તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

45 હજારની કચરાપેટી મંજૂર પણ સુરક્ષા માટે CCTV મૂકવા લોકો પાસે ઉઘરાણાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરત: ડિંડોલીમાં બનેલી 5-5 વર્ષની દીકરીઓ પર થયેલા બળાત્કાર પછી ત્યાં સીસીટીવી લગાવવાની જાહેરાત કરાઇ છે. જોકે, સીસીટીવી માટે સરકાર પૈસા બહુ ઓછા આપે છે. લોકોએ ફંડફાળો આપવો પડે છે. બીજી બાજુ થોડા સમય જ પહેલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 45000ની એક એવી સંખ્યાબંધ કચરાપેટીઓ લગાવવાની તૈયારી કરાઇ હતી પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ પછી તે કામ અટકાવવું પડ્યું હતું. હાલમાં જ બ્રિજો પર સુશોભન માટે લાઇટો લગાવવા રૂ. 2 કરોડ મંજૂર કરવા તૈયારી કરાઇ હતી જે હાલ મોકૂફ રાખી છે.   અહીં સવાલ એ થાય છે કે સરકાર સુશોભન માટે સંવેદનશીલ છે કે બાળકીઓની સુરક્ષા માટે. ગુજરાતમાં સુરત એવું પહેલું શહેર હતું જ્યાં સુરક્ષા માટે સીસીટીવી પ્રોજેક્ટનો અમલ કરાયો હતો.


પરંતુ તે વખતે ડિંડોલી જેવા એવા ઘણા વિસ્તારો હતા જ્યાં કેમેરા લગાવાયા ન હતા.હવે નવા 1307 કેમેરા લગાવવા રૂ. 102 કરોડની જરૂર હોવાની દરખાસ્ત છે. પરંતુ સરકાર તેમાં કેટલા રૂપિયા આપશે તે નક્કી નથી. પોલીસે હાલ તો કોઇ રીત  12 કેમેરા લગાવી પણ દીધા છે.શું નેતાઓની ગ્રાન્ટમાંથી આ સીસીટીવી ન લગાવી શકાય સુરતમાં બારડોલી સહિતના 3 સંસદસભ્યો અને 12 ધારાસભ્યને મળીને પાંચ વર્ષે રૂ. 135 કરોડની ગ્રાન્ટ ખર્ચવા મળે છે. પરંતુ તે સુરક્ષા માટે વાપરી શકાતી નથી, તેવું ખુદ નેતાઓ કહે છે.  ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલે જણાવ્યું હતું કે અમને પણ એવી ઇચ્છા છે કે અમારી ગ્રાન્ટનો ઉપયોગ સીસી ટીવી માટે કરાય પરતું અમે ધારીએ તો પણ ગ્રાન્ટ આપી શકતા નથી. કારણ કે કેમેરા માટે અમારી ગ્રાન્ટ મંજૂર કરાતી નથી. કેમેરા માટે અમારી ગ્રાન્ટ મંજૂર કરાય તે માટે અમે સરકારમાં રજૂઆત કરી છે.સાંસદ સી.આર.પાટીલે પણ જણાવ્યું કે પહેલા સીસી કેમેરા માટે અમારી ગ્રાન્ટ ચાલતી હતી પરંતુ હવે કેમેરા માટે અમારી ગ્રાન્ટ ચાલતી નથી.


ઉલ્લેખનીય છે કે ધારાસભ્યને પ્રતિ વર્ષ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી શકે છે. જ્યારે સાંસદ પ્રતિ વર્ષ 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી શકે છે.


ધારાસભ્યો-સાંસદોને 135 કરોડની ગ્રાન્ટ મળે છે


સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 વર્ષથી સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કાર્યરત છે. તેમાં સુરતના જુદા-જુદા પોઈન્ટ પર અત્યારે 600 કેમેરા વર્કિંગ અવસ્થામાં છે. શરૂમાં પ્રોજેક્ટ પાછળ 32 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યાર બાદ તેમાં વધુ કેમેરા અને સ્પિટ કેમેરા, એફ આર કેમેરા અને એએનપીઆર કેમેરા લાગ્યા એટલે વઘુ 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયા હતો. આ કેમેરા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના મેન્ટેનન્સ માટે દર વર્ષે 2.50 રૂપિયાનો ખર્ચ થાય છે. માત્ર સીસી કેમેરા પ્રોજેક્ટ સરકાર એક રૂપિયો આપતી નથી. 3 સંાસદ અને 12 ધારાસભ્યને મળીને 5 વર્ષે રૂ. 135 કરોડની ગ્રાન્ટ ખર્ચવા મળે છે.