સુરતઃ દુષ્કર્મના ગંભીર આક્ષેપો બાદ ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભાનુશાલીનું રાજીનામું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતઃ કાપોદ્રામાં રહેતી 21 વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી છે. જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને યુવતીને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી 21 વર્ષિય રીના( નામ બદલ્યું છે) 10મી જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી છે. અરજી અનુસાર રસ્તામાં કાર થોભાવીને દુષ્કર્મ કર્યું હતું. દરમિયાન તેમની સાથેના એક ઇસમે વીડિયો ઉતારી લીધો હતો. તે વીડિયોના આધારે રીનાને બ્લેકમેલ કરીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. આરોપ લાગ્યા બાદ ભાનુશાળીએ રાજીનામું આપી દીધું છે.

 

 

જયંતી ભાનુશાળીના ભત્રીજા પર પણ આરોપ લાગ્યા હતા

 

જયંતી ભાનુશાળીએ ગુરુવારે પોતાના બીજેપીના પ્રદેશ ઉપપ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમાં લખ્યું હતું કે સુરતમાં કોઇએ તેમના વિરૂદ્ધ અરજી આપેલ છે.અરજીની તટસ્થ તપાસ થાય અને જ્યાં સુધી નિર્દોષતા સાબિત ન થાય ત્યાં સુધી કોઇ પદ ઉપર ન રહી શકુ તેવી લાગણી સાથે રાજીનામુ આપ્યું હતુ. આ બાબતે જયંતી ભાનુશાળીએ તેઓએ આવું કૃત્ય કર્યું ન હોવાનું કહ્યું છે. જયંતી ભાનુશાળીએ વધુમાં જણાવ્યું હતું કે ચારેક માસ પહેલા તેમના ભત્રીજાને બ્લેકમેલ કરાયો હતો. ત્યારે બ્લેકમેલ કરનાર મનિષા નામની છોકરી અને તેની ગેંગ વિરૂદ્ધ નરોડામાં ફરિયાદ કરી હતી. આક્ષેપ કરનાર યુવતી આ ગેંગની હોઈ શકે છે અને બદલો લેવા માટે આવી અરજી કરી હોઇ શકે છે.

 

અરજી મળી છે, વધુ કહી શકું નહીં- કાપોદ્રા પીઆઈ


કાપોદ્રા પીઆઈ આર.એલ.દવેએ જણાવ્યું હતું કે નનામી અરજી મળી છે. અરજીમાં યુવતીનું જે સરનામું છે ત્યાં આ યુવતી મળી આવી નથી. માટે હાલ તો આ નનામી અરજી છે. તેના આધારે તપાસ કરાઇ રહી છે માટે અરજીમાં શું છે તે કહી શકાય નહીં. નનામી અરજી હોવાથી આક્ષેપોની સત્યતા બાબતે કાંઈ કહી શકાય નહીં.


અરજીની તપાસ થશે- પોલીસ કમિશનર સતીષ શર્મા


પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે અરજી મળી છે અરજીની તપાસ કાપોદ્રા પોલીસને સોપી છે. અરજીમાં થયેલા આક્ષેપોના તપાસ બાદ આગળની આગળની કાર્યવાહી શથે.