટકાવી શકે છે. જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ, 24 કલાક ઓપરેશન, બિલ્ડિંગમાં ફ્લોર ઊભો કરવો, સ્ટાફ નિમણૂક, બેન્કિંગ ફૅસિલિટી, કરન્સી એક્સચેન્જ, ફ્લાઇટ શિડ્યુલ સ્લોટ એપ્રુવલ વગેરે મંથર ગતિએ આગળ વધી રહી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન માટે સજ્જ કરવાની વાત 10મી ઓગસ્ટ મળેલી સ્ટેક હોલ્ડરની મીટિંગમાં કરવામાં આવી હતી.

10મી ઓગસ્ટ મળેલી સ્ટેક હોલ્ડરની મિટિંગમાં વાત કરવામાં આવી હતી પરંતુ તે શક્ય લાગતું નથી


1. સુરત-શારજાહના સ્લોટ એપ્રુવ કરવાના બાકી

શારજાહ-સુરત-શારજાહ ફ્લાઇટ શરુ કરવા જઈ રહેલ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત એરપોર્ટને મોકલવામાં આવેલા ફ્લાઇટ સ્લોટ શિડ્યુલ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે ફેર વિચાર કરવા જણાવ્યું હતું અને રાત્રે સાડા બારથી સવારે 5 વાગ્યા વચ્ચેના ટાઇમિંગ મોકલવા એર ઇન્ડિયાને જણાવવામાં આવ્યું હતું જેને પગલે એર ઇન્ડિયાએ નવા સ્લોટ મોકલ્યા છે જે મુજબ શારજાહથી રાત્રે 8:15 વાગ્યે ટેકઓફ અને 12:45 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ કરશે અને મધ્યરાત્રીએ 1:45 વાગ્યે સુરત એરપોર્ટથી ઉડાન ભરી મધરાત્રે 3:15 વાગ્યે શારજાહ લેન્ડ કરશે આ સ્લોટને મંજૂરી બાકી છે.


2. ઇમિગ્રેશન માટેના પોલીસ કર્મીઓની ટ્રેનિંગ બાકી

સુરત એરપોર્ટ પર ઇમિગ્રેશન સુવિધા ઊભી કરવા માટે રાજ્ય પોલીસના એક બેચની ટ્રેનિંગ હાલ મુંબઈમાં ચાલી રહી છે. આ બેચની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બીજા બેચના પોલીસ કર્મચારીઓ ટ્રેનિંગ લેશે. હાલ માત્ર 15 કર્મચારીઓ ટ્રેનિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.


3. બેન્કિંગ સુવિધા પણ નથી

એરપોર્ટ પર બેન્કિંગ સુવિધા ઊભી કરવા અનિવાર્ય હોય છે જેનો હાલ સુરત એરપોર્ટ પર અભાવ છે. મુસાફરોને સુવિધા આપ્યા વગર આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ કરવી મુશ્કેલ છે. BOBએ એરપોર્ટ પર સુવિધા શરૂ કરવા તૈયારી બતાવી છે જેના માટે જગ્યા ફાળવવા સહિતના કામ પાઇપલાઇનમાં છે.

4. કસ્ટમ માટેની વ્યવસ્થાઓ બાકી

કસ્ટમ માટે આપવામાં આવેલી જગ્યાથી ડેપ્યુટી કમિ. ઓફ કસ્ટમને સંતોષ નથી એમને સ્પષ્ટ કર્યું છે કે સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ મુજબ સુરત એરપોર્ટ પર ઓછી જગ્યા પ્રોવાઇડ કરવામાં આવી છે પણ હાલ પૂરતું અમે ચલાવી લઈશું કસ્ટમ માટે 8 કેબિન, 1 સ્ટોરરૂમની જરૂર છે જે ઊભા કરાઈ રહ્યા છે.


5. ટર્મિનલ ફ્લોર બની શકે મુશ્કેલી

ટર્મિનલ બિલ્ડિંગમાં ફ્લોર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દિવસ દરમ્યાન આ કામ ડોમેસ્ટિક ફ્લાઇટની અવરજવરને લીધે શક્ય ન હોવાથી રાત્રી દરમિયાન કરાશે. કામ મંથર ગતિએ ચાલતું રહેશે તો રાત્રે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરવા સામે પણ પ્રશ્ન ઊભો થઇ શકે છે.


6. 24 કલાક ઓપરેશન માટે સ્ટાફની નિમણૂક બાકી

24 કલાક ઓપરેશનની મંજૂરી તો મળી ગઈ છે પણ સુરત એરપોર્ટને રાત્રી ઓપરેશનનો કોઈ અનુભવ નથી. હાલ 2 શિફ્ટમાં કામ કરવામાં આવી રહ્યું છે. જો ત્રીજી શિફ્ટ શરુ કરવામાં આવે તો સ્ટાફની નિમણૂક કરવી આવશ્યક છે જે નિમણૂક હજી સુધી કરવામાં આવી નથી.


7. કરન્સી એક્સચેન્જની સુવિધા પણ હજુ બાકી


સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જની સુવિધા વધુ આવશ્યક હોય છે. હાલમાં સુરત એરપોર્ટ ઉપર આ સુવિધા ઊભી કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે કરન્સી એક્સચેન્જ માટે માત્ર એક કેબિન પૂરતી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

કામ પ્રગતિમાં છે

પહેલી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરુ કરવા એરપોર્ટને સજ્જ કરવામાં આવી રહ્યું છે. તમામ બાબતો પ્રગતિમાં છે. -સંજય પાણિગ્રહી, ડાયરેક્ટર, સુરત એરપોર્ટ

X
Due to these 7 obstacles Surati International flight will get delayed
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી