તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PIની મલાઇદાર પોસ્ટ: સુરત સહિત દક્ષિણ ગુજરાતના 20 પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાય એસપી બનવામાં રસ જ નથી!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત: આમ તો કોઇપણ સરકારી અધિકારી કે કર્મચારી તેને બઢતી મળે તેવા સતત પ્રયત્નો કરતા હોય છે. પરંતુ શહેર સમેત દ.ગુજરાતના પોલીસ વિભાગનાં 20 જેટલા પીઆઇને પોતાની બઢતીમાં લગીરે ય રસ નથી.રાજ્યમાં ફરજ બજાવતા 2001ની બેચના 83 પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાય.એસ.પી. તરીકે બઢતી આપી. જેમાં સુરત શહેરમાં ફરજ બજાવતા 3 અને સુરત રેન્જમાં ફરજ બજાવતા 3 મળી કુલ 6 પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. 2001ની બેચના 13 પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર પોલીસમાં અને 13 પોલીસ ઇન્સ્પેક્ટર સુરત રેન્જમાં ફરજ બજાવતા હતા. જેમાંથી માત્ર 6ને જ બઢતી મળી છે.

 

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવતા 26 પોલીસ ઇન્સ્પેક્ટરમાંથી માત્ર 6 પીઆઇને જ પ્રમોશન મળ્યું છે

 

બાકીના 20 પોલીસ ઇન્સ્પેક્ટરની સામે કોઈને કોઈ ઇન્ક્વાયરી ચાલુ હોવાથી પ્રમોશન આવ્યું નહીં. ત્યારે પોલીસ બેડામાં ચાલુ થયેલી ચર્ચા મુજબ 20માંથી કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાય.એસ.પી.નું પ્રમોશન લેવામાં રસ ન હોવાથી પોતાની સામે જાણી જોઇને ઇન્ક્વાયરી ચાલુ કરાવી દીધી અને પ્રમોશન જાહેર થયું ત્યાં સુધી એ ઇન્ક્વાયરીનો અંત જ ન આવવા દીધો!

 


પોલીસ બેડામાં જે ચર્ચાએ જોર પકડ્યું છે  તેમાં સૌથી નોંધપાત્ર અને વિચારતા કરી મૂકે તેવી ચર્ચા એ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજમાં ‘ગેરકાયદે આવક’નું પ્રમાણ વધુ રહે છે. ડીવાય.એસ.પી. બન્યા પછી આ રકમમાં ખાસ્સો ઘટાડો થાય છે. જેથી કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાય.એસ.પી. બનવું નથી! શહેરમાં એક પોલીસ મથક એવું છે જ્યાં ગેરકાયદેસરની આવક ખૂબ મોટા પ્રમાણમાં છે એ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે પણ જાણી જોઇને ઇન્ક્વાયરી શરૂ કરાવી તેનો નિકાલ ન આવે તેવી વ્યવસ્થા કરી હોવાની ચર્ચા દિવસ દરમિયાન ચાલી હતી.

 

શું છે પ્રમોશનનો નિયમ 

બઢતી દરમિયાન અધિકારી સામે ઇન્ક્વાયરી ચાલુ હોય તો તેમને પૂરી કરવાની તક આપવામાં આવે છે. જો તેમાં નિર્દોષ સાબિત થાય તો તે અધિકારીને પ્રમોશન આપવામાં આવે છે. આ માટે એક ખાસ કમિટી પણ કાર્યરત છે. જે અધિકારી સામે ઇન્ક્વાયરી પેન્ડિંગ હોય તેમને પ્રમોશનથી વંચિત રાખવામાં આવે છે. પરિણામે કેટલાક પોલીસ ઇન્સ્પેકટરે જાણી જોઇ પોતાની સામેની ઇન્ક્વાયરી પેન્ડિંગ રખાવી હતી. જેના કારણે પ્રમોશનથી વંચિત રહ્યા છે. (અહેવાલ-હરેશ ભટ્ટ)