તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુલની રેલિંગ તોડી કાર 15 ફૂટ નીચે ખાડીમાં ખાબકી, દરવાજો જ ન ખૂલતાં ચાલકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માયપુર: વાલોડ તાલુકાના દાદરીયા ગામે આવેલ છીપણ નદીના પુલ પરથી મળસ્કે એક કાર પુલની રેલીંગ તોડી પંદર ફૂટ નીચે પાણીમાં ખાબકી હતી. વરસાદના કારણે નદીમાં પાણી વધારે હોવાથી કાર સહિત ચાલક ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા સ્થાનિક તરવૈયાની મદદથી કારને દોરડુ બાંધી બહાર કાઢવામાં આવી હતી. કારનો ચાલક દરવાજો ખોલી ન શકતા પાણીમાં ડૂબી જવાથી મોત થયુ હતું. અકસ્માત થવા પાછળનું કારણ વરસાદી માહોલમાં સામેથી આવતા વાહનની લાઇટનો પ્રકાશ આવતા કે પછી જોકુ આવી જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. 

 

સુરતના ચૌર્યાસીના સચિન ખાતે રહેતા ભાસ્કરભાઈ દેવરાજભાઇ હિરપરા (42) કન્ટ્રકશનનું કામ કરે છે. સોમવારે ઉઘરાણી માટે નીકળ્યો હતો. મળસ્કે વાંસદાથી ઉઘરાણી કરી કાર નંબર GJ 05 RB 6633 પર પરત ઘરે આવવા નીકળ્યો હતો. દાદરિયા ગામની સીમમાં વાપી-શામળાજી રોડ પરથી મળસ્કે નદીના પુલ પરથી પસાર થતા હતો, ત્યાંરે પુલની રેલીંગ તોડી 15 ફૂટ નીચે કાર ખાબકી હતી, જેના કારણે કાર પાણીમાં ડૂબી હતી. કારમાં સવાર ભાસ્કરભાઇ  દરવાજો ખોલી ન શકતા અંદર જ મોત થયુ હતું. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિકોને થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે તરવૈયાને બોલાવતા હતા. કારને દોરડુ બાંધી લોકોએ બહાર ખેંચીને પાણીની બહાર કાઢી હતી. કારમાં જ ભાસ્કર હીરપરાને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. 

 

લાઇસન્સ આધારે યુવકની ઓળખ થઇ

 

પુલ પરથી 15 ફૂટ નીચે પાણીમાં પટકાયેલી કારમાં સવાર યુવાનની ડ્રાઇવિંગ સીટ પર મૃત હાલતમાં લાશ મળી હતી. પોલીસે કારમાં તેમજ મરણ જનાર યુવાનનાં ખિસ્સામાં તપાસ કરતાં ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મળી હતી. જે આધારે યુવાનનું નામ સરનામુ મળતા પરિવારજનોને જાણ કરી હતી.
 

કયું વાહન નીચે પડ્યું છે તેની કોઇ જાણ નહોતી


દાદરિયા ગામે નદીમાં પડેલ વાહન અંગે કોઇને જાણકારી ન હતી. પોલીસ સ્થળ પર આવી તરવૈયાઓને બોલાવી પાણીમાં ડૂબકી મરાવી તપાસ કરતા કાર હોવાનું માલુમ થયુ હતું. અકસ્માત મળસ્કે થયુ હોવાથી ઘટના કોઇ જોઇ શક્યુ ન હતું. પુલની રેલીંગ તુટેલી જોતાં અકસ્માત થયુ હોવાની જાણ થઇ હતી.

 

અગાઉ ટામેટા ભરેલી ટ્રક નીચે ખાબકી હતી


દાદરીયા છિપણ ખાડી પર અગાઉ રેલિંગ તોડીને ટામેટા ભરેલી ટ્રક પાણીમાં ખાબકી હતી. છિપણખાડી પર બનાવે પુલ સાંકડો હોય જેના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. આ અંગે જવાબદાર વિભાગમાં સુરક્ષીત કરવા કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે, નહીંતર આવનારા સમયમાં કોઈ ગોઝારો અકસ્માતની શક્યતા રહેલી છે.